લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોની ધીરજ હવે કેમ ખૂટી રહી છે ?
બાંદ્રામાં 2000 જેટલા શ્રમિકોએ લોક ડાઉનમાં વતન જવા દેવાની માંગ કરી
સુરતમાં ઓરિસ્સાના શ્રમિકોએ પોતાને ઘરે જવા દો ની માંગણી સાથે પ્રદર્શન કર્યુ
નવી દિલ્હી, 15 એપ્રિલ, 2020, બુધવાર
14 એપ્રિલના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ લોક ડાઉનનું એકસટેન્શન આપીને 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. જો કે આ લોકડાઉન લંબાશે એ પહેલાથી નકકી હતું જે શિક્ષિત લોકો જાણતા હતા પરંતુ મુંબઇ જેવા શહેરમાં રહેતા શ્રમિકોએ રોડ પર આવીને ગુસ્સો પ્રગટ કર્યો હતો. બાંદ્રામાં 2000 જેટલા શ્રમિકો સોશિયલ ડિસ્ટન્સિસના લીરા ઉડાડીને પોતાને વતન મોકલવાની માંગણી કરી હતી. થોડાક સમય પહેલા ગુજરાતના સુરતમાં પણ મુખ્યત્વે ઓરિસ્સા રાજયના શ્રમિકોએ પોતાને ઘરે જવા દો ની માંગણી સાથે પ્રદર્શન કર્યુ હતું. બે દિવસ પહેલા દિલ્હી રાજયની સરહદ પર અચાનક જ શ્રમિકોના ટોળા જોવામાં આવતા પોલીસે કાર્યવાહી કરીને 55 શ્રમિકોને સમજાવીને પાછા વાળ્યા હતા.
શ્રમિકો અત્યાર સુધી 14 એપ્રિલની રાહ જોઇને બેઠા હતા પરંતુ લોકડાઉન લંબાતા તેમની ધીરજ ખૂટી રહી છે. તેઓ દેશમાં બની રહેલી કોરોના સંક્રમણની નવી સ્થિતિથી વાકેફ ન હતા એટલું જ નહી 14 એપ્રિલ પછી છોડવામાં આવશે એવી અફવા પણ સાંભળી હતી. ચોકકસ તત્વોએ મોબાઇલ મેસેજ કરીને ભેગા થવા ઉશ્કેર્યા હોવાનું પણ ચર્ચા છે. લોક ડાઉનની સ્થિતિમાં મજૂરો પાસે રોજગારી નથી એ હકિકત છે. નાની એવી જગ્યામાં વધુ ગરીબો રહેતા હોવાથી ડિસ્ટન્સ જાળવીને રહી શકતા નથી. સરકારી તંત્ર અને સેવાભાવીઓ ગરીબોને અનાજ અને ખોરાકની મદદ કરી રહચા છે પરંતુ છેક છેવાડે રહેતા માણસ સુધી રોજ રોજ પૂરવઠો પહોંચાડવો એક મોટો પડકાર છે. જેમના સુધી મદદ ના પહોંચે તેઓ ધૂંધવાઇને વિરોધ કરવા મજબૂર બન્યા હોવાનું પણ બની શકે છે.
24 માર્ચે લોક ડાઉન શરુ થયું ત્યારે લાખો મજૂરોએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે વતન તરફ ચાલતી પકડી હતી. તેઓ લોક ડાઉન છતાં એનકેન પ્રકારે વતન પહોંચી જવામાં સફળ થયા હતા. આ શ્રમિકોએ 100 થી માંડીને 1000 કિમી સુધીનું અંતર ચાલતા કાપ્યું હતું. શ્રમિકો આવી રીતે સ્થળાંતર કરતા રહે અને રસ્તાઓ જામ રહે તો લોક ડાઉનનો કોઉ અર્થ જ રહે નથી. શહેરોમાંથી ગ્રામીણ વિસ્તારો તરફ જતા મજૂરો સોશિયલ ડિસ્ટન્સિસના અભાવે કોરોના વાયરસના વાહક બને તો ગ્રામીણ વિસ્તારો પણ મુશ્કેલીમાં મુકાઇ જાય. આથી કેન્દ્ર અને રાજય સરકારોએ કાર્યવાહી કરીને સ્થિતિ સંભાળી લીધી હતી. જયાં હોય ત્યાં રહો રાહત સામાન પહોંચાડવામાં આવશે એવી જાહેરાત કરતા શ્રમિકો રોકાઇને 14 એપ્રિલ સુધીની રાહ જોવાનું નકકી કર્યુ હતું પરંતુ લોક ડાઉન લંબાતા તેઓ ફરી અધિરા બન્યા છે. આથી શ્રમિકોના ખોરાક,આરોગ્ય અને રહેઠાણની સ્થિતિ પર વધુ ધ્યાન આપીને તેમાં સુધારા લાવીને આશ્વાસન આપીને કોરોના વાયરસની ખતરનાક બીમારી સામે સજાગ અને જાગૃત કરવા એ જ એક માત્ર ઉપાય છે.