Health

અલકા યાજ્ઞિક 'સેન્સરીન્યુરલ હિયરિંગ લોસ' બીમારીથી પીડાય છે, જાણો તે કેટલું ખતરનાક છે

By GS TEAM
25 Jun 20263 mins read
TukuTouch Logo
દિગ્ગજ ગાયિકા અલકા યાજ્ઞિકને 23 જૂને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા. 60 વર્ષીય અલકા યાજ્ઞિક 'સેન્સરીન્યુરલ હિયરિંગ લોસ' નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. આ બીમારીમાં સાંભળવાની શક્તિ પ્રભાવિત થાય છે. વાઇરલ અટેકને કારણે તેમને આ સમસ્યા થઈ હતી. જોકે, હિયરિંગ એડ્સથી સાંભળી શકાય છે. ચાહકો તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલકા યાજ્ઞિક 'સેન્સરીન્યુરલ હિયરિંગ લોસ' બીમારીથી પીડાય છે, જાણો તે કેટલું ખતરનાક છે
(IMAGE - IANS)

Alka Yagnik disease: બોલિવૂડના કલ્ટ સૉન્ગ્સ જેવા કે 'તાલ સે તાલ મિલા' અને 'દિલ ને યે કહા હૈ દિલ સે' જેવા સદાબહાર ગીતોથી કરોડો લોકોના દિલ પર રાજ કરનાર દિગ્ગજ ગાયિકા અલકા યાજ્ઞિક હાલમાં ભારે ચર્ચામાં છે. તાજેતરમાં 23 જૂનના રોજ ભારત સરકાર દ્વારા તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મ ભૂષણ'થી નવાજવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ ક્ષણ વચ્ચે સોશિયલ મીડિયા પર તેમનો એક વાઇરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં 60 વર્ષના આ સિંગર સ્ટેજ પર જવા માટે એટેન્ડન્ટ (મદદનીશ)નો સહારો લેતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યે તેમના તમામ ચાહકોને ભાવુક કરી દીધા છે. એવોર્ડ મળ્યા બાદ અલકા યાજ્ઞિકે એક અત્યંત ભાવુક નોટ શેર કરીને પોતાની હેલ્થ અપડેટ આપી છે અને જણાવ્યું છે કે તેઓ હજુ પણ એક ગંભીર બીમારી સામે લડી રહ્યા છે.

કઈ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે અલકા યાજ્ઞિક?

અલકા યાજ્ઞિકે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પોતાના અજોડ યોગદાન બદલ આભાર વ્યક્ત કરવાની સાથે પોતાની હેલ્થ અંગે જે ખુલાસો કર્યો તેનાથી ફેન્સ ઘણાં દુ:ખી થયા છે. વર્ષ 2024માં જાણવા મળ્યું હતું કે અલકા યાજ્ઞિક 'સેન્સરીન્યુરલ હિયરિંગ લોસ' (Sensorineural Nerve Hearing Loss) નામની ગંભીર બીમારીથી પીડિત છે અને લાંબા સમયથી સાજા થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ જ કારણ છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી લાઇમલાઇટ અને જાહેર કાર્યક્રમોથી દૂર રહે છે. પદ્મ ભૂષણ એવોર્ડ સમારોહ દરમિયાન પણ તેમની આ શારીરિક તકલીફ સ્પષ્ટપણે જોવા મળી હતી.

કેટલી ખતરનાક છે આ બીમારી અને શું છે તેના લક્ષણો?

'સેન્સરીન્યુરલ હિયરિંગ લોસ' એ સાંભળવાની શક્તિને પ્રભાવિત કરતો એક અત્યંત ગંભીર ડિસઓર્ડર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલકા યાજ્ઞિકને એક અચાનક આવેલા વાઇરલ અટેકને કારણે આ બીમારી થઈ હતી.

હેલ્થ ઓર્ગેનાઈઝેશન ક્લેવલેન્ડ ક્લિનિકના રિપોર્ટ મુજબ, આ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે અવાજના મોજાં મનુષ્યના કાનના અંદરના ભાગ સુધી પહોંચી શકતા નથી. આ સ્થિતિ કોઈ વ્યક્તિમાં અચાનક પણ આવી શકે છે અથવા ધીમે-ધીમે પણ વધી શકે છે. કેટલીકવાર આ ખામી જન્મજાત હોય છે, તો ક્યારેક ઉંમર વધવાની સાથે કે કોઈ ઇન્ફેક્શન, ગંભીર ઈજા અથવા સતત ખૂબ જ તેજ અવાજના સંપર્કમાં રહેવાથી પણ થઈ શકે છે.

શું આ બીમારીનો ઇલાજ શક્ય છે?

મેડિકલ રિપોર્ટ્સ અને નિષ્ણાતોના મતે, આ રેઅર બીમારીનો કોઈ કાયમી કે સંપૂર્ણ ઇલાજ હજુ સુધી ઉપલબ્ધ નથી. જોકે, તેનો અર્થ એવો નથી કે આનાથી પીડિત વ્યક્તિ ક્યારેય સાંભળી જ ન શકે. આજના આધુનિક સમયમાં હિયરિંગ એડ્સ (સાંભળવા માટેનું મશીન), કોક્લિયર ઇમ્પ્લાન્ટ અથવા અન્ય આધુનિક તબીબી ઉપકરણોની મદદથી દર્દી ફરીથી સાંભળવા સક્ષમ બની શકે છે. હાલમાં અલકા યાજ્ઞિકના કરોડો ચાહકો તેઓ ઝડપથી આ મુશ્કેલીમાંથી બહાર આવે અને ફરી સંગીતની દુનિયામાં સક્રિય થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

ડિસ્ક્લેમર : આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તે કોઈપણ પ્રકારે તબીબી સલાહ, નિદાન કે સારવારનો વિકલ્પ નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ સમસ્યા અથવા આ પ્રકારના લક્ષણો જણાય ત્યારે હંમેશા લાયકાત ધરાવતા ડૉક્ટર અથવા તબીબી નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.