શું કોરોના વાયરસ દોઢ થી બે વર્ષ સુધી ભારતનો પીછો નહી છોડે ?
શું વાયરસ લોકોની રહેણી કહેણી અને ખાણી પીણી બદલી નાખશે ?
કોરોના વાયરસના એક અંશનું પણ અસ્તિત્વ હશે ત્યાં સુધી લડાઇ લડવી પડશે
અમદાવાદ, 21 એપ્રિલ, 2020, મંગળવાર
કોરોના વાયરસ વિશ્વમાં ફેલાઇ રહયો હતો ત્યારે ભારતમાં વિદેશથી આવતા લોકોનું એરપોર્ટ પર સ્કિનિંગ કરવામાં આવતું હતું ત્યાં સુધી ભારતીયો કોરોના વાયરસ અંગે ખૂબજ ઓછું જાણતા હતા. કોરોના વાયરસ માટે ભારતમાં પ્રથમ વાર માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયાના રવીવારે જનતા કર્ફયુની જાહેરાત કરવામાં આવી ત્યાં સુધી પણ હળવાશથી લેવામાં આવતું હતું. થાળીઓ ખખડાવવાની સાથે જાણે કે કોરોના સામે વિજય મેળવ્યો હોય એવો ઉન્માદ પણ લોકોમાં જણાતો હતો પરંતુ ત્યાર પછી 21 દિવસના દેશ વ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે કોરોના વાયરસની ગંભીરતા ધ્યાનમાં આવી હતી. લોકડાઉનના પણ શરુઆતના 4 થી 5 દિવસો એકદમ અફરાતફરીના રહયા હતા જેમાં વિવિધ શહેરોમાં રહેતા શ્રમિકોએ વતનની વાટ પકડતા નાના રસ્તાઓ અને હાઇવે શ્રમિકોથી ઉભરાયા હતા.
લોકડાઉનના પગલે રોજની મજૂરી મળવી બંધ થઇ જતા ગરીબો શહેર છોડવા મજબૂર બન્યા હતા. 21 દિવસના લોકડાઉન પાછળ ગણતરી એવી હતી કે કોરોના વાયરસના સંક્રમણનો વધુમાં વધુ લક્ષણ પ્રગટ થવાનો પીરિયેડ 14 દિવસનો છે આથી લોકડાઉન લોકો પાળશે તો સોશિયલ ડિસ્ટન્સિસના કારણે નવા કેસો બનતા અટકી જશે જયારે જે લોકો સંક્રમિત થયા છે તેમના ટેસ્ટ કરીને સારવાર આપીને કોરોનાને નિયંત્રણમાં રાખી શકાશે. કોરોના વાયરસ હવામાં નહી પરંતુ સંક્રમિત વ્યકિત દ્વારા ફેલાતો હોવાથી કોરોના વાયરસની સાંકળ તોડવા લોકડાઉન અમોઘ શસ્ત્ર સમાન છે. ઇટલી અને સ્પેન જેવા દેશોએ લોકડાઉન આપવામાં વાર કરી અથવા તો લોકડાઉનનું પાલન ન કર્યુ તેના કારણે કોરોના સંક્રમણ કાબુ બહાર ફેલાયું હતું .
આ દેશોના દાખલા સામે હોવાથી લોક ડાઉનને સફળ બનાવવાની જવાબદારી માત્ર સરકારની નહી પરંતુ લોકોની પણ હતી પરંતુ બન્યું એવું કે લોક ડાઉન દરમિયાન પણ કોરોના પોઝિટિવ કેસ વધતા ગયા અને મુંબઇ, દિલ્હી જેવા શહેરોની સ્થિતિ બગડતી રહી. લોકો માટે 21 દિવસ સુધી લોકડાઉનમાં રહેવું એ કદાંચ જીવનનો પહેલો અનુભવ હોવાથી કઇંક અંશે અકળાવનારો પણ હતો પરંતુ કોરોના વાયરસનો ખાતમો થતો હોવાથી લોક ડાઉનને કરોડો લોકોએ સમર્થન આપ્યું હતું,ફિલ્મ સ્ટારો અને સેલિબ્રેટીઝે લોકડાઉનના સમર્થનમાં મેસેજ આપતા વીડિયો વાયરલ કર્યા હતા. 14 એપ્રિલે લોકડાઉનના 21 દિવસની સમય અવધી પુરી થઇ ત્યારે ફરી 3 મે સુધી લોકડાઉનને લંબાવવામાં આવ્યું હતું કારણ કે કોરોના વાયરસના વધતા જતા કેસની વચ્ચે લોકડાઉન કોઇ કાળે ઉઠાવી શકાય તેવું ન હતું.
જો એમ થાયતો 21 દિવસની મહેનત પર પાણી ફરી વળે તેમ હતી. તેલંગાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને રાજ્સ્થાન સરકારે અગાઉથી જ લોક ડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી હતી. હવે લોકડાઉન પાર્ટ -2 ના દિવસો પણ સળસળાટ પસાર થઇ રહયા છે પરંતુ કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધતા જાય છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ ધરાવતા દર્દીઓની સંખ્યા સૌથી વધારે વધી છે. ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં 1200થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
કોરોના વાયરસ નવો છે તથા તેના પર રસી થી માંડીને દવાના પણ સંશોધનો ચાલી રહયા છે. શરીરમાં દાખલ થયા પછી 14 દિવસ સુધી પડયો રહે છે અને પછી લક્ષણો સાથે માથું ઉચકે છે ઘણી વાર તાવ, શરદી,ખાંસી જેવા લક્ષણો વગર પણ રિપોર્ટમાં પોઝિટિવ આવે છે. આ દરમિયાન પણ બીજાને સંક્રમિત કરી શકે છે આથી આ કોરોનાની વૈશ્વિક મહામારી કયા જઇને અટકશે એ કહેવું મુશ્કેલ છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે લોક ડાઉન ઉઠાવી લીધા પછી કોરોના વાયરસનું સંક્રમણ નિમૂળ થાય તેમ જણાતું નથી.
ભારતના લોકોને આ વાયરસ સામે રોગપ્રતિકારશકિત મેળવવામાં દોઠ થી બે વર્ષ જેટલો સમય લાગી શકે છે. લોક ડાઉન તો ટેમ્પરરી પીરીયેડ છે જેમાં કોરોના વાયરસને મહાત આપવા વધુને વધુ તૈયારીઓ કરી શકાય છે. વાયરસના કારણે લોકોની રહેણી કહેણી અને ખાણી પીણી ઘણી જ બદલાઇ જશે. જેવા લોકો પહેલા જેવું નોર્મલ જીવન જીવશે ત્યારે તેના એક પણ અંશનું પણ અસ્તિત્વ હશે તે જોખમરુપ ગણાશે. ખાસ કરીને વડિલો અને બાળકોને કોરોનાના પ્રકોપથી બચાવવા જરુરી છે, આ વાયરસ સામે શરીર ઇમ્યૂનિટી મેળવે એ જ એક માત્ર ટકાઉ ઉપાય છે.