શું ભારતમાં કોરોના મહામારીથી મુત્યુનો કુલ આંક 8000 થી વધુ નહી હોય ?
- કેરલ, હરિયાણા અને પંજાબમાં કોરોના કેસ વધવાનો સમય પૂરો થયો છે
- ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન મધ્યપ્રદેશમાં કેસ વધવાનું અનુમાન
હૈદરાબાદ,28, મે, 2020, ગુરુવાર
મુખ્ય જન સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે ભારતમાં કોવિડ-19થી મોત પાંમનારા લોકોની સંખ્યા 8000થી વધારે હશે નહી, કેરલ,પંજાબ, હરિયાણામાં કોરોના વાયરસના કેસ વધવાનો સમય હવે નિકળી ગયો છે. ભારતીય જન સ્વાસ્થ્ય સંસ્થાન હૈદરાબાદના પ્રોફેસર જીવીએમ મૂર્તિએ કહયું કે કોવિડ-19 નો સામનો કરવા માટે ભારતને એક સરખી રીતે જોવું જોઇએ નહી કારણ કે રાજયો અને જિલ્લાઓની વસ્તી જુદી જુદી છે.
આરોગ્ય સુવિધા અને સાક્ષરતા પણ જુદા જુદા પ્રકારની છે. જુદા પ્રકારની સ્વાસ્થ્ય પ્રણાલીનું સ્તર જુદું જુદું છે આથી જે રાજયમાં અને જિલ્લામાં કોરોના કેસ વધતા કે ઘટતા હોય તેની જ ચોકકસ વાત કરવી પડે. કોરોના સંક્રમણની સ્થિતિને બધી જ જગ્યાએ એક સરખી લાગું પાડી શકાય નહી.
પ્રોફેસર મૂર્તિનું માનવું હતું કે 25 એપ્રિલ સુધી ભારતમાં 10 લાખની વસ્તીએ 17.6 કોરોના કેસ હતા હવે તે 25 મેએ વધીને 10 લાખે 99.1 કેસ થયા છે. 25 એપ્રિલે પ્રતિ 10 લાખે 61.9 કેસ હતા જે 25 મે એ વધીને પ્રતિ 10 લાખે 383 થયા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો 25 એપ્રિલ પ્રતિ 10 લાખ લોકોએ 23.4 કેસ હતા જે 25 મે એ વધીને 383 થયા છે. તમિલનાડુની વાત કરીએ તો 25 એપ્રિલે સુધી 23.4 કેસ હતા જયારે 25 મે એ વધીને 10 લાખે 199.9 થયા છે.
ગુજરાતની વાત કરીએ તો 25 એપ્રિલે પ્રતિ 10 લાખે 48.1 કેસ હતા જે 25 મેએ વધીને 219 થયા છે. દિલ્હીની વાત કરીએ તો 25 એપ્રિલે પ્રતિ 10 લાખે 140 હતા જે વધીને 25 મે એ 690 થયા છે. પીટીઆઇને જણાવ્યા અનુસાર એવું જણાય છે કે તમિલનાડુ, ગુજરાત અને દિલ્હીમાં કોરોના પોઝિટિવ કેસ વધવાના સ્તર ઉપર છે જયારે પંજાબ,હરિયાણા અને કેરલમાં કેસ કેસ વધે એ સમય જતો રહયો છે.
ભારતમાં નોંધાયેલા કોરોના સંક્રમણ કેસના 70 ટકા મહારાષ્ટ્ર, તમિલનાડુ,ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છે. આ રાજયોમાં જયાં સુધી કેસ વધતા રહેશે ત્યાં સુધી કોરોના સંક્રમણ અને મોતનો આંકડો વધતો જવાનો છે. વર્તમાન સ્થિતિ જોતા જુનની શરુઆત અને જુલાઇના મધ્ય સુધી રહી શકે છે. દેશમાં કોવિડ-19 થી થનારા મોત અંગે અનુમાન આપવામાં આવ્યું છે કે જો સારવારના દિશા નિર્દેશનું પાલન કરવામાં આવશે અને હોસ્પીટલમાં પૂરતી સગવડ મળશે તો કોવિડ-19 થી મુત્યુનો આંકડો 7500 થી 8000 જેટલો રહેવાની શકયતા છે એનો અર્થ કે પ્રતિ દસ લાખે 4 થી 5 લોકોના મોત થશે.