દુનિયામાં 80 કરોડ લોકો ભુખમરાનો શિકાર, બાળકોમાં વધ્યું કુપોષણ : UNICEF
પેરિસ, 16 ઓક્ટોબર 2019, બુધવાર
દુનિયાભરમાં કુપોષણનું સંકટ સતત વધી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટમાં બાળકોમાં વધતાં કુપોષણના પ્રમાણને લઈ ગંભીર અને ચિંતાજનક ખુલાસા કરવામાં આવ્યા છે.
આ રિપોર્ટ અનુસાર દુનિયામાં પાંચ વર્ષ કે તેનાથી નાની ઉંમરના 70 કરોડ બાળકોમાંથી એક તૃતીયાંશ કુપોષિત છે. તેની સાથે કેટલાક બાળકો સ્થૂળતાથી પીડિત છે.
રિપોર્ટમાં ચિંતા દર્શાવાઈ છે કે આવી હાલતમાં બાળકો આજીવન બીમારીઓથી ગ્રસ્ત રહે તેવું જોખમ છે. યૂનિસેફની કાર્યકારી નિદેશક હેનરીટા ફોરેએ સ્ટેટ ઓફ ધ વર્લ્ડસ્ ચિલ્ડ્રન શીર્ષકની રિપોર્ટમાં જણાવ્યું છે કે લોકો સ્વસ્થ આહાર અને પાણીની જંગ હારી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ સંબંધમાં પહેલા વર્ષે 1999માં એક રિપોર્ટ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ લાંબા અંતરે બીજી રિપોર્ટ રજૂ કરવામાં આવી છે.
આ રિપોર્ટમાં કહેવાયું છે કે દુનિયાભરમાં આ ઉંમરના બાળકોમાંથી અડધા બાળકોને જરૂરી વિટામિન અને મિનરલ પણ નથી મળતા. રિપોર્ટ અનુસાર છેલ્લા ત્રણ દાયકાથી બાળકોમાં કુપોષણનું બીજું સ્વરૂપ સામે આવ્યું છે. જે સ્થૂળતા છે અને તે પણ ઝડપથી વધી રહી છે.
રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે વર્ષ 1990થી 2015 વચ્ચે ગરીબ દેશોમાં બાળકો ઠીંગણા હોય તે સ્થિતિમાં 40 ટકા ઘટાડો થયો છે. જો કે ચાર વર્ષ અને તેનાથી નાની ઉંમરના 14 કરોડ 90 લાખ બાળકોની હાઈટ તેમની ઉંમર કરતાં ઓછી જણાઈ છે.
રિપોર્ટમાં સૌથી વધારે આશ્ચર્યજનક વાત એ છે કે દુનિયાભરમાં 80 કરોડથી વધારે લોકો ભુખમારાનો શિકાર છે. બે અરબ લોકો પૌષ્ટિક ભોજન ખાઈ નથી શકતા. જેના કારણે સ્થૂળતા, હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ વધી રહી છે.