mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક પણ તમાકુ જેવો જોખમી, હવે લાગશે ગુટકાના પેકેટ જેવી ચેતવણી?

Updated: Jul 3rd, 2024

Ultra Processed food

Image: EnvatoUltra processed food Is dangerous For Health: આધુનિક જમાનામાં આખી દુનિયામાં ખાનપાનની આદતો ઝડપથી બદલાઈ રહી છે. વિશ્વભરની વાનગીઓ હવે નાના શહેરોમાં પણ ઉપલબ્ધ છે ત્યારે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ બાબતે રસપ્રદ પરિણામ જાહેર થયા છે. ચાલો એક નજર નાંખીએ જીવનું જોખમ સર્જતા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ પર...

શું છે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ?

અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ (UPF) એટલે એવો ખોરાક જેમાં સ્વાદ વધારવા માટે એકથી વધુ પ્રક્રિયાઓ કરવામાં આવી હોય, એવી પ્રક્રિયાઓ જેને લીધે ખોરાકની પોષણ-ક્ષમતાઓ ઓછી થઈ ગઈ હોય કે પછી સદંતર ખતમ થઈ ગઈ હોય. એક રીતે જોઈએ તો UPF એ ઔદ્યોગિક સર્જન એટલે ‘ફેક્ટરીમાં બનેલો ખોરાક’ છે. એવો ખોરાક જેને એના મૂળ સાથે કશી લેવાલેવા નથી રહી. 

'અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ’ શબ્દોનો ઉપયોગ મેદસ્વિતાના જોખમો સંદર્ભે યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સૌપ્રથમવાર થયો હતો. તંદુરસ્તી જોખમાવતા, જાતભાતની બિમારીઓ નોતરી લાવતા હોવા છતાં વૈશ્વિક   સ્તરે UPFનો વપરાશ સતત વધતો જઈ રહ્યો છે. એના દુષ્પરિણામો ખાળવા માટે એક નવીન વિચાર રજૂ કરવામાં આવ્યો છે. 

એક અનોખો વિચાર

UPF સામે જનજાગૃતિ લાવવા માટે એક અનોખો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. જે રીતે તમાકુ જેવા વ્યસનોના પેકેટ પર ‘આ પદાર્થ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’ એવી ચેતવણી છાપેલી હોય છે એ જ રીતે UPFના પેકેટ પર પણ આવી ચેતવણી છાપવી જોઈએ. પહેલી નજરે આ વિચાર કદાચ ‘વધારે પડતો’ લાગી શકે, પણ વાતમાં દમ છે ખરો. કમસેકમ વૈશ્વિક સ્તરે વધી રહેલી મેદસ્વિતા અને અન્ય આહાર સંબંધિત સમસ્યાઓનું પ્રમાણને જોઈને તો એમ કહી જ શકાય કે, આવી ચેતવણી છાપવું છેક જ અસ્થાને નથી.

વિચાર રજૂ કરનાર નિષ્ણાતોએ તો એટલે સુધી કહ્યું છે કે, UPFની જાહેરખબરો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે, જેથી એનો ફેલાવો વધતો અટકે. એના પેકેટ પર ‘સ્વાસ્થ્ય માટે હાનિકારક’ લખાણ ધરાવતી ચેતવણી તો છાપવામાં આવે જ પણ સાથોસાથ UPFને કારણે થતાં રોગોનું કેવું વરવું પરિણામ શરીર પર થાય છે, એ દર્શાવતા ફોટા પણ પેકેટ પર છાપવાની હિમાયત નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. જે રીતે સિગારેટ અને ગુટખાના પેકેટ પર કેન્સરગ્રસ્ત દર્દીના રોગગ્રસ્ત અંગોના ફોટા છપાય છે એ જ પ્રકારે UPFને કારણે થતી મેદસ્વિતા અને એના જેવી અન્ય સમસ્યાઓના ફોટા છાપવાનું સૂચન કરવામાં આવ્યું છે. આમ કરવાનો હેતુ UPF સાથે સંકળાયેલ સંભવિત જોખમો વિશે ગ્રાહકોને લેખિત અને દ્રશ્ય માહિતી આપવાનો છે.

