વિશ્વમાં દર વર્ષે 5 ટ્રીલિયન પ્લાસ્ટિકની થેલીઓ વપરાય છે
વિશ્વમાં બાંગ્લાદેશે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રથમ પ્રતિબંધ મુકેલો
દર વર્ષે મહાસાગરોમાં 8 મીલિયન ટન પ્લાસ્ટિક પધરાવાય છે
નવી દિલ્હી,
૨ જી ઓકટોબરથી ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવી રહયો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકનારા દેશોમાં એન્ટીગુઆ એન્ડ બારમૂડા, ચીન, કોલંબિયા, રોમાનિયા, સેનેગલ, રવાન્ડા, દક્ષિણ કોરિયા, ઝિમ્બાબ્વે, ટયૂનિશિયા, બાંગ્લાદેશ, સમૌઆ, કેમરુન, અલ્બાનિયા અને જયોર્જિયાનો સમાવેશ થાય છે. નવાઇની વાત તો એ છે કે પાડોશી દેશ બાંગ્લાદેશે વર્ષ ૨૦૦૨થી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકયો છે અને વિશ્વમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકનારો પ્રથમ દેશ છે. દક્ષિણ એશિયામાં ભારત સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકનારો બીજો દેશ બનશે.
વિશ્વના ૧૪ દેશો અત્યાર સુધી આ પ્રકારના પ્લાસ્ટિક પર મનાઇ ફરમાવી છે. જો કે સૌથી ઉપભોગતાવાદી દેશ અમેરિકાએ હજુ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવ્યો નથી પરંતુ તેના કેટલાક રાજયોએ સ્વૈચ્છિક રીતે ઉપયોગ કરવા માંડયો છે. ૧૯૫૦માં પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશમાં વધારો થયો એ પછી અત્યાર સુધીમાં ૮.૩ અબજ મેટ્રીક ટનથી વધુ પ્લાસ્ટિકનું ઉત્પાદન થઇ ચૂકયું છે. ૧૯૬૦માં ૫૦ લાખ ટન પ્લાસ્ટિક ઉત્પાદિત થતું હતું જે હાલમાં ૩૦૦ કરોડ ટન કરતા પણ વધારે છે. દર વર્ષે મહાસાગરોમાં ૮ મીલિયન ટન પ્લાસ્ટિક પધરાવવામાં આવે છે. પ્લાસ્ટિકના ઉત્પાદનના કારણે માઇક્રો પ્લાસ્ટિકના કણ હવાથી માંડીને પાણીમાં પણ આવવા લાગ્યા છે.
પ્લાસ્ટિક ખોરાક અને શ્વાસમાં પણ ભળી ગયું છે. ઉત્તર ધ્રુવના બરફથી આચ્છાદિત આર્કેટિક મહાસાગરના બરફમાં પણ માઇક્રો પ્લાસ્ટિક જોવા મળ્યું છે. વિશ્વમાં ઉત્પાદિત થતા ૪૦ ટકા પ્લાસ્ટિકનો ઉપયોગ પેકેજિંગમાં કરવામાં આવે છે જેનો એક વાર ઉપયોગ કરીને છોડી દેવામાં આવે છે. છેલ્લા ૭૦ વર્ષમાં ઉત્પાદિત ૮૦ ટકા જેટલું પ્લાસ્ટિક હજુ પણ પર્યાવરણમાં અસ્તિત્વ ધરાવે છે. સંયુકત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર દર વર્ષે ૫ ટ્રીલિયન (૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦) પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ થાય છે જેનો ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે છે.