સારવારમાં બેદરકારીથી દર વર્ષે થાય છે 26 લાખ લોકોના મોત: WHO
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર 2019, બુધવાર
વિશ્વ આરોગ્ય સંગઠને દુનિયાભરમાં દર્દીઓની સલામતી અને યોગ્ય સારવાર વિશે જાગૃતિ ફેલાવવા માટે આ વર્ષથી 17 સપ્ટેમ્બરને દર્દી સલામતી દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ મુદ્દાની ગંભીરતા તરફ વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ ડબ્લ્યુએચઓ પણ દર્દીઓ સાથે એક થઈ અને અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આરોગ્ય સંભાળ પ્રત્યેની ઉદાસીનતાને લીધે દર વર્ષે વિશ્વભરમાં લાખો દર્દીઓ પોતાનો જીવ ગુમાવે છે. પરિણામે સમૃદ્ધ દેશોમાં દર 10 દર્દીઓમાંથી એકને નુકસાન સહન કરવું પડે છે. બીજી તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડેટા દર્શાવે છે કે ભારત જેવા મધ્યમ અને ઓછી આવકવાળા દેશોમાં યોગ્ય સારવારના અભાવના કારણે દર વર્ષે 26 લાખ દર્દીઓને પોતાનો જીવ ગુમાવવો પડે છે. તેમાંથી મોટાભાગના કેસમાં મૃત્યુને યોગ્ય સારવારથી ટાળી શકાય તેમ હોય છે. જ્યારે 13 કરોડથી વધારે લોકોને આર્થિક અથવા આરોગ્ય સંબંધિત હાનિ સહન કરવી પડે છે.
જ્યારે લોકો બીમાર પડે છે ત્યારે તે ડોક્ટર પાસે પોતાની સારવાર કરાવવા એ આશામાં જાય છે કે હોસ્પિટલમાં તેમની સારવાર થશે અને તેમને સારું થઈ જશે. પરંતુ દુર્ભાગ્યવશ અનેક કેસમાં તેમને જે સારવાર મળે છે તેનાથી તેમનું મોત થઈ જાય છે. આવી ઘટના રોગનું ખોટું નિદાન, ખોટા નુસખાનો પ્રયોગ, દવાના અયોગ્ય ઉપયોગના કારણે અને કેટલાક કિસ્સામાં ઓપરેશન અને સ્વાસ્થ્ય સંબંધી દેખરેખ ન કરવાના કારણે ફેલાતા ચેપના કારણે બને છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મહાનિદેશક ડો. ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસના જણાવ્યાનુસાર, એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સારવાર કરતી વખતે કોઈ દર્દીને નુકસાન થાય નહીં. વૈશ્વિક સ્તરે અસુરક્ષિત સારવારના કારણે દર મિનિટમાં 5 દર્દીઓના મોત થાય છે. તેવામાં જરૂરી છે કે વિશ્વસ્તરે એવી સંસ્કૃતિ વિકસિત કરવામાં આવે જે દર્દી અને સ્વાસ્થ્યકર્તા વચ્ચે ભાગીદારી વધારે. તેમાં જવાબદારી હોય અને દોષારોપણની જગ્યાએ ભયમુક્ત વાતાવરણ હોય.
દર્દીઓની સ્વાસ્થ્ય સુરક્ષામાં રોકાણ કરવાથી આર્થિક નુકસાન અટકશે અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ ક્રાંતિકારી બદલાવ આવશે. દાખલાતરીકે સંયુક્ત રાજ્ય અમેરિકામાં 2010થી 2015 વચ્ચે હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સુરક્ષામાં સુધારો કરી એક વર્ષમાં લગભગ 2800 કરોડ અમેરિકી ડોલરની બચત કરવામાં આવી હતી. દર્દીઓના સહયોગથી સ્વાસ્થ્ય સુરક્ષામાં સુધારો થયો અને સારવાર દરમિયાન થતા નુકસાનને 15 ટકા ઘટાડી શકાયો.