મહામારીથી બચવા ચાણકયએ પણ સોશિયલ ડિસ્ટન્સનો ઉલ્લેખ કરેલો
મહામારી ફેલાય ત્યારે એકબીજાને હળવા મળવાનું બંધ કરી દેવું જોઇએ.
મહામારી કરતા પણ અફવાઓ વધારે પરેશાન કરતી રહે છે- ચાણકયનીતિ
અમદાવાદ, 27 માર્ચ.2020 શુક્રવાર
પ્રાચીન ભારતના મહાન વિદ્વાન ચાણકયનું નામ ખૂબજ આદરથી લેવામાં આવે છે. તેમણે પોતાના સમયમાં રાજકારણ, અર્થશાસ્ત્રથીમાંડીને સમાજશાસ્ત્ર સુઘીના વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા છે. કોરોના વાયરસની મહામારીએ વિશ્વના 196 જેટલા દેશોને ભરડામાં લીધા છે પરંતુ 100 થી 150 વર્ષના ગાળામાં પૃથ્વી પર એક મહામારી હંમેશા આવતી રહી છે.
કોરોના પહેલા 1918માં સ્પેનિશ ફલૂ ને એ અગાઉ 1830માં મરકીના રોગનો સામનો માનવજાત કરી ચૂકી છે. પ્રાચીન સમયમાં પણ મહામારી આવતી હશે આથી જ તો ચાણકયએ પણ એક બીજાથી દૂર એકાંતમાં રહેવાના (સોશિયલ ડિસ્ટન્સ)ની વાત કરી છે. ચાણક્યએ લખ્યું છે કે મહામારી ખૂબજ ખતરનાક હોય છે જેનાથી સમગ્ર માનવ સભ્યતાને ખતરો હોય છે. તેનાથી બચવા માટે ધીરજ અને સજાગતા ખૂબ કામ લાગે છે. ચિકિત્સકો અને નિષ્ણાતે દ્વારા આપવામાં આવતી સૂચનાનું પાલન કરવું જરુરી છે એમ કરવાથી જ મહામારીથી બચી શકાય છે. આ ઉપરાંત મહામારી રોકવા માટે પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અને નિયમોનું પણ ઇમાનદારીથી પાલન કરવામાં આવે આવશ્યક છે. જયારે પણ મહામારી ફેલાય ત્યારે એકબીજાને હળવા મળવાનું બંધ કરી દેવું જોઇએ.
એક બીજાના સંપર્કમાં આવવાથી રોગનું પ્રમાણ ખતરનાક હદે વધી જાય છે. જયાં સુધી મહામારીનો પ્રકોપ સંપૂર્ણ શાંત ના થઇ જાય ત્યાં સુધી એક બીજાને મળવાનું ટાળવું જોઇએ. રોગચાળાથી બચવા સાફ સફાઇ પર વિશેષ ધ્યાન આપવાથી નિયંત્રણમાં આવે છે જો સ્વચ્છતા રાખવાનું ભૂલી જવાય તો ખતરનાક પરીણામ આવે છે. કૌટિલ્યના વિચારો મુજબ મહામારી ફેલાય છે તેની સાથે અફવાઓ પણ ખૂબ હોય છે આથી અફવાઓ પર ધ્યાન આપવું નહી અને અફવા ફેલાવાથી દૂર રહેવું જોઇએ. મહામારી કરતા પણ અફવાઓ વધારે પરેશાન કરતી રહે છે આ ઉપરાંત અંધ વિશ્વાસ અને પાખંડીઓથી પણ દૂર રહેવું જરુરી છે. સમાજ જીવન પર પ્રભાવ પાડનારા અનેક વિષયો પણ ચાણક્યએ પોતાના વિચારો રજૂ કર્યા છે જેને ચાણક્ય નીતિ કહેવામાં આવે છે. આ ચાણક્યનીતિ ખૂબજ જ્ઞાન સભર, કોઠાસૂઝ અને બુધ્ધિગમ્ય વિચારો માટે જાણીતી છે.