લ્યો કરો વાત, આ મહિલાને માત્ર પુરુષોનો જ અવાજ નથી સંભળાતો !
નવી દિલ્હી, 26 જૂન 2019, બુધવાર
એવા અનેક વ્યક્તિ તમે જોયા હશે જેને ઓછું સંભળાતું હોય, સાવ ન સાંભળી શકતા હોય. પરંતુ એક એવી મહિલાની ચર્ચા આજકાલ ખૂબ થઈ રહી છે જેને માત્ર પુરુષોનો જ અવાજ સંભળાતો નથી. આ વાત આશ્ચર્યચકિત કરે તેવી છે પરંતુ હકીકતમાં એક મહિલા છે જેને પુરુષોનો અવાજ સાંભળવામાં સમસ્યા થાય છે.
ચીનમાં રહેતી ચેન નામની મહિલાને એક વિચિત્ર બીમારી છે. રાત્રે ઊંઘમાં આ મહિલાના કાનમાં કોઈ તકલીફ થઈ ગઈ અને ત્યારબાદ તેને પુરુષોનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો. મહિલાના જણાવ્યાનુસાર રાત્રે તેના કાનમાં ઘંટી વાગતી હોય તેવો અવાજ આવ્યો અને થોડા સમય બાદ તેને ઉલટી થવા લાગી. ત્યારબાદ તેને સાંભળવામાં સમસ્યા હોય તેવું જણાયું. મહિલા તુરંત ડોક્ટર પાસે પહોંચી અને ચેકઅપ કરાવ્યું. ચેકઅપ બાદ જાણવા મળ્યું કે તેને લો ફ્રીક્વેંસીના અવાજ સાંભળવા મળતા નથી.
ડોક્ટરોના જણાવ્યાનુસાર આ બહેરાશ આંશિક હોય છે. પુરુષોનો અવાજ લો ફ્રીક્વેંસીનો હોય અને મહિલાઓનો અવાજ હાઈ ફ્રિક્વેંસીનો હોય છે. આ જ કારણ છે કે તેને માત્ર મહિલાઓના જ અવાજ સંભળાય છે અને પુરુષોના નહીં.