૨૧ જુનના રોજ શા માટે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે
આ દિવસ ઉત્તરી ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ ગણવામાં આવે છે
સૂર્યનું દક્ષિણ તરફ હોવુંએ આધ્યાત્મિક સિધ્ધિઓ મેળવવાની દ્વષ્ટ્રીએ ખૂબ લાભકારી
યુએન દ્વારા વર્ષ ૨૦૧૫ ૨૧ મી જુનના રોજ પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. યોગ દિવસ ઉજવવાના ભારતના પ્રસ્તાવને યુએનના ૧૭૦થી વધુ દેશોએ સમર્થન આપ્યું હતું. ૨૧ જુન ૨૦૧૫ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ભારતની રાજધાની નવી દિલ્હી ખાતે ૮૪ દેશોના પ્રતિનિધિઓએ ૩૫ હજાર લોકોની સાક્ષીમાં રાજપથ પર યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાજપથ પર યોગના જાણકારોએ ૨૧ આસનો કર્યા હતા. આ સમારોહમાં ૩૫૯૮૫ લોકોએ એક સાથે યોગ કર્યો તે અને ૮૪ દેશોના પ્રતિનિધિઓએ એક સાથે ભાગ લીધો આ બંને ગ્રીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ બન્યો હતો. બીજો યોગ દિવસ ૨૧ જુન ૨૦૧૬ના રોજ ચંદિગઢમાં મનાવવામાં આવ્યો હતો. ૨૦૧૭માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લખનૌ ખાતે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૫૧૦૦૦ હજાર લોકોએ ભાગ લીધો હતો. ૨૦૧૮માં દહેરાદુન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો.
૨૧ મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પસંદ કરવા માટે પણ ખાસ કારણ છે. આ દિવસ ઉત્તરી ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ ગણવામાં આવે છે જેને ગ્રીષ્મ સંક્રાતિ કહેવામાં આવે છે. આ દિવસે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર સૌથી વધુ સમય રેલાય છે. ભારતીય સંસ્કૃતિના દ્વષ્ટીકોણથી જોઇએ તો ગ્રીષ્મ સંક્રાંતિ પછી સૂર્યા દક્ષિણાયન તરફ પ્રયાણ કરે છે. સૂર્યનું દક્ષિણ તરફ હોવુંએ એ સમય આધ્યાત્મિક સિધ્ધિઓ મેળવવાની દ્વષ્ટ્રીએ ખૂબજ લાભકારી છે. આમ આ દિવસ કોઇ વ્યકિત વિશેષ નહી પરંતુ પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યો છે. અગાઉ ૨૦૧૧માં ભારતમાં એક આંતરરાષ્ટ્રીય યોગ સંમેલન મળ્યું હતું જેમાં ૨૧ જુનને વિશ્વ યોગ દિવસ જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.
યોગ વિજ્ઞાનની ઉત્પતિ વર્ષો પહેલા થઇ હતી. ઇસ પૂર્વે ૨૭૦૦ વર્ષ પહેલાના પૂર્વ વૈદિક કાળમાં તથા પતંજલીના સમયમાં લોકો યોગની જાણકારી ધરાવતા હતા. ઉપનિષદો, સ્મૃતિઓ,બૌધ્ધ ધર્મ, પાણીની અને મહાકાવ્યોમાં પણ યોગનો ઉલ્લેખ મળે છે. યોગ વિધામાં ભગવાન શિવને પ્રથમ યોગી કે આદિ ગુરુના રુપમાં જોવામાં આવે છે.