Updated: Sep 27th, 2022
મુંબઈ, તા. 27 સપ્ટેમ્બર 2022, મંગળવાર
તાજેતરમાં એક્ટ્રેસ કાજલ અગ્રવાલ મુંબઈ એરપોર્ટ ઉપર '''બ્લેક વોટર''''ની એક બોટલ સાથે જોવા મળી હતી. તે સમયે તેને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, આ પાણીમાં શું ખાસ વાત છે? જવાબમાં કાજલે કહ્યું હતું કે, આ પણ પીવાનું પાણી છે. તમે પણ એક વાર પીને જોઈ લો. તમને આ પણ સારૂ લાગશે. તેને પૂછવામાં આવ્યું હતું કે, ક્યારથી આ પાણી પી રહ્યા છો? તેણે જવાબ આપ્યો હતો કે, ઘણા સમયથી.
થોડા દિવસો પહેલા શ્રુતિ હાસને પણ સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો રેકોર્ડ કરીને ગ્લાસમાં ''બ્લેક વોટર'' બતાવીને જાહેરાત કરી હતી કે, તે પણ પોતે ''બ્લેક વોટર'' પીવે છે.
તેણે આ વીડિયોમાં ક્હ્યું હતું કે, 'જ્યારે મે પ્રથમ વખત ''બ્લેક વોટર'' વિશે સાંભળ્યુ ત્યારે તે નવી વાત લાગી હતી. હકીકતમા તે અલ્કેલાઈન વોટર છે. તેનો સ્વાદ નોર્મલ પાણી જેવો જ છે.'
આ ઉપરાંત મલાઈકા અરોરા પણ એક વખત જીમની બહાર સ્પોટ થઈ હતી ત્યારે તેના હાથમાં પણ આ બ્લેક વોટરની બોટલ જોવા મળી હતી.
''બ્લેક વોટર'' શું છે?
''બ્લેક વોટર''ને 'અલ્કેનાઈન વોટર' અથવા 'અલ્કેનાઈન આયોનાઈઝ્ડ વોટર' પણ કહેવામાં આવે છે. મેડિકલ જર્નલ 'એવિડેન્સ બેસ્ડ કોમ્પ્લિમેન્ટરી એન્ડ અલ્ટર્નેટિવ મેડિસીન' (EBCAM) અનુસાર જિમ અથવા ફિઝિકલ એક્સરસાઈઝ બાદ અથવા શરીરમાંથી ખૂબ જ પરસેવો વહી ગયો હોય તો આ પાણી વાપરવાથી મદદ મળે છે. આ પાણી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સની સપ્લાઈ વધારી દે છે. લેબમાં ઉંદરો ઉપર કરવામાં આવેલા પ્રયોગથી આ વાત સામે આવી છે કે 'અલ્કેનાઈન વોટર' શરીરના વજનને મેન્ટેન કરવામાં મદદ કરે છે. તેને વાપરવાથી મેટાબોલિઝ્મની પ્રક્રિયા પણ ઝડપી થઈ ગઈ છે.
'બ્લેક વોટર'માં શું હોય છે?
આપણા શરીરમાં 70 ટકા પાણી છે. તેથી શરીરના તમામ ભાગોમાં પાણી પહોચે અને બધુ બરારર ચાલે તે માટે જરૂરી છે કે આપણો યોગ્ય માત્રામાં પાણી પીતા રહીએ..
'બ્લેક વોટર' વેચનારી કંપનીઓનું કહેવું છે કે તેઓ ઉપરોક્ત કાર્યો સારી રીતે થાય તે માટે પોતાની પ્રોડક્ટમાં 70 ટકાથી વધુ મિનરલ્સ ભેળવે છે.
'બ્લેક વોટર'માં મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા મિનરલ્સ હોય છે. વિવિધ કંપનીઓના ઉત્પાદનમાં મિનરલ્સની પ્રમાણ અલગ-અલગ હોય છે.
કંપનીઓનો દાવો છે કે 'બ્લેક વોટર'થી શરીરની મેટાબોલિઝ્મની પ્રક્રિયા ઝડપી બને છે, પાચન સુધરે છે, એસિડિટી ઓછી થાય છે અને ઈમ્યુનિટિ વધે છે.
નોર્મલ પાણી અને 'બ્લેક વોટર'માં શું તફાવત છે?
નોર્મલ પાણીઃ આપણે પીવા માટે સામાન્ય રીતે જે પાણીનો ઉપયોગ કરી છીએ તેમાં કેટલાક શરીર માટે જરૂરી મિનરલ્સનુ પ્રમાણ ઓછું હોય છે. ઘણી વખત તેની ઉણપથી માણસ બીમાર પણ પડી શકે છે.
RO ફિલ્ટર પાણીમાં PHનું સ્તર ઓછુ હોય છે. બીજી તરફ તે વધુ એસિડિક હોય છે. તેથી ક્યારેક આપણે વિટામિન્સ અને સપ્લિમેન્ટસ અલગથી લેવા પડે છે. આવી સ્થિતિમાં 'બ્લેક વોટર'થી મદદ મળી શકે છે. જો કે આ બધાની સરખામણીમાં પ્રાકૃતિક વિકલ્પ સૌથી વધુ અસરકારક છે.
