બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે અખરોટ
અમદાવાદ, તા. 27 નવેમ્બર 2019, બુધવાર
નિયમિત રીતે અખરોટ ખાવાથી હ્રદયરોગ થવાનો ભય ઓછો રહે છે. પેંસિલ્વિનિયા સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં અખરોટ સ્વાસ્થ્ય માટે કઇ રીતે લાભદાયી છે તેનો અભ્યાસ રજુ કર્યો છે. જર્નલ ઓફ અમેરિકન હાર્ટ એસોશિએશનમાં આ સંશોધનના પરિણામો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે અખરોટની અંદર ઓમેગા-3 નામનું તત્વ હોય છે, જેને આલ્ફા લિનોલેનિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે.
વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આ તત્વ શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ખૂબ ઉપયોગી છે. આ સિવાય અખરોટમાં રહેલું પોલીફેનોલ પણ તે માટે ઉપયોગી છે. બલ્ડ પ્રેશરનો સંબંધ સીધો હ્રદયરોગ સાથે રહેલો છે, માટે જો બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે તો હ્રદયરોગની શક્યતા પણ ઘટે છે.
સંશોધકોએ 30થી 65 વર્ષના 45 લોકોને પસંદ કરી તેમને ત્રણ અલગ અલગ સમુહ બનાવ્યા. ત્રણે સમુહને 2 મહિના સુધી રોજે અલગ અલગ માત્રામાં અખરોટ આપવામાં આવ્યું. સમયમર્યાદા પુરી થતા આ બધા લોકોની ફરી તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે જે લોકો યોગ્ય પ્રમાણમાં અખરોટ લેતાં હતા તેમના હ્રદયના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે. ઉપરાંત અખરોટ લેનાર લોકોનું બ્લડ પ્રેશર પણ નિયંત્રિત થયું છે.