ચામડીનો કોઇ રોગ ના હોયતો પણ શરીરમાં ખંજવાળ કેમ આવે છે ?
ટોકસિનના પ્રતિકાર માટે ઇમ્યૂન સિસ્ટમમાં હિસ્ટામીનનો સ્ત્રાવ થાય છે
ખંજવાળવાથી કેમ સંતોષનો અનુભવ થાય છે તે હજુ રહસ્ય છે
ચામડીનો રોગ ના થયો હોય તેમ છતાં શરીર પર ખુજલી માટે હાથ ફરવોએ માણસનું સામાન્ય લક્ષણ છે. કોઇ વક્તા ભાષણ આપતા હોય કે ઓફિસમાં વર્ક કરતા હોય આ સહજ ક્રિયાનો ખૂદને પણ ખ્યાલ હોતો નથી. એક સંશોધન મુજબ એક માણસને દિવસમાં સરેરાશ ૯૭ વાર ખંજવાળ આવે છે. લિવરપૂલ યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રાંસિસ મેકલોનના જણાવ્યા મુજબ મચ્છર અને નાના મોટા છોડ,વનસ્પતિ એક પ્રકારનું ટોકસિન છોડે છે જેના પ્રતિકાર માટે શરીરની ઇમ્યૂન સિસ્ટમમાં હિસ્ટામીનનો સ્ત્રાવ થાય છે. આવું થાય ત્યારે ચેતાતંત્ર મસ્તિષ્કને ખંજવાળનો સંકેત આપે છે. હવામાં તરતા ટોકસિન માટે શરીર સંવેદનશીલ હોવાથી હાથ ખણવાનું શરું કરે છે.
૧૯૯૭માં ખંજવાળ અંગેના સંશોધનમાં પ્રથમવાર બહાર આવ્યું હતું કે ઇજ્જા કે રોગ થવાથી આવતી ખંજવાળ અને સામાન્ય ખંજવાળ બંને અલગ બાબત છે. સેન્ટર ઓફ ધ સ્ટડી ઓફ ધ ઇચના સંશોધક બ્રાયના જણાવ્યા મુજબ સામાન્ય ખંજવાળ પણ એક પ્રકારના ચેપ જેવી હોય છે જેમાં ઘણી વાર એકની અસર બીજાને થવા લાગે છે. આ અનુકરણ માટે મગજનો સુપ્રાક્રિએજમેટિક ન્યૂકલિઅયસ ભાગ જવાબદાર છે. ખંજવાળથી શરીરને આરામનો અહેસાસ થાય ત્યારે મગજમાંથી સેરોટોનિનનો સ્ત્રાવ થાય છે. જો કે ખંજવાળવાથી કેમ સંતોષનો અનુભવ થાય છે તે આજ સુધી માલૂમ પડયું નથી. નવાઇની વાત તો એ છે કે જેમ ખંજવાળવામાં આવે તેમ તે વધતી જાય છે.