Navratri 2023: શા માટે નવરાત્રિમાં સાત્વિક ભોજનનું સેવન કરવામાં આવે છે, જાણો તેના ફાયદા
Image Source: Freepik
અમદાવાદ, તા. 14 ઓક્ટોબર 2023 શનિવાર
શારદીય નવરાત્રિનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. આ શુભ 9 દિવસ દરમિયાન ભક્તો માતા દુર્ગાના ઉપવાસ કરે છે. અમુક લોકો માત્ર 2 દિવસ ઉપવાસ કરે છે તો અમુક લોકો 9 દિવસનું વ્રત કરે છે. આ 9 દિવસની અંદર અમુક લોકો ઉપવાસ કરતા નથી પરંતુ સાત્વિક ભોજન જમે છે. અમુક લોકો તો ડુંગળી, લસણ, મૂળવાળા શાકભાજી, ચા, કોફીનું સેવન પણ ટાળે છે. વ્રત કરનાર લોકો અનાજ, મીઠુ, શાકભાજી ખાવાનું ટાળે છે. નવરાત્રિ દરમિયાન લોકો ચોખા, રાગી, સાબુદાણા, શિંગોડાનો લોટ વગેરેનું સેવન પસંદ કરે છે. આ ખાદ્ય પદાર્થ સાત્વિક હોય છે અને સાથે જ આરોગ્ય માટે લાભદાયી પણ હોય છે. આ ફાઈબર, પ્રોટીન, જરૂરી વિટામિન અને ખનીજથી ભરપૂર, સાત્વિક ભોજન ઝેરીલા પદાર્થોને દૂર કરી શકે છે અને શરીરને સારી રીતે પોષણ આપી શકે છે.
નવરાત્રિ દરમિયાન સાત્વિક ભોજનના ફાયદા
1. શરીરને ડિટોક્સિફાય કરવા માટે જરૂરી
સાત્વિક ભોજન સામાન્ય રીતે હળવુ, પચાવવામાં સરળ, વધુ મસાલા અને ફેટથી મુક્ત હોય છે. આ શરીરને ડિટોક્સિફાય કરવામાં અને પાચનતંત્રને આરામ આપવામાં મદદ કરે છે.
2. શરીરને આખો દિવસ એનર્જેટિક રાખે છે
સાત્વિક ભોજન કુદરતી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આવા ખાદ્ય પદાર્થોનું સેવન આખો દિવસ નિરંતર ઉર્જા આપે છે અને શરીરમાં એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે.
3. મગજને શાંત રાખે છે
સાત્વિક ભોજનની સાદગી માનસિક સ્પષ્ટતાને પ્રોત્સાહન આપે છે અને માનસિક અશાંતિને ઘટાડે છે. આ ધ્યાન અને પ્રાર્થનાના સમય દરમિયાન વિશેષરીતે ફાયદાકારક હોઈ શકે છે.
4. બેલેન્સ ડાયટ
સાત્વિક ભોજનમાં ઘણી વખત વિભિન્ન પ્રકારના ફળ, શાકભાજી, સૂકા મેવા, બીજ અને ડેરી ઉત્પાદન સામેલ હોય છે. આનાથી ઉપવાસના સમયગાળા દરમિયાન સંતુલિત પોષણ સેવન જાળવી રાખવામાં મદદ મળી શકે છે.
5. પાચનમાં સુધારો
સાત્વિક ભોજન સામાન્યરીતે પાચનતંત્ર માટે સરળ હોય છે, જે ઉપવાસ દરમિયાન મદદરૂપ થઈ શકે છે જ્યારે પાચન પ્રક્રિયા ધીમી થઈ શકે છે. તેનાથી અસુવિધા કે પાચન સંબંધી સમસ્યાઓથી બચી શકાય છે.
6. ઈમોશનલ સ્ટેબીલિટી
એવુ માનવામાં આવે છે કે સાત્વિક ભોજનનો મન પર શાંત પ્રભાવ પડે છે, જે વ્યક્તિને ભાવનાત્મક સ્થિરતા જાળવી રાખવા અને ઉપવાસ દરમિયાન તણાવ કે ચિંતાને ઘટાડવામાં મદદ કરી શકે છે.