WHOનો યૂ ટર્ન : લક્ષણ વગરના દર્દીઓથી નથી ફેલાતો કોરોના એ અમારી ગલતફેમી હતી
- બે દિવસમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાના અભિપ્રાયને ખોટી ધારણા કહીને સ્પષ્ટતા કરી
- લક્ષણ વગરના કોરોના દર્દીથી પણ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે
નવી દિલ્હી, તા. 12 જૂન 2020, શુક્રવાર
કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે દુનિયાના કેટલાય દેશોમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ઝડપથી વધતા કોરોના સંક્રમણ પાછળ વિશ્વભરના કેટલાય તબીબી નિષ્ણાંતોએ એસિમ્પટોમેટિક એટલે કે લક્ષણવિહીન દર્દીઓને પણ કારણભૂત હોવાનું સ્વીકાર્યુ છે, પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ બાબતે પોતાનો અલગ અભિપ્રાય આપ્યો. ડબ્લ્યૂએચઓએ કહ્યુ કે લક્ષણ વગરના લોકો કોરોના ફેલાવતા નથી. જેના પર કેટલાય નિષ્ણાંતોએ વાંધો પણ ઉઠાવ્યો હતો. હવે બે દિવસમાં જ ડબ્લ્યૂએચઓએ પોતાના અભિપ્રાય પર યૂ-ટર્ન મારતા તેને ખોટી ધારણા હોવાનું કહી સ્પષ્ટતા પણ આપી.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યુ હતુ કે વિશ્વભરમાં કોરોના સંક્રમણ ફેલાવવાનો જે ટ્રેન્ડ છે, તેનાથી લાગી રહ્યુ છે કે એસિમ્પટોમેટિક એટલે કે લક્ષણવિહીન દર્દીઓ કોરોના વાયરસ ફેલાવતા નથી. આ પ્રકારના કેસ દુર્લભ જ છે. અને માત્ર બે દિવસમાં જ પોતાના નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યુ કે આ તો એક ગલતફેમી હતી. ડબ્લ્યૂએચઓના મહામારીના નિષ્ણાંત ડો. મારિયા વેને પોતાના નિવેદન પર આ સ્પષ્ટતા આપી હતી.
8 જૂનનું નિવેદન:
વિશ્વમાં જે પ્રકારે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે તેનું કારણ આ એસિમ્પટોમેટિક દર્દી નથી. આ પ્રકારના કેસ દુર્લભ છે. ખાસકરીને યુવાનો અને બીજા સ્વસ્થ લોકોમાં આ સંક્રમણના લક્ષણ જોવા નથી મળતા અથવા તો ખૂબ જ ઓછા લક્ષણ જોવા મળે છે. હાલ અમારું ધ્યાન માત્ર લક્ષણ ધરાવતા દર્દીઓ પર છે : ડો. મારિયા વેન, મહામારી નિષ્ણાંત, WHO
9 જૂનનું નિવેદન :
મેં ખૂબ જ દુલર્ભ શબ્દનો ઉપયોગ કર્યો હતો જે એક ખોટી ધારણા હતી. હાલ અમારી પાસે તેનો કોઇ જવાબ નથી. તે સમયે હું પ્રેસ કૉન્ફરન્સમાં પ્રશ્નોના જવાબ આપી રહી હતી. હું જે સમજી રહી હતી તે જ જણાવવાનો પ્રયાસ કરી રહી હતી. મે તે સમયે કહ્યુ તે રિસર્ચ અને સ્ટડીના આધારે કહ્યું હતું. : ડો. મારિયા વેન, મહામારી નિષ્ણાંત, WHO
10 જૂનનું નિવેદન :
એસિમ્પટોમેટિક દર્દીઓના મામલે હજુ વધુ રિસર્ચ કરવાની જરૂર છે. આ નવો વાયરસ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સતત આ બાબતે કંઇકને કંઇક નવું શીખી રહ્યું છે. આ વાયરસ સાથે સંકળાયેલ જટિલ વસ્તુઓ સમજવી સરળ નથી પરંતુ આ અમારી જવાબદારી અને જવાબદેહીતા છે : જનરલ ટેડ્રોસ અધાનોમ, WHO પ્રમુખ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શરૂઆતમાં ત્રણ પ્રકારના દર્દીઓમાંથી કોરોના સંક્રમણ ફેલાવાની શક્યતાઓ દર્શાવી હતી:
સિમ્પટોમેટિક : એવા લોકો જેમનામાં કોરોનાના લક્ષણ જોવા મળે અને તે દર્દીમાંથી બીજા વ્યક્તિમાં સંક્રમણ ફેલાય.
