Health

World Heart Day : માનસિક તણાવ, વાહનોના ધૂમાડા સહિતના આ કારણો હૃદય રોગ માટે જવાબદાર

By GS Team
28 Sep 20223 mins read
This article was originally published on 28 Sep 2022
World Heart Day : માનસિક તણાવ, વાહનોના ધૂમાડા સહિતના આ કારણો હૃદય રોગ માટે જવાબદાર

અમદાવાદ, તા. 28 સપ્ટેમ્બર 2022 બુધવાર

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિઝ (સીવીડી) મૃત્યુ માટે ટોચનું કારણ હોવાનું ધ્યાનમાં લેતાં ડોક્ટર્સે કાર્ડિયાક સમસ્યાઓ માટે કારણભૂત કેટલાંક જોખમી પરિબળોમાં બદલાવ વિશે ચિંતા વ્યક્ત કરી છે. જેમાંથી ઘણા કોવિડ-19માંથી પેદા થયાં છે. 

દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી કરાય છે ત્યારે અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદના કાર્ડિયોલોજી સર્વિસિસના ડાયરેક્ટર ડો. સમીર દાણીએ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિઝમાં ટોચના પાંચ ટ્રેન્ડ અને તેના નિવારણ વિશે જાણકારી આપી હતી.

1. કોવિડ-19 અને સીવીડી 

કોવિડ-19થી હૃદય રોગના સ્પેક્ટ્રમમાં પરિવર્તન આવ્યું છે. કોવિડ-19 દર્દીઓમાં ઓછા અથવા કોઇપણ જોખમી પરિબળ (ડાયાબિટિસ, કોલેસ્ટ્રોલ અથવા હાઇપર ટેન્શન વગેરે) ન હોવા છતાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. 

કોવિડ-19નું નિદાન થયાના મહિનાઓ બાદ એન્જિયોપ્લાસ્ટીના અને સાધારણ બ્લોકેજ ધરાવતા વ્યક્તિઓમાં બ્લોકેજ વધ્યું છે. 10-20 ટકા બ્લોકેજ ધરાવતા એન્જિયોપ્લાસ્ટીના દર્દીઓમાં કોવિડ-19 બાદ નિયમિત દવાઓ લેવા છતાં બ્લોકેજ વધીને 90 ટકા સુધી પહોંચ્યું છે.

2. વાયુ અને ખાદ્ય પ્રદૂષણની અસર

અત્યાર સુધી એવું મનાતું હતું કે વાયુ પ્રદૂષણ મુખ્યત્વે ફેફસા અને શ્વસન સંબંધિત બિમારીઓ માટે કારણભૂત હતું, પરંતુ તે હૃદય રોગ અને કેન્સર માટે પણ જવાબદાર છે. હાઇવેની નજીક રહેતાં અથવા વાહનોના ધુમાડાના વધુ સંપર્કમાં આવતાં વ્યક્તિને હૃદય રોગ થવાનું જોખમ વધુ હોય છે.

ફેટ, સ્ટાર્ચ, એડેડ શુગર અને હાઇડ્રોજનેટટેડ ફેટ જેવાં ખાદ્ય પદાર્થોમાંથી તૈયાર કરાયયેલા પ્રોસેસ્ડ ફૂડનું સેવન પણ હૃદયના સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. વાયુ પ્રદૂષણ અને પ્રોસેસ્ડ ફૂડને કારણે થતો સોજો લિપિડને આકર્ષિત કરે છે, જે બ્લોકેજનું કારણ બને છે.

3. પ્રિવેન્ટિવ રિસર્ચ ઉપર ધ્યાન 

સીવીડીમાં રિસર્ચના સ્તરે સારવાર બેકસીટ લઇ રહી છે અને પ્રિવેન્શન ઉપર વધુ ધ્યાન અપાય છે, જે ડાયાબિટીસ, મેદસ્વિતા, કોલેસ્ટ્રોલ અને હાઇપરટેન્શન જેવાં જોખમી પરિબળોને રોકવા ઉપર કેન્દ્રિત છે. 

ડો. દાણીએ કહ્યું હતું કે, અગાઉ ડાયાબિટીસની સારવાર હૃદય રોગથી બચવા શુગરને નિયંત્રણમા રાખવા કરાતી હતી. હવે અભિગમ એવો છે કે ડાયાબિટીસ માટે કરાયેલી સારવાર શુગરને નિયંત્રણમાં રાખવા ઉપરાંત હૃદય રોગના જોખમને સંભાવનાઓ ઘટાડે છે. આજ પ્રકારનો અભિગમ કોલેસ્ટ્રોલની સારવાર માટે પણ અપનાવવામાં આવ્યો છે. ઘણાં સંશોધનોમાં સાબિત થયું છે કે હૃદયમાં બ્લોકેજીસને ઉલટાવી શકાય છે.


4. ઉચ્ચ લિપોપ્રોટીન લિટલનું સ્તર

સામાન્ય જોખમી પરિબળો ઉપરાંત એક સંશોધનમાં લિપોપ્રોટીન લિટલ (એલપી)નું સ્તરણ પણ છે. ભારતીયોમાં આ પ્રોટીનનું સ્તર ઊંચું હોવાથી તેમને સીવીડીનું જોખમ વધુ રહે છે. ડો. દાણીએ કહ્યું હતું કે, જ્યારે લોહીમાં એલપી (એ)નું પ્રમાણ ઊંચું જોવા મળે ત્યારે તે ધમનીઓની દિવાલ સાથે જોડાવાનું શરૂ કરે છે, જે આખરે તેને બ્લોક કરીને સ્ટ્રોકનું કારણ બને છે.

5. માનસિક આરોગ્ય ઉપર અસર

બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નક્કી કરવું સરળ છે, પરંતુ તણાવનું પ્રમાણ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. લાંબા સમય સુધી તણાવ, ચિંતા અને ડિપ્રેશનનો અનુભવ કરતાં વ્યક્તિઓ હાઇ બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારામાં વધારો અનુભવે છે.

ડો. દાણીએ કહ્યું હતું કે, વર્લ્ડ હાર્ટ ડે 2022ની થીમ, યુઝ હાર્ટ ફોર એવરી હાર્ટ છે. જે દરેક વ્યક્તિને માનવતા, પ્રકૃતિ અને તમારી પોતાની જાત માટે હૃદયનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો તેનો વિચાર કરવાની તક આપે છે. 

હૃદય લાગણીઓ, ભાવના, પ્રેમ, સહાનુભૂતિ અને કરૂણા સાથે જોડાયેલું છે. તેના વિશે જાગૃતિ ફેલાવવાની જવબાદારી માત્ર હેલ્થ પ્રોફેશ્નલ્સ અથવા સરકારની નથી. હૃદયના દરેક ધબકારા સાથે કાર્ડિયોવાસ્ક્યુલર બિમારીનો સામનો કરવો ખૂબજ મહત્વપૂર્ણ છે.