શું તમે પણ ઝડપથી થાકી જાઓ છો ? જાણો શું છે કારણ સ્ટેમિના ઓછી થવાનું
નવી દિલ્હી, 4 ડિસેમ્બર 2019, બુધવાર
શું તમે પણ સવારે કામ શરૂ કર્યા બાદ બપોર સુધીમાં થાકી જાઓ છો ? બપોરે જમ્યા બાદ સુસ્તી થઈ જાય છે અને પછી કોઈ કામ કરવામાં મન નથી લાગતું ? આવું થતું હોય તો તમને પણ વિચાર આવતો હશે કે અચાનકથી સ્ટેમિના ઘટી જવાનું કારણ શું છે ? તો આજે તમારા આ વિચારનું સમાધાન મેળવી લો.
સ્ટેમિના એટલે શરીરની ઊર્જા અને આંતરિક શક્તિ. સામાન્ય શબ્દોમાં કહીએ તો સ્ટેમિના ઓછી હોવી એટલે કોઈ વ્યક્તિ ખૂબ ઝડપથી શારીરિક કે માનસિક રીતે થાકી જાય. મોટાભાગના લોકો સ્ટેમિનાથી શારીરિક કાર્યો કરવાની ક્ષમતાને જ ઓળખે છે. પરંતુ સ્ટેમિના માત્ર શારીરિક ક્ષમતા નહીં પરંતુ માનસિક થાક સાથે પણ જોડાયેલું છે. સ્ટેમિના ઓછી થવાથી નીચે દર્શાવ્યાનુસાર લક્ષણો જોવા મળે છે.
1. દાદર ચઢવામાં થાક
2. થોડું ચાલવાથી પણ થાક લાગવો
3. લાંબા સમય સુધી શારીરિક કે માનસિક કામ ન કરી શકવું.
4. મહેનત કર્યા વિના પરસેવો થવો.
5. ભૂખ ન લાગવી અને વધારે ઊંઘ આવવી.
6. ચક્કર આવવા.
7. આંખથી ધુંધળુ દેખાવું.
8. હાથ અને પગમાં દુખાવો.
કારણ અને ઉપાય
1. રોજ 7થી 8 કલાકની ઊંઘ કરવી જરૂરી છે, ઊંઘ પૂરી ન થાય એટલે શારીરિક ક્ષમતા ઘટી જાય છે.
2. માનવ શરીરમાં 70 ટકા ભાગ પાણી રોકે છે. શરીરમાં પર્યાપ્ત પ્રમાણમાં પાણી ન હોય તો પણ શરીરમાં સમસ્યાઓ સર્જાવા લાગે છે.
3. આપણા શરીરમાં સૌથી વધારે એનર્જી કાર્બોહાઈડ્રેટથી આવે છે. તેથી ખોરાકમાં તેનું પ્રમાણ સંતુલિત રીતે જળવાય તે જરૂરી છે.
4. આયરન, પ્રોટીન અને અન્ય જરૂરી તત્વોની ખામીના કારણે પણ સ્ટેમિના ઘટી જાય છે. તેથી શરીરમાં આ તત્વોનું પ્રમાણ જળવાઈ રહે તેવો ખોરાક લેવો.