For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

WHO Alert: 66 બાળકોના મોત સાથે જોડીને 4 ભારતીય કફ સિરપને ગણાવી જીવલેણ

Updated: Oct 6th, 2022


- WHOના કહેવા પ્રમાણે અત્યાર સુધી આ કોલ્ડ-કફ સિરપ માત્ર ગામ્બિયામાંથી જ મળી આવી છે પરંતુ ઈન્ફોર્મલ માર્કેટ દ્વારા તે અન્ય દેશોમાં પહોંચી હોવાની શક્યતા

નવી દિલ્હી, તા. 06 ઓક્ટોબર 2022, ગુરૂવાર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) ભારતની મેડેન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી ખાંસી-શરદી માટેની 4 કફ સિરપ માટે એલર્ટ બહાર પાડ્યું છે. WHOની ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, આ કોલ્ડ-કફ સિરપ ગામ્બિયામાં 66 બાળકોના મોત અને કિડનીની ગંભીર સમસ્યા માટે જવાબદાર હોઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે આ કફ સિરપમાં ડાઈથીલીન ગ્લાઈકોલ અને એથિલીન ગ્લાઈકોલના અસ્વીકાર્ય પ્રમાણની પુષ્ટિ થઈ છે જે મનુષ્ય માટે ખૂબ જ ખતરનાક છે. 

એક મેડિકલ પ્રોડક્ટ એલર્ટ બહાર પાડીને WHOએ જણાવ્યું છે કે, 'ચારેય કફ સિરપના સેમ્પલના લેબોરેટરી ટેસ્ટમાં ડાયથિલીન ગ્લાઈકોલ અને અથિલીન ગ્લાઈકોલનું અસ્વીકાર્ય પ્રમાણ મળી આવ્યું છે. અત્યાર સુધી માત્ર ગામ્બિયામાંથી દૂષિત ઉત્પાદનોના કેસ સામે આવ્યા છે પરંતુ તે અન્ય દેશોમાં વિતરિત થઈ હોવાની પણ સંભાવના છે. હાલ WHO કંપની અને રેગ્યુલેટરી ઓથોરિટી સાથે આ અંગે તપાસ કરી રહી છે.'

રિપોર્ટ પ્રમાણે દૂષિત ઉત્પાદનોમાં પ્રોમિથાઈજિન ઓરલ સોલ્યુશન (Promethazine Oral Solution), કોફેક્સમેલિન બેબી કફ સિરપ (Kofexmalin Baby Cough Syrup), મૈકોફ બેબી કફ સિરપ (Makoff Baby Cough Syrup) અને મૈગ્રિપ એન કોલ્ડ સિરપ (Magrip N Cold Syrup)ના નામનો સમાવેશ થાય છે. 

WHOના કહેવા પ્રમાણે અત્યાર સુધી આ કોલ્ડ-કફ સિરપ માત્ર ગામ્બિયામાંથી જ મળી આવી છે પરંતુ ઈન્ફોર્મલ માર્કેટ દ્વારા તે અન્ય દેશોમાં પહોંચી હોવાની શક્યતા છે. 

WHOએ પોતાના નિવેદનમાં આ ઉત્પાદનોના પ્રયોગને અસુરક્ષિત ગણાવ્યો છે. ખાસ કરીને આ દવાઓ બાળકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી ગંભીર આંતરિક ઈજાઓ થઈ શકે છે અને એટલે સુધી કે મૃત્યુ પણ થઈ શકે છે. માટે આવી દવાઓનો ઉપયોગ ન કરવો જોઈએ. આ કફ સિરપ શરદી કે ખાંસી, તાવની સમસ્યા વખતે આપવામાં આવે છે. 

કઈ હદે ઘાતક બની શકે

આ દવાઓમાં જે પદાર્થોનો ઉપયોગ કરવામાં આવેલો છે તે મનુષ્ય માટે ઝેરી હોય છે અને ઘાતક પણ બની શકે છે. આ દવાઓનું સેવન કરવાથી પેટમાં દુખાવો, ઉલ્ટી, ઝાડા, પેશાબમાં સમસ્યા, માથાનો દુખાવો, પરિવર્તિત માનસિક સ્થિતિ અને કિડનીમાં ગંભીર ઈજા થઈ શકે છે જે મૃત્યુમાં પરિણમી શકે છે. 

ગામ્બિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે ગત મહિને હોસ્પિટલ્સને એક સિરપ પેરાસિટામોલનો ઉપયોગ બંધ કરવા માટે જણાવ્યું હતું, એક રિપોર્ટના પરિણામોમાં વાર લાગવાના કારણે કિડનીમાં ભારે સમસ્યાના કારણે ઓછામાં ઓછા 28 બાળકોના મોત થયા હતા. 

Gujarat