માસિક સમયે થતા દુખાવાને દૂર કરવા દવા નહીં અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર
નવી દિલ્હી, 26 મે 2019, રવિવાર
માસિક સમયે દુખાવો સામાન્ય રીતે દરેક મહિલાને થાય છે. આ દુખાવો અસહનીય તો હોય જ છે અને તેના કારણે મહિલાઓ માસિક સમયે અન્ય કામોમાં પણ ધ્યાન આપી શકતી નથી. વર્તમાન સમયમાં તો મહિલાઓ ઘર સાથે ઓફિસનું કામ પણ સંભાળતી હોય છે તેવામાં માસિક સમયે થતા દુખાવો, મૂડ સ્વીંગ, થાક, તાણ જેવી તકલીફો તેના કામને પણ અસર કરે છે. કામ પર ધ્યાન આપવા માટે મહિલાઓ માસિક સમયે પેનકીલર લેતી હોય છે પરંતુ દર મહિને દવાઓ લેવા કરતાં માસિકની તકલીફને દૂર કરવા માટે ઘરગથ્થુ ઉપચાર કરવા જોઈએ.
દવા ખાવાથી દુખાવો તુરંત દૂર થઈ જાય છે પરંતુ વારંવાર દવા ખાવાથી શરીર પર તેની માઠી અસર પડે છે. તો ચાલો આજે તમને એવા ઘરગથ્થુ ઉપચારો વિશે જણાવીએ જે માસિક સમયે તમને આડઅસર વિના દુખાવાથી રાહત આપશે.
તુલસી
તુલસી સૌથી સારો વિકલ્પ છે માસિકની સમસ્યાને દૂર કરવાનો. તુલસીના પાનમાં દુખાવાને દૂર કરતાં તત્વો હોય છે. માસિક સમયે એક કપ પાણીમાં તુલસીના પાન ઉમેરી તેને બરાબર ઉકાળી અને ઠંડું કરી આ પાણી પી લેવું. આ રીતે તૈયાર કરેલું પાણી દિવસમાં 2થી 3 વાર પીવું.
અળસી
અળસીના બી પણ દુખાવાને દૂર કરે છે. અળસીના બીમાં ફૈટી એસિડ હોય છે જે માસિક સમયે થતા દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ગર્ભાશયની તકલીફોને પણ અળસી દૂર કરે છે. રોજ 2થી 3 ચમચી અળસીના બીનું સેવન કરવું જોઈએ.
વરીયાળી
પેટના દુખાવા માટે વરીયાળી બેસ્ટ દવા છે. વરીયાળી ગર્ભાશયના મસલ્સને રીલેક્સ કરે છે જેથી માસિક સમયે થતો દુખાવો દૂર થાય છે. વરીયાળીને પણ પાણીમાં ઉકાળી લેવી અને આ પાણી ઠંડુ થાય એટલે દિવસમાં 4 વાર પીવું.
આદુ
આદુ તો દરેક ઘરમાં હોય જ છે. આદુનું સેવન કરવાથી માસિક સમયસર પણ આવશે અને દુખાવો પણ દૂર થશે. આદુને ટુકડા કરી અને પાણીમાં ઉકાળી લો. પાણી ઠંડુ થાય એટલે તેમાં જરૂર અનુસાર મધ ઉમેરી અને પી લેવું. દિવસમાં 2 વાર આ રીતે આદુની ચા તૈયાર કરી પીવાથી માસિકનો દુખાવો બંધ થઈ જશે.