14 મી સદીમાં મહામારી બનેલો અને હવે ચીનમાં દેખાયેલો બ્યૂબોનિક પ્લેગ શું છે ?
બ્યૂબોનિકથી 14 મી સદીમાં 5 કરોડ લોકોના મોત થયા હતા
એ સમયે પણ બ્યૂબોનિકનું ઉદભવ સ્થાન ચીન ગણાતું હતું
નવી દિલ્હી,6,જુલાઇ,2020,સોમવાર
ચીનના ઇનર મોંગોલિયા સ્વાયત વિસ્તારમાં બ્યૂબોનિક પ્લેગના બે દર્દી મળી આવતા હાહાકાર મચી ગયો છે. બાયાનૂર નામના શહેરમાં બ્યૂબોનિક પ્લેગનો ભોગ બનેલાને કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ચીનના હેલ્થ વિભાગે બ્યૂબોનિક પ્લેગ રોકવા બીજા ક્રમની ગંભીર ચેતવણી જાહેર કરી છે. આ હાઇએલર્ટ વર્ષ ૨૦૨૦ના અંત સુધી ચાલું રહેશે કારણ કે માણસ સરળતાથી બ્યૂબોનિક પ્લેગનો ભોગ બની શકે છે.
ચીની મીડિયાના જણાવ્યા અનુસાર બ્યૂબોનિક સંક્રમણના નવા કેસ બહાર આવશે એવી શંકાના પગલે આરોગ્યતંત્ર દ્વારા અનેક પગલાએ ભરવામાં આવી રહયા છે. બ્યૂબોનિક પ્લેગ બેકટરિયાના ઇન્ફેકશનથી થાય છે પરંતુ ઇન્ફેકશન કેવી રીતે ફેલાયું તે જાણી શકાયું નથી. ગત વર્ષ પણ મે મહિનામાં મોંગોલિયાના મેરમોટ (એક પ્રકારના ઉંદર) જાનવરનું માંસ ખાવાથી બે લોકોના બ્યૂબોનિક પ્લેગથી મોત થયા હતા. એ સમયે તપાસમાં જાણવા મળ્યું હતું કે મેરમોટનું કાચું માંસ ખાવાથી કિડની સારી રહેતી હોવાની લોકો માન્યતા જોવા મળતી હતી ત્યારથી મેરમોટ બ્યૂોનિક પ્લેગના વાહક નોે શિકાર કરવો કે માંસ ખાવું ગેરકાયદેસર ગણાય છે.
બ્લેક ડેથ તરીકે ઓળખાતા બ્યૂબોનિક પ્લેગના પ્રકોપથી ઇસ ૧૩૪૩માં યૂરોપમાં ૫૦ ટકા લોકોના મોત થયા હતા. એશિયા, યૂરોપ અને આફ્રિકા સહિત કુલ ૫ કરોડથી વધુ લોકોના મોત થયા હતા. આ મધ્યકાલીન પ્લેગ તમામ પ્રકારના આધુનિક પેથોજેનિક પ્લેગના મૂળિયામાં હતો. પ્રથમ ન્યૂમોનિક જેમાં ભારે તાવ આવતો અને લોહીની ઉલટી થતી અને ૩ જ દિવસમાં માણસનું મોત થતું હતું. બીજો પ્રકાર આ બ્યૂબોનિક જેમાં ભારે તાવ સાથે દર્દીની જાંઘ અને બગલના ભાગમાં ગાંઠો ઉભરી આવતી હતી. આગની જેમ ફેલાતો બ્યૂબોનિક સ્વસ્થ વ્યકિતના શરીરમાં પ્રવેશીને રોગપ્રતિકારકશકિત ખતમ કરી નાખતો હતો. જો કે વર્તમાન બ્યૂબોનિક પ્લેગ અંગે નિષ્ણાતોનું માનવું છે કે આની સારવાર અને દવા મળતી હોવાથી મહામારી બની શકે તેવી શકયતા ઓછી છે પરંતુ માણસ દ્વારા માણસમાં તે ઝડપથી ફેલાઇ શકે છે આથી તેનું સંક્રમણ રોકવું જરુરી છે.
૧૪ મી સદીમાં પ્લેગ ચીનના સિલ્ક માર્ગથી યૂરોપમાં ફેલાયો હતો
નવાઇની વાત તો એ છે કે બ્યૂબોનિક પ્લેગનું ઉદ્ગમ સ્થાન એ સમયે પણ ચીન માનવામાં આવતું હતું, વર્તમાન સમયમાં કોરોના વાયરસ પણ ચીનથી ફેલાયો છે. આમ મહામારી અને ચીનને સદીઓ જુનો નાતો છે. ચીનથી યૂરોપ તરફ જતા વેપારી માર્ગને સિલ્કરુટ કહેવામાં આવતો હતો. ૧૪ મી સદીના ચોથા દાયકા દરમિયાન ચીનના સિલ્ક માર્ગથી પ્લેગ યૂરોપ સુધી ફેલાયો હતો. આ રોગ માટે જવાબદાર ગણાતા કાળા ઉંદર ચીનમાં ખૂબ થતા હતા.૧૯મી સદીમાં પણ બ્યૂબોનિક પ્લેગથી ચીન અને ભારતમાં ૧.૨૦ કરોડ લોકોના મોત થયા હતા.