સાપનું ઝેર હૃદયરોગ, બ્લડપ્રેશર, કેન્સર જેવા રોગોની દવામાં ઉપયોગી, ગુજરાતમાં સાપની 50થી વધુ પ્રજાતિ
(PHOTO - ENVATO) |
Snake Venom Medicine: ચોમાસાની સાથે જ ગુજરાતમાં સર્પ દંશના કેસમાં પણ વધારો થવા લાગે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 43,000થી વઘુ વ્યક્તિને સાપ કરડી ચૂક્યા છે. સાપ કરડવાના સૌથી વધુ કેસ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. દર વર્ષે 16 જુલાઇના ‘વિશ્વ સાપ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. ચોમાસામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સાપ કરડવાની ઘટનાઓમાં વધારો થાય છે.
વલસાડના ધરમપુરમાં ‘સ્નેક રિસર્ચ સેન્ટર' કાર્યરત
ગુજરાતમાં સાપની 50થી વઘુ પ્રજાતિ જોવા મળે છે. સાપના ઝેરનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાય છે, જે હૃદયરોગ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવા રોગોની સારવારમાં ખૂબ ઉપયોગી નીવડે છે. જે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ‘સ્નેક રિસર્ચ સેન્ટર' કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં સાપના ઝેર દ્વારા એન્ટી-વેનમ અને અન્ય દવાઓ બનાવવા માટે અનેક સંશોધન કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં સાપની 50થી વધુ પ્રજાતિઓ
સાપના સંરક્ષણ-સંવર્ધન માટે અનેક પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેમજ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવેલા સર્પગૃહ ખાતે લાખો મુલાકાતીઓને નાગ, કાળોતરો, ફુરસો અને ખળચિતડો જેવા ઝેરી તથા અજગર, ધામણ, ભમ્ફોડી, આંધળી ચાકળ જેવા બિનઝેરી સાપોની ઓળખ આપી અને તેમનું મહત્ત્વ સમજાવવામાં આવે છે.
સાપનું રક્ષણ કરવું એટલે પર્યાવરણનું રક્ષણ કરવું, જેને સાર્થક કરવા વન વિભાગ દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સાપ બચાવ ટીમ ગોઠવવામાં આવી છે. આ ટીમ દ્વારા સાપોને સુરક્ષિત રીતે પકડીને તેમના કુદરતી આવાસમાં મુક્ત-છોડી મૂકવામાં આવે છે.
વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા 1 વર્ષમાં 492 સાપનું રેસ્ક્યુ
વન વિભાગ સંચાલિત વાઇલ્ડ લાઈફ કેર સેન્ટર થકી અમદાવાદ શહેરી વિસ્તારની આસપાસથી છેલ્લા એક વર્ષ દરમિયાન 1 જુલાઈ, 2024 થી 30 જૂન, 2025 સુધીમાં અંદાજે 492 જેટલા સાપને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરી કરવામાં આવી છે. સરીસૃપ વર્ગમાં આવતા સાપની વિશ્વભરમાં લગભગ 3000થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. સાપ મુખ્યત્વે ઝેરી અને બિનઝેરી એમ બે પ્રકારના હોય છે.
ગુજરાતમાં જોવા મળતાં ઝેરી સાપને કેવી રીતે ઓળખવા?
નાગ: કોબ્રા
આ સૌથી ઝેરી સાપમાંથી એક છે. કોબ્રાનો રંગ કાળો તથા ઘેરા બદામી રંગ સુધીના વિવિધ રંગોમાં જોવા મળે છે. તે જ્યારે ફેણ ફૂલાવે ત્યારે ફેણમાં ચશ્મા અથવા ત્રિશુળ જેવો આકાર જોવા મળે છે. ઘણી વખત આવો આકાર જોવા ન મળે અને માત્ર ફેણ જ ચડાવેલો સાપ હોય તો તે પણ કોબ્રા અથવા નાગ જ હોય છે.
ફૂરસો: સો-સ્કેલ્ડ વાઇપર
આ ઝેરી સાપ ભારત દેશમાં લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. તેનો રંગ ભૂરો, આછો પીળો કે રેતી જેવો હોય છે. પીઠની બન્ને બાજુ નિસ્તેજ સફેદ રેખા હોય છે. આ સાપનું કદ ટૂંકું હોય છે, પરંતુ તેનું ઝેર ખતરનાક હોય છે.
ખડચિતળો: રસેલ્સ વાઇપર
આ સાપ અજગર જેવો દેખાય છે. તેથી ઘણા લોકોને જેના વિશે ગેરસમજ થાય છે. તેના શરીર પર ત્રણ સમાંતર સાંકળ જેવી રેખાઓ હોય છે અને તેનું મોં દેડકા જેવું હોય છે. તેના ફૂંફાડાનો અવાજ મરઘીના બચ્ચાના અવાજ જેવો હોય છે. આ સાપનું ઝેર પણ જોખમી.
કાળોતરો: ઇન્ડિયન ક્રેટ
ક્રેટની કેટલીક પેટા જાતિઓ પણ છે. એ પૈકીની ત્રણ ભારતમાં જોવા મળે છે. તેમાં સાદા ક્રેટ, પટ્ટાવાળા ક્રેટ અને કાળા ક્રેટનો સમાવેશ થાય છે. આ પ્રકારની સાપની લંબાઈ દોઢ મીટર સુધીની હોય છે. તેના માથાથી પૂંછડી સુધીમાં ભીંગડાંની સંખ્યા ઉત્તરોતર ઘટતી જતી હોય છે.
સાપ કરડે ત્યારે શું કરવું?
- ઝેરી સાપ મુખ્યત્વે પોતાના શિકાર અને માત્ર આત્મરક્ષા માટે જ ઝેર એટલે કે ડંખ મારે છે.
- સાપનો સામનો થાય તો શાંતિ જાળવવી અને ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું.
- વન વિભાગની હેલ્પલાઇન નંબર 1926 પર સંપર્ક કરવો.
- દંશગ્રસ્ત અંગને સ્થિર રાખવું અને તાત્કાલિક નજીકની હોસ્પિટલ પહોચીને ઉપચાર કરાવવો.
- સાપને ચીડવવો કે ખલેલ પહોંચાડવી નહીં.
- દંશ સ્થળે કાપવું કે ચૂસવું નહીં, તાંત્રિક અને ઘરગથ્થુ ઉપચાર પર નિર્ભર રહેવું નહીં.
- સાપને પકડવાનો કે મારવાનો પ્રયાસ કરશો નહીં, ‘વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ સાપને મારવો કે નુકસાન પહોંચાડવું ગુનો છે.