સ્વાદમાં મીઠા લાગતા પીણા વધારે છે કેન્સરનું જોખમ
નવી દિલ્હી, 11 જુલાઈ 2019, ગુરુવાર
ફ્રાંસમાં થયેલી એક સ્ટડી અનુસાર ખાંડયુક્ત પીણાનું સેવન લોકો જો ઘટાડે તો કેન્સર થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. મીઠા પીણા અને કેન્સર સાથે કોઈ સીધો સંબંધ હોય તે વાતની પુષ્ટી આ સર્વેમાં કરવામાં નથી આવી પરંતુ આડકતરી રીતે તેનાથી કેન્સરનું જોખમ ઘટવાની વાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દાયકાથી દુનિયાભરમાં મીઠા પીણાનું સેવન વધ્યું છે જેના કારણે સ્થૂળતા જેવી સમસ્યા વધે છે અને સ્થૂળતાના કારણે કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર લોકોએ રોજ ખાંડનું સેવન તેમની કુલ ઉર્જા સેવનના 10 ટકા સુધી જ કરવું અથવા તો તેનાથી પણ ઓછા પ્રમાણમાં કરવું. સંગઠન અનુસાર ખાંડનું સેવન 5 ટકાથી 25 ગ્રામ સુધી હોય તો શ્રેષ્ઠ ગણાય છે. મહત્વપૂર્ણ છે કે બ્રિટન, બલ્ઝિયમ, ફ્રાંસ, હંગરી અને મેક્સિકો જેવા જેશમાં લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે માટે ત્યાં ખાંડ પર ટેક્સ લગાવવાની યોજના બની રહી છે. આ સંશોધનમાં ફ્રાંસના 1 લાખ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં 21 ટકા પુરુષો અને 79 ટકા મહિલાઓ હતી.
સંશોધનના પરીણામમાં જોવા મળ્યું કે એક દિવસમાં 100 મિલીલીટરથી વધારે ખાંડયુક્ત પીણા પીવાથી દરેક પ્રકારનું કેન્સર થવાનું જોખમ 18 ટકા વધી જાય છે. તેમાંથી 22 ટકા કેસમાં સ્તન કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. સ્ટડી અનુસાર ખાંડયુક્ત પીણાનું સેવન કરનાર લોકોના બે ભાગ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક સમૂહને ફળના જ્યૂસ અને બીજાને અન્ય મીઠાં પીણા આપવામાં આવ્યા. આ સ્થિતીમાં પણ બંને પર કેન્સર થવાનું જોખમ વધારે જોવા મળ્યું. જો કે આ સ્ટડીમાં એ વાતની પુષ્ટી કરવામાં નથી આવી કે કેન્સર અને ખાંડને પરસ્પર સીધો સંબંધ છે. પરંતુ ખાંડનું સેવન ઓછું કરવાથી કેન્સર થવાનું જોખમ પણ ઘટી શકે છે.