મિઝોરમ ભારતમાં સૌથી વધુ HIV પીડિત રાજય કેમ બન્યું ?
આ રાજયના ૨.૦૪ ટકા લોકોને એચઆઇવીએ ભરડો લીધો છે
અત્યાર સુધી કુલ ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા છે
15 ઓકટોબર, મંગળવાર
૧૧ લાખની વસ્તી ધરાવતા પૂર્વોત્તર રાજય મિઝોરમમાં એચઆઇવી ગ્રસ્ત લોકોની સંખ્યા વધતી જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રાજયના ૨.૦૪ ટકા લોકોને એચઆઇવીએ ભરડો લીધો છે. જયારે મણીપુરમાં ૧.૪૩ અને નાગાલેન્ડમાં આ દર ૧.૫ ટકા છે. આ સાથે જ એઇડઝના દર્દીઓની સંખ્યા ધરાવતું સૌથી મોટું રાજય બન્યું છે. આની સરખામણીમાં ભારતમાં એચઆઇવી ધરાવતા લોકોનો દર ૦.૨ ટકા છે.
મિઝોરમના યુવાનો પર પશ્ચીમી જીવનશૈલીની ખૂબ અસર વધારે છે. પૂર્વોત્તર રાજયોમાં એક સમયે વધુ શિક્ષિત રાજય હોવાનું ગૌરવ ધરાવતું મિઝોરમ નવી જ સમસ્યાનો સામનો કરી રહયું છે. બાંગ્લાદેશ અને મ્યાનમારની સરહદને સ્પર્શતા મિઝોરમમાં એઇડઝ ફેલાતો અટકાવવા માટે ઇન્ટીગ્રેટેડ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ ટેસ્ટીંગ સેન્ટર પર રોજ ૯ થી ૧૦ જેટલા એચઆઇવી કેસ નોંધાય છે. સમગ્ર રાજયમાં આ પ્રકારના ૪૪ ટેસ્ટીંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર દેશ -દુનિયામાં એચઆઇવીએ માથું ઉંચકયું ત્યારે મિઝોરમમાં ૧૯૯૦મા પ્રથમ કેસ નોંધાયો હતો. હાલમાં કુલ ૧૯૬૩૧ દર્દીઓ છે જયારે આ બીમારીના કારણે અત્યાર સુધી ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા છે.
સામાન્ય રીતે ૯૦ ટકા એચઆઇવીના કેસ અસલામત જાતિય સંબંધોથી થતા હોય છે પરંતુ મિઝોરમમાં તેનું પ્રમાણ ૬૬ ટકા જેટલું છે જયારે ૨૮.૧૬ ટકા જેટલા કિસ્સામાં સારવાર દરમિયાન શરીરમાં અપાતા દવાના ઇન્જેકશન જવાબદાર છે. જયારે ૩ ટકા જેટલા કિસ્સામાં માતા પિતા તરફથી બાળકોને મળી છે. એચઆઇવીનો ભોગ બનેલા ૪૨.૩૮ ટકા દર્દીઓ ૨૫ થી ૩૪ વર્ષના છે.
૨૦૧૧-૧૨માં મિઝોરમમાં એચઆઇવી પ્રસરવાનો દર ૪.૮ હતો જે ઘટીને થોડાક સમય માટે ૩.૮ ટકા થયો હતો.ત્યાર પછી ૨૦૧૭-૧૮માં એચઆઇવી ગ્રેસ્ત લોકોની સંખ્યામાં વધારો થતા દર ૭.૫ ટકા થયો હતો. માર્ચ ૨૦૧૯ સુધીની માહિતી મુજબ ૭.૫ ટકાના સ્થાને આ આંકડો વધીને ૯.૨ ટકા થયો છે. ભારતમાં મિઝોરમ જ એક માત્ર એવું રાજય છે જયાં એચઆઇવીઓની સંખ્યા સૌથી ઝડપથી વધી રહી છે. મિઝોરમના યુવાનો પર પશ્ચીમી જીવનશૈલીની ખૂબ અસર વધારે છે.