કોરોના વાયરસની સારવારમાં આ દવા અસરકારક સાબિત થઇ, બ્રિટનના સંશોધનકર્તાઓનો દાવો
- વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠને પણ આ દવાના પ્રારંભિક પરિણામોને આવકાર્યા
જીનિવા, તા. 17 જૂન 2020, બુધવાર
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસના ગંભીર દર્દીઓ પર અસરકારક દવા ડેક્સામેથાસોનના ક્લીનિકલ ટેસ્ટના પ્રારંભિક પરિણામોને આવકાર્યા છે. બ્રિટને અસ્થમા, ફેફસાંની બીમારી અને ત્વચાના રોગની દવા ડેક્સામેથાસેનનું કોરોના સંક્રમિત લોકો પર ટેસ્ટિંગ કર્યુ છે. જેનાથી જાણવા મળ્યુ છે કે તેનાથી કોરોના દર્દીઓના મૃત્યુદરમાં ઘટાડો જોવા મળ્યો છે. ટ્રાયલ દરમિયાન જાણવા મળ્યુ છે કે વેન્ટિલેટર પર રહેતા દર્દીઓને આ દવા આપવા પર મૃત્યુ થવાની શક્યતા એક તૃતિયાંશ જેટલી ઓછી થઇ હતી. જ્યારે ઑક્સિજન સપોર્ટ ધરાવતા દર્દીઓમાં આ દવા આપવા પર મૃત્યુ થવાનું જોખમ પાંચ તૃતિયાંશ જેટલું ઓછું થયું છે.
આ દવાની અસર એવા દર્દીઓ પર વધુ થઇ રહી હતી જે કોરોનાથી ગંભીર રીતે બીમાર હતા. ડબ્લ્યૂએચઓ ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ગ્રેબેયેસસે કહ્યુ, 'આ પ્રથમ ઉપચાર સામે આવ્યો છે જેનાથી કોવિડ-19ના વેન્ટિલેટર અને ઑક્સિજન સપોર્ટ ધરાવતા દર્દીઓનાં મૃત્યુનું જોખમ ઓછું થઇ રહ્યુ છે. આ એક સારા સમાચાર છે અને તેના માટે હું બ્રિટનની સરકાર, ઑક્સફોર્ડ યૂનિવર્સિટી અને બ્રિટનના કેટકલાય દર્દીઓ અને હૉસ્પિટલનો આભાર માનું છું, જેમણે જીવનનું રક્ષણ કરનાર આ વૈજ્ઞાનિકની સફળતામાં પોતાનું યોગદાન આપ્યું છે.' ડબ્લ્યૂએચઓની સાથે સંશોધનકર્તાએ ડેક્સામેથાસોનના ક્લીનિકલ ટેસ્ટિંગના પ્રારંભિક પરિણામો શેર કર્યા છે.
આ ટેસ્ટિંગ માટે અચાનક 2104 દર્દીઓને દવા આપવામાં આવી જેમની સરખામણી 4321 દર્દીઓ સાથે કરવામાં આવી હતી, જે સામાન્ય સારવાર લઇ રહ્યા હતા.. 28 દિવસ બાદ આ દવાથી દર્દીઓમાં 35 ટકા મૃત્યુ ઓછા જોવા મળ્યા હતા. જેમને શ્વાસ મશીનો સાથે સારવારની જરૂરત હતી અને માત્ર ઑક્સિજનની જરૂરવાળા દર્દીઓમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ સંગઠન આવનાર દિવસોમાં તેના પર વિસ્તૃત વિશ્લેષણ કરશે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, મહામારીની શરૂઆતથી બ્રિટનમાં દર્દીઓની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો તો, 5,000થી વધારે લોકોના જીવ બચાવી શકાયા હોત. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ ધરાવતા 20માંથી 19 દર્દી હૉસ્પિટલમાં દાખલ થયા વગર ઠીક થઇ જાય છે. જે લોકો હોસ્પિટલમાં દાખલ છે, તેમાંથી પણ મોટાભાગના સ્વસ્થ થઇ રહ્યા છે, પરંતુ કેટલાક લોકોને ઑક્સિજન અથવા મેકેનિકલ વેન્ટિલેશનની જરૂર પડી શકે છે. આ વધુ જોખમ ધરાવતા દર્દીઓ છે જેમને ડેક્સામેથાસોનની મદદથી બચાવી શકાય છે.
કેટલીક અન્ય બીમારીઓમાં પહેલાથી આ દવાઓનો ઉપયોગ ઇન્ફ્લેમેશન ઘટાડવા માટે કરવામાં આવે છે. વેન્ટિલેટરવાળા દર્દીઓ પર પણ આ દવાની સારી એવી અસર જોવા મળી છે. તેમના મોતનું જોખમ 40 ટકાથી ઘટીને 28 ટકા થઇ ગયો છે. ઑક્સિજન સપોર્ટ પર જે દર્દી હતા, તેમાં મૃત્યુનું જોખમ ઘટીને 25 ટકાથી 20 ટકા થઇ ગયો છે. આ દવા ઘણા સસ્તા ભાવમાં વિશ્વભરમાં ઉપલબ્ધ છે. કોરોનાના એક દર્દીનો જો ડેક્સામેથાસોનથી દસ દિવસ સારવાર કરવામાં આવે તો તેનો કુલ ખર્ચ 5 પાઉન્ડ થશે. આ દવા સમગ્ર દુનિયામાં ઉપલબ્ધ છે.