| Representative Image |
Cough Syrup Incident In Madhya Pradesh: મધ્ય પ્રદેશમાં જીવલેણ કફ સિરપ પીવાથી બાળકોના મોતની ઘટના સામે આવી રહી છે. છિંદવાડા પછી હવે બેતુલ જિલ્લામાં વધુ બે બાળકોના મૃત્યું નીપજ્યા થયા છે. જેમાં જીવલેણ સિરપ પીવાથી બંને બાળકોની કિડની ફેલ થતાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, બંને બાળકોની સારવાર ડૉ. પ્રવીન સોનીએ કરી હતી. જેમાં બાળકોને કોલ્ડ્રિફ(Coldrif) કફ સિરપ આપી હતી. નોંધનીય છે કે, બેતુલના પડોશી જિલ્લા છિંદવાડામાં જીવલેણ કફ સિરપ પીવાથી કુલ 14 બાળકોના મોત થયા છે, ત્યારે મધ્ય પ્રદેશમાં કુલ મૃત્યુંઆંક 16 થયો છે.
14 બાળકોના મોત
છિંદવાડામાં કફ સિરપ પીવાથી બાળકોના મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. ADMએ જણાવ્યું હતું કે, 'અત્યાર સુધીમાં 14 બાળકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. બાળકોના મોતને લઈને મૃતકના પરિવારજનોને વળતર મંજૂર કરાયું છે, જેની રકમ પરિવારોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. છિંદવાડાના આઠ બાળકો નાગપુરની હોસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ પર નજર રાખવા માટે ડૉકટરો અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની બનેલી એક વહીવટી ટીમની રચના કરવામાં આવી છે.'
SIT તમિલનાડુ રવાના
ADMએ વધુમાં જણાવ્યું કે, 'સમગ્ર બનાવને લઈને ડ્રગ કન્ટ્રોલર ટીમની પણ રચના કરાઈ છે. આ ટીમ દ્વારા કોલ્ડરિફ કફ સિરપની તપાસ માટે દરોડા પાડીને જપ્તીની કાર્યવાહી કરશે. જ્યારે બનાવની ઉંડાણપૂર્વક તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશ ટીમ(SIT)ની પણ તૈયાર કરી છે, જે તમિલનાડુ જવા રવાના થઈ છે.'
જબલપુરમાં ગોડાઉન સીલ
જ્યારે જબલપુરમાં પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જબલપુર સ્થિત કાતારિયા ફાર્માસ્યુટિકલ્સના ડિસ્ટ્રીબ્યુટરના ગોડાઉનને સીલ મારી દેવાયું છે. વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે કફ સિરપ અહીંથી સપ્લાય કરવામાં આવતી હતી. કલેક્ટરની સૂચના આધિન જે વેરહાઉસમાં સિરપનો સંગ્રહ કરવામાં આવ્યો હતો તેને સીલ કરી દેવામાં આવ્યું છે.
ડ્રગ ઈન્સ્પેક્ટરે કહ્યું કે, 'કોલ્ડ્રિફ સિરપનો સંપૂર્ણ સ્ટોક તાત્કાલિક અસરથી ફ્રિઝ કરીને સેમ્પલ તપાસ માટે મોકલી દીધા હતા. રિપોર્ટમાં સિરપના હલકી ગુણવત્તાનું હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે ઝડપી કાર્યવાહી અને જપ્તી કરવામાં આવી હતી. આ મામલે તપાસ શરૂ છે, અને રાજ્યભરના અન્ય જિલ્લાઓમાં આ બ્રાન્ડની સિરપનું ટ્રેસિંગ અને નમૂના લેવાનું કામ ચાલી રહ્યું છે.'
નાયબ મુખ્યમંત્રીએ શું કહ્યું?
નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ જણાવ્યું કે, 'તમિલનાડુના કારખાનામાંથી આવેલી સિરપના રિપોર્ટથી મોતનું કારણ સામે આવ્યું. જેમાં 48.6 ટકા ડાયથેનોલનું પ્રમાણ હતું, જે એક સખ્ત પ્રતિબંધિત કેમિકલ છે. સમગ્ર મધ્યપ્રદેશમાં આ કફ સિરપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખનારા ડૉક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સેન્ટ્રલ ડ્રગ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ તમિલનાડુ ફેક્ટરી સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.'