પ્રી સિમ્પટોમેટિક : વાયરસના સંક્રમણ થવા અને લક્ષણ જોવા મળે તે પહેલા પણ કોરોનાનું સંક્રમણ ફેલાઇ શકે છે. તેની સમય મર્યાદા, વાયરસનું ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે 14 દિવસનું હોય છે. તેમાં ડાયરેક્ટ કોરોનાના લક્ષણ જોવા મળતા નથી. પરંતુ સામાન્ય તાવ, શરીરમાં દુખાવા જેવા લક્ષણ શરૂઆતમાં જોવા મળે છે.
એસિમ્પટોમેટિક : જેમાં કોઇ પણ પ્રકારના લક્ષણ જોવા મળતા નથી પરંતુ તેઓ કોરોના પોઝિટિવ હોય છે અને સંક્રમણ ફેલાઇ શકે છે. તેને લઇને છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચા ચાલી રહી છે.
કોરોનાનું સંક્રમણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે
કોઇ સંક્રમિત વ્યક્તિના ખાંસવાથી કે તેના છીંક આવે તે વખતે તેના ડ્રોપલેટ્સ મારફતે તેનું સંક્રમણ ફેલાય છે. આ ડ્રોપલેટ્સ જો કોઇ સપાટી પર ચોંટી જાય તો તેનાથી પણ સંક્રમણ ફેલાવાની શક્યતાઓ રહે છે. એવામાં શક્ય છે કે સંક્રમિત વ્યક્તિમાં લક્ષણ ન પણ જોવા મળે.
ડો. મારિયા વેનના નિવેદન બાદ ડબ્લ્યૂએચઓની નિંદા પણ થવા લાગી. અમેરિકાના સંક્રામક રોગના નિષ્ણાંત અનુસાર, whoનો અભિપ્રાય ખોટો હતો. સંગઠને પોતાનું નિવેદન બદલવું પડ્યું, કારણ કે તેમની પાસે પોતાની વાત સાબિત કરવાના કોઇ પુરાવા ન હતા. અમેરિકન નિષ્ણાંતે કહ્યુ કે અમારી પાસે એવા પુરાવા છે કે કોરોનાના કુલ દર્દીઓમાં 25માંથી 45 ટકા એવા દર્દીઓ છે જેમાં લક્ષણ જોવા નથી મળતા અને તે સ્વસ્થ લોકોને સંક્રમિત કરી શકે છે.
લક્ષણ ધરાવતા દર્દીઓથી તો લોકો અંતર જાળવી શકે છે અને પોતાનો બચાવ કરી શકે છે. પરંતુ જેમાં લક્ષણ જ નથી જોવા મળતા તેમનો કોરોના ટેસ્ટ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. થોડાક દિવસ પહેલા દિલ્હીમાં એક ઘરના વૃદ્ધ કોરોના સંક્રમિત હતા, પરંતુ તેમનામાં કોઇ લક્ષણ જોવા ન મળ્યા. તેમના પરિવારના એક યુવાનમાં સંક્રમણ ફેલાયું તો સમગ્ર પરિવારનો ટેસ્ટ કરતા જાણવા મળ્યુ કે ઘરના અન્ય સભ્ય પણ કોરોના સંક્રમિત થઇ ચુક્યા હતા.
આથી સ્પષ્ટ છે જે એસિમ્પ્ટોમેટિક દર્દીઓમાંથી પણ સંક્રમણ ફેલાઇ શકે છે. લંડન સ્કૂલ ઑફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના મહામારી રોગના નિષ્ણાંત પ્રો. લિયામ સ્મિથ અનુસાર, વિજ્ઞાનને લઇને આ વાત મારી સમજથી વિપરીત છે. એવા દર્દીઓએ કે જેમાં લક્ષણ જોવા નથી મળતા તેમાંથી પણ બીજાને સંક્રમણ ફેલાઇ શકે છે. એટલા માટે લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.