Get The App

જાણો, કોરોના વાયરસની મહામારીમાં ક્મ્યૂનિટી ટ્રાન્સમિશન શું છે ?

કમ્યૂનિટી ટ્રાન્સમિશનમાં સંક્રમણના સોર્સને શોધવો મુશ્કેલ બને છે

હોટ સ્પોટથી દૂર રહેનારા લોકોમાં પણ સંક્રમણ ફેલાય છે

Updated: Jul 20th, 2020

GS TEAM

Google News
Google News
જાણો, કોરોના વાયરસની મહામારીમાં ક્મ્યૂનિટી ટ્રાન્સમિશન શું છે ? 1 - image


નવી દિલ્હી,20,જુલાઇ,2020,સોમવાર 

કોરોના વાયરસ ભારતમાં ખરા અર્થમાં મહામારી બની રહયો છે. ૨.૫ મહિના કરતા પણ વધુ સમય સુધી દેશ વ્યાપી  લોકડાઉન થયું ત્યારે કોરોના સંક્રમણના કેસ નિયંત્રણમાં હતા પરંતુ લોકડાઉનમાં ક્રમશ અનલોક કરીને છુટ આપવામાં આવી એ પછી કોેરોનાનો વિસ્ફોટ થઇ રહયો છે. છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં રોજના સરેરાશ ૩૦ હજારથી વધુ કેસ આવી રહયા છે જે રીતે કોરોનાએ રફતાર પકડી છે એ જોતા કમ્યૂનિટી ટ્રાન્સમિશન નથી થઇ રહયુંને એની ચિંતા થવી સ્વભાવિક છે, આ કમ્યૂનિટી ટ્રાન્સમિશન શું છે તે સમજવુ જરુરી છે.

જાણો, કોરોના વાયરસની મહામારીમાં ક્મ્યૂનિટી ટ્રાન્સમિશન શું છે ? 2 - image

કોરોના મહામારીના આ ત્રીજા તબક્કામાં કમ્યૂનિટી ટ્રાન્સમિશન થાય ત્યારે સંક્રમણ લગભગ બેકાબુ બની જાય છે. આ ટ્રાન્સમિશનમાં સંક્રમિત થયેલી વ્યકિતને વાયરસનું સંક્રમણ કયાં સ્થળેથી થયું છે તે ખબર હોતી નથી. સ્વસ્થ વ્યકિત સંક્રમણના હોટ સ્પોટ સ્થળે ના ગઇ હોવા છતાં તે સંક્રમણનો ભોગ બને છે. વાયરસના સંક્રમણના પ્રથમ તબક્કામાં કોરોના વાયરસના સંક્રમિત લોકો બીજા દેશમાંથી આવ્યા હોય છે અને તે સંક્રમણ પોતાના દેશમાં પણ લેતા આવે છે આ પ્રથમ સ્ટેજ ભારત દેશ પાર કરી ચૂકયો છે. બીજા તબક્કામાં સ્થાનિક સ્તરે સંક્રમણ થાય છે જેમાં સ્થાનિક લોકો કોઇ પણ રીતે બહારથી આવેલી વ્યકિત કે વ્યકિત સમૂહના સંપર્કમાં આવેલા હોય છે.  આ બંને તબક્કા કરતા પણ ઘાતક ત્રીજો તબક્કો હોય છે જેમાં સંક્રમણના સોર્સને ઓળખવો મુશ્કેલ પડે છે. કોઇ પણ મહામારીનો ચોથો તબકકો હોય છે જેમાં સંક્રમણ સ્થાનિક સ્તરે મહા આફતનું સ્વરુપ લઇ લે છે.

જાણો, કોરોના વાયરસની મહામારીમાં ક્મ્યૂનિટી ટ્રાન્સમિશન શું છે ? 3 - image

વાયરસ સંક્રમણનો સોર્સ શોધવો મુશ્કેલ બનતો હોવાથી ત્રીજા અને ચોથો તબક્કો ખૂબજ નાજૂક  હોય છે. ભારતમાં છેલ્લા બે દિવસથી કમ્યૂનિટી ટ્રાન્સમિશનની ચર્ચાએ જોર પકડયું છે. નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં જે રીતે હોટ સ્પોટ વધતા જાય છે તે જોતા ક્મ્યૂનિટી ટ્રાન્સમિશનને નકારી શકાય નહી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોરોનાના કમ્યૂનિટી ટ્રાન્સમિશન ફેલાઇ રહયું હોવાનું જણાવાતા લોકોમાં ચિંતા વધી રહી છે. ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના પ્રમાણમાં મુત્યુદર યૂરોપ અને અમેરિકાની સરખામણીમાં ઘણો ઓછો છે.

ક્મ્યૂનિટી ટ્રાન્સમિશન અંગે ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટીટયૂટનાના મત મુજબ કમ્યૂનિટી ટ્રાન્સમિશના કોઇ પુરાવા નથી મળતા પરંતુ દેશમાં હોટ સ્પોટની સંખ્યા વધારે છે અને શહેરોમાં પણ કેસ વધી રહયા છે આથી લોકલ ટ્રાન્સમિશન થઇ રહયું છે એવું ચોકકસ કહી શકાય છે. ઘણા વિસ્તારો સંક્રમણ કેસના પીક પર પહોંચી ગયા છે આથી કેસ ઓછા પણ થઇ રહયા છે જયારે પીક પર નથી ત્યાં વધી પણ રહયા છે.


Tags :