World Hepatitis Day 2020 : જાણો, શું છે આ બિમારી?
- દર વર્ષે 28 જુલાઇના રોજ વર્લ્ડ હેપેટાઇટિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 28 જુલાઇ 2020, મંગળવાર
આજે 28 જુલાઇને વર્લ્ડ હેપેટાઇટિસ ડે તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHOના આંકડાકીય માહિતી અનુસાર વિશ્વભરમાં લગભગ 32 કરોડ 50 લાખ લોકો હેપેટાઇટિસના શિકાર બન્યા છે અને તેની સાથી જ જીવન જીવવા માટે મજબૂર છે. હેપેટાઇટિસ એક એવું ઇન્ફેક્શન છે જે શરીરના લિવરને અસર કરે છે. લિવર વ્યક્તિના શરીરમાં રહેલું સૌથી મોટું અંગ છે. લિવર શરીરની અલગ-અલલ ક્રિયાઓમાં મદદ કરે છે જેમ કે, જમવાનું પચાવવામાં, એનર્જી જમા કરવામાં અને શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર નિકાળીને શરીરને ડીટૉક્સ કરવામાં મદદ કરે છે. હેપેટાઇટિસની સમસ્યા થવા પર લિવરમાં ઇન્ફેલેમેશન એટલે કે સોજો આવવો અને બળતરા થવાની સમસ્યા વધી જાય છે, જેના કારણે લિવર ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે અને ત્યાં સુધી કે લિવર કેન્સરનું પણ જોખમ બની શકે છે.
28 જુલાઇએ દર વર્ષે વિશ્વભરમાં વર્લ્ડ હેપેટાઇટિસ ડે મનાવવામાં આવે છે અને આ દિવસનો હેતુ છે કે હેપેટાઇટિસની બીમારી વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવવી. જાણો, હેપેટાઇટિસ વિશેની કેટલીક માહિતી...
1. હેપેટાઇટિસ બીમારીના સામાન્ય રીતે 5 પ્રકાર છે જે વ્યક્તિને સૌથી વધારે અસર કરે છે. હેપેટાઇટિસ એ, બી, સી, ડી અને ઈ. હેપેટાઇટિસ એ અને ઈ દૂષિત ભોજન અથવા પાણીના કારણે થાય છે, જેમાં આ વાયરસ હોય છે. ત્યારે હેપેટાઇટિસ બી, સી અને ડી સંક્રમિત વ્યક્તિના શરીરના તરલ પદાર્થો એટલે કે બોડી ફ્લૂઇડ્સના સીધા સંપર્કમાં આવવાથી થાય છે જેમ કે, લોહી, લાળ વગેરે. અત્યાર સુધીમાં વૈજ્ઞાનિકોએ માત્ર હેપેટાઇટિસ એ અને બીની રસી તૈયાર કરી છે. હેપેટાઇટિસના પાંચ પ્રકારમાંથી હેપેટાઇટિસ સી સૌથી વધારે જોખમી અને જીવલેણ માનવામાં આવે છે.
2. હેપેટાઇટિસ બીમારીના બે પ્રકાર એવા પણ છે જે સંક્રામક નથી એટલે કે તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી.
અલ્કોહોલિક હેપેટાઇટિસ : આ પ્રકારનું હેપેટાઇટિસ તે લોકોમાં જોવા મળે છે જે કેટલાય વર્ષો સુધી સતત ખૂબ જ વધારે પ્રમાણમાં દારૂ અથવા આલ્કોહોલનું સેવન કરે છે. આ લોકોમાં બીમારીના કોઇ લક્ષણ જોવા મળતા નથી અને તેમનામાં અચાનકથી જ જોન્ડિસ અને લિવર ખરાબ થવાની સ્થિતિ જોવા મળે છે. તે લોકોમાં લિવર કેન્સર થવાનું ઓઅણ જોખમ વધારે હોય છે.
ઑટોઇમ્યૂન હેપેટાઇટિસ : આ પ્રકારના હેપેટાઇટિસમાં શરીરની ઇમ્યૂન કોશિકાઓ લિવર પર હુમલો કરવાનું શરૂ કરે છે કે જેનાથી તે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે. આ સ્થિતિ દુર્લભ છે, પરંતુ ખૂબ જ જોખમી પણ છે.
3. એવા કેટલાય લોકો છે જેમને હેપેટાઇટિસ થવાનું જોખમ વધાર હોય છે
- સ્વાસ્થ્યકર્મચારીઓ જેવા કે ડૉક્ટર્સ, નર્સ અને લેબ પ્રોફેશનલ્સ.
- તેવા લોકો જે હેપેટાઇટિસ અસરકારક વિસ્તારમાં મુસાફરી કરતા હોય છે.
- જે લોકોની ઇમ્યૂન સિસ્ટમ વીક હોય છે.
- એવા લોકો કે જે કોઇ પ્રકારની દવા અથવા ડ્રગ્સને ઇન્જેક્શન મારફતે લે છે.
- જે લોકોને નિયમિતપણે લોહી ચઢાવવાની જરૂરત હોય છે.
- તેવા લોકો જે નિયમિત રક્તદાન કરતા હોય છે.
- જે લોકોને એચઆઇવીનું ઇન્ફેક્શન હોય.
- એવા બાળકો કે જેમની માતા હેપેટાઇટિસથી સંક્રમિત હોય.
- એવા લોકો જેમને ટેટૂ બનાવડાવ્યું અથવા પિયર્સિંગ કરાવ્યું હોય.
4. હેપેટાઇટિસના સામાન્ય લક્ષણ
સામાન્ય રીતે હેપેટાઇટિસથી પીડિત દર્દીમાં કોઇ પ્રકારના કોઇ ખાસ લક્ષણ જોવા મળતા નથી અને ત્યાં સુધી તેઓ પોતાના ડાયગ્નોસિસ પણ કરાવવા જતા નથી જ્યાં સુધી તેમનું લિવર સમગ્ર પણે કામ કરવાનું બંધ ન કરી દે (લિવર ફેલિયર). જો કે, કેટલાક લોકોમાં આ લક્ષણો જોવા મળે છે.
- સાંધામાં દુખાવો
- ખૂબ જ તાવ આવવો
- બીમારીનો અનુભવ થવો
- થાક
- ભૂખ ન લાગવી
- પેટમાં દુખાવો
- પીળા રંગનો પેશાબ
- ત્વચામાં ખંજવાળ
- ત્વચા અને આંખમાં પીળાશ આવવી
- ઉબકા આવવા, ઉલ્ટી થવી
- ડાયેરિયા
બીમારી જો ત્યારબાદના સ્ટેજમાં પહોંચી જાય તો દર્દીમાં કેટલાય અન્ય ગંભીર લક્ષણ પણ જોવા મળી શકે છે.
5. હેપેટાઇટિસ થતા રોકી શકાય છે.
આમ તો અત્યાર સુધી માત્ર હેપેટાઇટિસ એ અને બી માટે જ ટીકાકરણ ઉપલબ્ધ છે, તેમછતાં તમે સાવચેતી રાખીને હેપેટાઇટિસના બાકી પ્રકારોથી પણ બચી શકો છો.
- કાચું ભોજન ન ખાશો.
- ફિલ્ટર કર્યા વગરનું દૂષિત પાણી ન પીશો.
- પોતાનું ટૂથબ્રશ, રેઝર અને હાઇજીન સાથે સંકળાયેલા બીજા ઉત્પાદનોને કોઇની પણ સાથે શેર ન કરશો.
- નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવતા રહો અને તેમની સલાહ અનુસાર સ્વાસ્થ્યની કાળજી રાખો.