એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નંબર વન બનવા AMC દ્વારા કન્સલ્ટન્સી પાછળ ત્રણ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાશે
વર્ષ-૨૦૨૬ સુધીમાં કલીનેસ સિટી બનાવવા ઈન્ફોસોલ પ્રા.લી.ને ૩.૭૫ કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે
અમદાવાદ,ગુરુવાર,17
જુલાઈ,2025
વર્ષ-૨૦૨૪ માટે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં
અમદાવાદને સૌથી વધુ સ્વચ્છ શહેર સ્વચ્છતા સર્વેક્ષણ પછી જાહેર કરાયુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા દર વર્ષે સરેરાશ રુપિયા ૯૦૦ કરોડનો ખર્ચ ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન, શહેરના રસ્તા સાફ
રાખવા અને બાયોમાઈનીંગ પધ્ધતિથી પીરાણા ખાતે આવેલી કચરાની મુખ્ય ડમ્પસાઈટ ઉપર એકઠા
થયેલા કચરાના નિકાલ માટે કરાય છે.વર્ષ-૨૦૨૬ સુધીમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા દસ
શહેરની યાદીમાં અમદાવાદને પ્રથમ ક્રમ અપાવવા ઈન્ફોસોલ પ્રાઈવેટ લિમિટેડ નામના
કન્સલ્ટન્ટને ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ અપાયો છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા દેશના દસ શહેરોમાં વર્ષ-૨૦૨૬ સુધીમાં પ્રથમ ક્રમ મેળવવા અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ-૨૦૨૪માં ત્રણ વર્ષ માટે પ્રાઈવેટ કન્સલ્ટન્ટને
રુપિયા ૩.૭૫ કરોડ અને વાર્ષિક રુપિયા ૧.૨૫
કરોડ ફી ચૂકવી જવાબદારી સોંપતો ઠરાવ કર્યો હતો.કોર્પોરેશન તરફથી ઈન્ફોસોલ પ્રાઈવેટ
લિમિટેડને સિંગલ ટેન્ડરથી કામગીરી અપાઈ હતી.કોન્ટ્રાકટ અંતર્ગત કન્સલ્ટન્ટને સ્વચ્છ
સર્વેક્ષણ-૨૦૨૬નુ પરિણામ જાહેર થાય ત્યાં સુધી ચાર રીસોર્સ પર્સન રાખવા પડશે.ભારત સરકાર
દ્વારા સ્વચ્છ ભારત મિશન-૨૦૧૪થી દેશ વ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણની શરુઆત કરાઈ હતી.દર
વર્ષે ચોકકસ પેરામીટરના આધારે અલગ અલગ શહેરોને રેન્કીંગ આપવામાં આવે છે. સ્વચ્છતા સર્વેક્ષણનો
બીજો તબકકો વર્ષ-૨૦૨૨થી શરુ થયો હતો.જે વર્ષ-૨૦૨૬માં પુરો થશે.
વર્ષ-૨૦૨૩ના સ્વચ્છતા સર્વેક્ષણમાં કુલ ૪૪૭૭ શહેરોમાં
ઈન્દોર સાથે સુરત પ્રથમ ક્રમે રહયુ હતુ.જયારે અમદાવાદ એક લાખથી વધુ વસ્તી ધરાવતા
શહેરોની યાદીમાં પંદરમા ક્રમે રહયુ હતુ.આ અગાઉ વર્ષ-૨૦૨૨માં અમદાવાદ ૧૮મા ક્રમ ઉપર
રહયુ હતુ.આ ઉપરાંત શહેરને ઓપન ડેફીનેશન ફ્રી અને વોટર પ્લસ સિટીનો દરજજો આપવામા
આવ્યો હતો.અમદાવાદે ફાઈવ સ્ટાર રેટીંગ સર્ટિફિકેટ મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ
થ્રી સ્ટાર રેન્કીંગ મળ્યુ હતુ.દૈનિક વેસ્ટ કલેકશન અને બાયોમાઈનીંગ પ્રોસેસીગની
ધીમી કામગીરીના કારણે ઓછા માર્કસ મળ્યા હતા.સ્વચ્છ ભારત મિશન-૨.૦ અંતર્ગત શહેરને
સારુ રેન્કીંગ મળે એ માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા ટેન્ડર કરાયુ હતુ.