શું કારગર નીવડી શકે આ ઉપાય?

શું UPF પર તમાકુના ઉત્પાદનો પર હોય એવા ચેતવણીના લેબલ અને ફોટા લગાવવાથી ફાયદો થશે? આ ઉપાય જનસામાન્યમાં એના વપરાશને ઘટાડવામાં મદદરૂપ થશે?

જવાબ છે- હા. 

આંકડા કહે છે કે, ગ્રાફિક ચેતવણીઓને કારણે લોકોમાં આરોગ્ય સંબંધિત જોખમો સામે જાગૃતિ આવે છે. તમાકુ, ગુટખાના કેસમાં આવું થાય છે તો UPFના કેસમાં પણ થઈ શકે. UPFના પેકેટ પર જ ગ્રાફિક ચેતવણીઓ જોઈને ગ્રાહક એને ખરીદતા પહેલા બે વાર વિચાર કરશે. ખાંડયુક્ત પીણાં માટે ચેતવણી લેબલ પરના અભ્યાસો દર્શાવે છે કે એનાથી ગ્રાહકનો ખરીદી-નિર્ણય પ્રભાવિત થતો હોય છે.

આ પ્રકારનું ‘નેગેટિવ લેબલિંગ’ શરૂ કરવામાં આવે તો UPFના ઉત્પાદકો પણ એમાંથી ધડો લેશે, વ્યાપાર પર પ્રતિકૂળ અસર થતાં તેઓ ઓછા પ્રોસેસ્ડ ફૂડ બનાવવા માટે પ્રેરાશે, જે સરવાળે એના ઉપભોકતાઓ માટે ફાયદાકારક સાબિત થશે. એમ થવાથી લાંબે ગાળે તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ થશે.

કેવા ઘટકો હોય છે UPFમાં?

UPFમાં એવા ઘટકોનો વપરાશ થતો હોય છે જે સામાન્ય રીતે કોઈ ઘરના રસોડામાં જોવા મળતા નથી. ‘કોસ્મેટિક એડિટિવ્સ’ કહેવાતા આ ઘટકોમાં ‘ઇમલ્સિફાયર્સ’, ‘સ્વીટનર્સ’, ‘કૃત્રિમ રંગો’ અને ‘પ્રિઝર્વેટિવ્સ’નો સમાવેશ થાય છે જે UPFનો દેખાવ, સ્વાદ અને શેલ્ફ લાઇફને વધારવા માટે વપરાય છે. UPF બનાવવા માટે ફળો, શાકભાજી અને અનાજ જેવા મૂળ ખોરાક પર એવી એવી અને એટલી બધી પ્રક્રિયાઓ કરવામાં આવે છે કે એના ફાઇબર, શુદ્ધ શર્કરા, ચરબી અને સ્ટાર્ચ જેવા ‘શુદ્ધ ઘટકો’ ખતમ થઈ જાય છે અને બચે છે ફક્ત ઓછા પોષક મૂલ્ય ધરાવતી કેલરી.

કેવી કેવી બિમારીઓ નોતરી લાવે છે UPF?

અતિ-સ્વાદિષ્ટ UPFમાં રહેલી વધુ પડતી કેલરીને કારણે મેદસ્વિતાની સમસ્યા સર્જાય છે. ખાંડનું વધારે પડતું પ્રમાણ ધરાવતા UPF માણસને ડાયાબિટીસ તરફ દોરી જાય છે. UPF માં રહેલ બિનઆરોગ્યપ્રદ ચરબી, સોડિયમ અને એક્સ્ટ્રા સુગર કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે, જે છેવટે હૃદય રોગને નોતરી લાવે છે. UPFનું વધારે પડતું સેવન કેન્સર જેવા રોગનો ભોગ પણ બનાવે છે. 

આટલું વાંચ્યા પછી હવે તમારે નક્કી કરવાનું છે કે તમારા આહારમાં UPFનું સ્થાન અને પ્રમાણ ક્યાં અને કેટલું છે. હેપ્પી ઇટિંગ!

Gujarat