જાણો કેમ આવે છે બ્રેન સ્ટ્રોક, બચવાના ઉપાય
બગડતી લાઈફસ્ટાઈલ અને ગમે તે ખાઈ લેવાની વૃત્તિને લીધે બ્રેન સ્ટ્રોકનું જોખમ વધી રહ્યું છે. સ્ટ્રેસ લેવલ હાઈ હોવું અને કોલેસ્ટ્રોલમાં વધારો જ આ રોગના મુખ્ય કારણો છે. આવો જાણીએ કે કોને આનું જોખમ વધારે છે અને આનાથી કેવી રીતે બચી શકાય.
નસોમાં ફેટ જામવાને લીધે બ્લડ સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે. આનાથી બ્લડ ક્લૉટ થાય છે, જે આગળ જતાં બ્રેન સ્ટ્રોકનું મોટું કારણ બને છે. જ્યારે મગજમાં બ્લડ સર્ક્યુલેશન સરખુ ના થાય ત્યારે મસ્તિષ્કની કોશિકાઓ મરવા લાગે છે અને એ જ કારણે બ્રેન સ્ટ્રોક થાય છે.
આમાં મસ્તિષ્કની લોહી પહોંચાડતી નળીઓ ફાટી જાય છે, જેને બ્રેન હેમ્રેજ કહેવામાં આવે છે. આને બ્રેન એટેક પણ કહે છે. ઘણીવાર આ બ્રેન સ્ટ્રોક જીવલેણ સાબિત થઇ શકે છે.
જાણી લો તેના લક્ષણ:
અચાનક સંવેદન શૂન્ય થઈ જવું. ફેસ, હાથ-પગ કે શરીરના કોઈ ભાગમાં નબળાઈ આવી જવી. માંસપેશીઓમાં વિકૃતિ, કંઇપણ બોલવામાં કે સમજવામાં મુશ્કેલી થવી, એક કે બંને આંખમાં તકલીફ થવી, ચાલવામાં મુશ્કેલી પડવી, ચક્કર આવવા, સંતુલન ના કરી શકવું. અચાનક માથામાં અસહ્ય દુખાવો થવો, ફેસ ડ્રૂપિંગ એટલે કે ચહેરાનો એક ભાગ સુન્ન કે વાંકો થઈ જવો કે લટકી પડવો.
આવા લોકો પર છે સૌથી વધારે જોખમ:
ટાઈપ -2 ડાયાબિટીઝના દર્દી તેમજ હાઈપર ટેન્શન અને હાઈ બ્લડ પ્રેશરના દર્દી આના ચપેટમાં જલદી આવી જાય છે.
- વધારે માનસિક તણાવમાં રહેવું અથવા સતત ખાતા રહેવું અને સ્થૂળતા બ્રેન એટેકનું મુખ્ય કારણ બની શકે છે.
- ધૂમ્રપાન, દારૂ અને ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન પણ આ તકલીફને આમંત્રણ આપી શકે છે.
- કોલેસ્ટ્રોલનું વધતું સ્તર અને ઘટતી શારીરિક સક્રિયતા પણ આનું કારણ બની શકે છે.
શિયાળામાં આ કારણથી વધે છે જોખમ
શિયાળામાં ધમનીઓ સંકોચાઈ જાય છે અને બ્લડ ઘટ્ટ થવાથી હાર્ટને એને પંપ કરવામાં વધારે મહેનત લેવી પડે છે પરિણામે બ્લડ પ્રેશર વધે છએ. એ જ રીતે બ્લડ ઘટ્ટ થઇ જવાથી એનું સર્ક્યુલેશન પણ સરખું નથી થતું. કેટલીકવાર બ્લડ ક્લોટેજ થવા લાગે છે અને મુશ્કેલીમાં વધારો થાય છે.
નોંધ : આ સીઝનમાં શરીરને ગરમ રાખવાનો પ્રયત્ન કરો. ગરમ કપડાંથી ઢાંકીને રાખો જેથી સ્ટ્રોકનું જોખમ ઘટી જાય. બારી-બારણાં બંધ રાખો અને પડદા બંધ રાખો. રૂમનું ટેમ્પરેચર 18થી 21 ડિગ્રી વચ્ચે રહેવું જોઈએ, શિયાળામાં સવારે ખાસ ધ્યાન રાખો, માનસિક તાણથી બચો. માનસિક શાંતિ માટે ધ્યાન કરો. ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો. હાર્ટ એટેક અને ડાયાબિટીસના દર્દીઓએ ખાસ ધ્યાન રાખવું. વધારે સોડિયમ- મીઠું ના ખાશો. ગર્ભનિરોધક ગોળીઓ ખાવાનું ટાળીને પરિવાર નિયોજનના બીજા રસ્તા અપનાવો.
એટેક આવે ત્યારે શું કરવું:
રક્તદાબ (બ્લડપ્રેશર)ને નિયંત્રિત કરતી દવાઓ ના લેશો. કોઈ ન્યૂરોલોજિસ્ટ પાસે જાઓ. દર્દીને હૉસ્પિટલમાં લઇ જવામાં મોડું ના કરશો. તરત જ સારવાર કરો કારણ કે સ્ટ્રોક આવે ત્યારે એક કલાકમાં મગજ ઘણાં ન્યૂરૉન્સ ગુમાવી દે છે.
આ ખાઓ:
કઠોળ ખાઓ કારણ કે ફાઈબરના સારા સ્ત્રોત છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. આદું ખાવાથી લોહી પાતળુ રહે છે અને ગઠાઈ જવાની આશંકા ઘટે છે. ઓમેગા ફેટી એસિડવાળા ખાદ્યપદાર્થો જેમ કે તૈલીય માછલી, અખરોટ, સોયાબિન વગેરેને ભોજનમાં સ્થાન આપો. જાંબુ, ગાજર, ટામેટાં અને લીલા શાકભાજી જરૂર ખાઓ.