પ્રવાહી રૂપે હાજર કોઈ ખાદ્ય પદાર્થની એસિડિક (એસિડીટી) અને આલ્કલાઈન (ક્ષારીય) તત્વોને PH થી માપવામાં આવે છે. તે શૂન્યથી 14 પોઈન્ટના સ્કેલ ઉપર માપવામાં આવે છે. જો કોઈ પાણીનું PH લેવલ 1 હોય તો તે વધુ એસિડિક મનાય છે અને જો તેનું PH લેવલ 13 હોય તો કહેવાશે કે તેમાં ક્ષારોનું પ્રમાણ વધુ છે.
સામાન્ય રીતે આપણે જે પાણી પીએ છીએ તેનું PH લેવલ 6 અને 7 ની વચ્ચે રહે છે. જોકે અલ્કેલાઈન વોટરનું PH લેવલ 7થી વધુ હોય છે. તેનો અર્થ એ થયો કે નોર્મલ પાણી કરતા 'બ્લેક વોટર' વધુ ક્ષારીય હોય છે.
અલ્કેલાઈન વોટરનું PH સ્તર વધારે હોવાથી એવું કહી શકાય નહી કે તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. આ બાબત પાણીમાં રહેલા મિનરલ્સ ઉપર નિર્ભર છે. તેની સાથે એ વાત પણ મહત્વ ધરાવે છે કે, આ મિનરલ્સ શરીરના વિવિધ ભાગોમાં કેવી રીતે પહોંચી રહ્યા છે.
શું 'બ્લેક વોટર'ની કોઈ આડઅસર છે?
ફિનલેન્ડની યુનિવર્સિટી ઓફ તુર્કુના પ્રોફેસર મરીના મર્નના રિસર્ચ પ્રમાણે 'બ્લેક વોટર'ના વધુ ઉપયોગથી ઉલ્ટીની સમસ્યા અને શરીરના અંદર હાજર પ્રવાહી પદાર્થોના PH સ્તરમાં પણ પરિવર્તન થઈ શકે છે.
મિનરલ્સનો વધુ ઉપયોગ શરીર માટે ઝેરી બની શકે છે. તે શરીરના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.
કેલ્શિયમના વધુ પ્રમાણથી હાયપરકેલ્શિયમ, આયર્નના વધુ પ્રમાણથી હૈમોક્રોમૈટિક્સ થઈ શકે છે. આમ, મિનરલનો ઓવરડોઝ જીવલેણ બની શકે છે.
'બ્લેક વોટર'ની કિંમત શું છે?
ભારતમાં અનેક બ્રાન્ડો 'બ્લેક વોટર' વેચી રહી છે. ઈવોક્સ બ્રાન્ડની 500 ml પાણીની બોટલને 600 રૂપિયામાં ખરીદી શકાય છે.
વૈદ્ય ઋષિ 'બ્લેક વોટર' વેચતી કંપનીની 6 બોટલ (500 ml) નો સેટ 594 રૂપિયામાં મળે છે. એટલે કે 500 mlની એક બોટલની કિંમત બજારમાં 100 રૂપિયાની આસપાસ છે.
શું આપણે તેનો ઉપયોગ કરી શકીએ?
નિષ્ણાતોનું કહેવું છે કે, 'બ્લેક વોટર'નો સંતુલિત ઉપયોગ ખતરનાક નથી પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આપણું શરીર 'બ્લેક વોટર'માં હાજર મિનરલ્સને પચાવવામાં કેટલુ સક્ષમ છે. જો શરીર મિનરલ્સને પચાવી ન શકે તો કોઈ મતલબ નથી કારણ કે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે.
જો આપણે શરીરને મિનરલ્સ આપવા હોય તો કુદરતી રીતોનો ઉપયોગ પણ કરી શકાય છે.
તમે તાજા ફળ, અંકુરિત અનાજ અને શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. શરીર તેને સરળતાથી સ્વીકારી શકે છે. આપણા પૂર્વજો 'બ્લેક વોટર'ના ઉપયોગ વગર પણ આપણા કરતા વધુ સ્વસ્થ હતા. આમ, પ્રાકૃતિક વસ્તુઓ વધુ ફાયદાકારક છે.
આ ઉપરાંત લીંબુ પાણી, ગ્રીન ટી, બાસિલ સીડ વોટર, નારિયેળ પાણી વગેરે 'બ્લેક વોટર'ના પ્રાકૃતિક વિકલ્પ છે. જો તમે કાકડી અને અન્ય ફળોને આખી રાત પાણીમાં ડુબાડીને રાખ્યા બાદ સવારે આ પાણીનું સેવન કરશો તો તમને જરૂરિયાત પ્રમાણે મિનરલ્સ મળી રહેશે.