કોરોના વાયરસનું નવું નામ કોવિડ -19 કેમ પડયું ?
વુહાનમાં પ્રથમ કેસ નોંધાયેલો આથી વુહાન વાયરસ પણ કહેવાય છે
કો નો અર્થ કોરોના, વી નો વાયરસ અને ડનો અર્થ ડિસિઝ
બેઇજિંગ, 5 માર્ચ, 2020 ગુરુવાર,
ચીનમાં ૩૦૦૦થી વધુ લોકોના મોત માટે જવાબદાર કોરોના વાયરસનું નવું નામ કોવિડ-૧૯ છે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ મધ્યચીનના વુહાનમાં આ વાયરસ પ્રથમ વાર ધ્યાનમાં આવ્યો ત્યારે તેને કોરોના વાયરસ તરીકે ઓળખવામાં આવ્યો હતો. વુહાન આ વાયરસનું એપી સેન્ટર હોવાથી શરુઆતમાં વુહાન વાયરસ તરીકે પણ સંબોધવામાં આવતો હતો. છેલ્લા કેટલાક સમયથી ચીન, દક્ષિણ કોરિયા અને ઇટલી સહિત વિશ્વના ૮૦ દેશોમાં હાહાકાર મચાવનારા આ વાયરસને કોવિડ-૧૯ નામ આપવામાં આવ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાનું નામ કોવિડ-૧૯ આપ્યું છે જેમાં કોનો અર્થ કોરોના, વી નો વાયરસ અને ડીનો અર્થ ડિસિઝ આપવામાં આવ્યું છે. કોઇ પણ રોગના વાહક કોણ છે તે જાણવા મળે તો તેને ચોકકસ નિયંત્રણમાં લઇ શકાય છે. કોરોના વાયરસ કેવી રીતે ફેલાયો એ અંગે અનેક થિએરી રજુ થઇ છે. આ વાયરસની ઉત્પતિ માટે ચામાચીડિયાથી માંડીને સાપ અને પેંગોલિન જેવા જીવોને જવાબદાર માનવામાં આવે છે પરંતુ ખરેખર હજુ તે રહસ્ય જ રહયું છે. કોરાના વાયરસની દહેશત સમગ્ર દુનિયામાં ફેલાઇ રહી છે. આ વાયરસની રસી અને ઉપચાર દવાઓ શોધવા માટે મેડિસીન કંપનીઓ પ્રયાસ કરી રહી છે પરંતુ હજુ કામયાબી મળી નથી. કોરોના વાયરસના ઉપચાર માટે સોશિયલ મીડિયામાં ઘરગથ્થું ઉપચારો અને દવાઓનો દાવો કરવામાં આવી રહયો છે.
વાયરસ પ્રસરે નહી તે માટે લોકો એક બીજા સાથે હાથ મિલાવાનું ટાળે છે. માસ્કની ડિમાંડ વધી ગઇ હોવાથી ૧૦ ગણા ભાવે વેચાણ થાય છે. ચીનના વુહાનમાં તો વાયરસથી બચવા માટે લોકો ફરજીયાત માસ્ક પહેરીને બહાર નિકળે છે. એક સમયે ઉધોગ અને ધંધાથી ધમધમતું વુહાન કોવિડ-૧૯ના ભયના કારણે ભૂતાવળ જેવું ભાસે છે. ચીનમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૮૦ હજારને પાર કરી ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી સંક્રમણ દર ઘટયો છે પરંતુ મરણની સંખ્યામાં વધારો થયો છે. હજુ પણ વાયરસ એક મહિના સુધી સક્રિય રહે તેવી દહેશત છે. ચીન પાર કરીને દક્ષિણ કોરિયામાં ૫૦૦૦ અને અને ઇટલીમાં ૩૦૮૯ કેસ અને ૧૦૭ લોકોના મોત થયા છે. ભારતમાં 28 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ જયપુર, દિલ્હી અને ગાઝિયાબાદમાં છે. અત્યાર સુધી બાકાત રહેલા દક્ષિણ આફ્રિકામાં કોવીડ-19નો પ્રથમ કેસ નોંધાયો છે.