લોકોના જીવન સાથે રમત: ભારતમાં વેચાતી અર્ધી એન્ટીબાયોટીક દવાને કોઈની મંજૂરી નથી
નવી દિલ્હી તા.7 સપ્ટેમ્બર 2022,બુધવાર
દર્દીઓને સાજા કરવા માટે જે દવાનો ઉપયોગ થાય છે, ડોક્ટર જે દવાઓ લોકોને લેવાની સલાહ આપે છે તે પ્રભુની પ્રસાદી સમજી દર્દીઓ ખાતા હોય છે. દરેક દર્દીને સાજા થવા માટે દવાનો સહારો લેવો પડે છે પણ આ દવા જ ખોટી હોય તો, આ દવા શેમાંથી બની? દવાની આડ અસર શું? દવા લેવાથી થતા ફાયદા કેવા? વગેરે નક્કી કરવા માટે એક લાંબી પ્રક્રિયા હોય છે અને આ પ્રક્રિયાના અંતે તેની સરકાર પાસેથી મંજૂરી લેવી ફરજીયાત છે.
એક ચોંકાવનારા સંશોધન અનુસાર ભારતમાં વેચાતી અને દર્દીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ૪૭ ટકા કે લગભગ અડધી એન્ટીબાયોટીક દવાઓ માટે ઉત્પાદકોએ કોઇપણ પ્રકારની મંજૂરી લીધી નથી હોતી!
અમેરિકાની બોસ્ટન યુનિવર્સીટી અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સંશોધકોએ ૫૦૦૦ જેટલા ઉત્પાદકોના ડેટાના આધારે આ સંશોધન તૈયાર કર્યું છે અને તે મેડીકલ સાયન્સના સૌથી પ્રસિદ્ધ રીસર્ચ મેગેઝેન લેન્સેટની દક્ષિણ-પૂર્વ એશિયા આવૃત્તિમાં પ્રકાશિત થયું છે.
આ રીસર્ચ અનુસાર એન્ટીબાયોટીક દવાઓમાં એઝીથ્રોમાયસીન અને સેફીક્ઝાઈમ ભારતમાં સૌથી વધુ વેચાતી દવાઓ છે.
આ દવાઓનું વેચાણ ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે અને તે ભારતમાં વેચતા કુલ એન્ટીબાયોટીક દવાઓના બજારમાં ૮૫ થી ૯૦ ટકા હિસ્સો ધરાવે છે. સરકારી વ્યવસ્થા હેઠળ વેચાતી દવાઓનો હિસ્સો માત્ર ૧૫ થી ૨૦ ટકા જેટલો જ છે. આ સંશોધનમાં સરકારી દવા વિતરણ વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
આ સંશોધન અનુસાર જે દવાઓની પાસે મંજૂરી નથી તેમે પેનીસીલીન, મેક્રોલાઈડસ, સેફાલોસપોરીન્સ સૌથી વધુ વપરાતી દવાઓ છે.
એન્ટીબાયોટીકના વધારે પડતા ઉપયોગથી દર્દીમાં રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ ઘટે છે અને દર્દીની આવી દવાઓ સામે રક્ષણ મેળવવાની શક્તિ પણ ધીમે ધીમે ઘટે છે.