જીનેટિક ટીબીવાળા પશુઓનું દૂધ પીવાથી ટીબી થવાની શકયતા
ગંદો કચરો અને ખોરાક ખાતા પશુઓને જીનેટિક ટીબીનો ખતરો વધારે
દર વર્ષે ૧ લાખ ૨૦ હજાર જેટલા પશુઓને આ પ્રકારનો ટીબી થાય છે
એક સમયે એવું માનવામાં આવતું હતું કે પશુઓને થતા જીનેટિક ટીબીથી માણસને કોઇ જ ખતરો હોતો નથી પરંતુ મેકસિકોમાં થયેલા એક સંશોધન મુજબ ૨૮ ટકા કિસ્સાઓમાં ટીબી પશુઓમાંથી માણસમાં ફેલાઇ શકે છે. જયારે ભારતમાં જીનેટિક ટીબીના ફેલાવાની શકયતા ૯ ટકા જેટલી છે. વિશ્વમાં દર વર્ષે ૯૦ લાખ લોકોને ટીબી થાય છે,આથી અધૂરામાં પુરુ પશુઓને થતા જીનેટિક ટીબીએ પણ આ ખતરામાં વધારો કર્યો છે.એક માહિતી મુજબ દર વર્ષે ૧ લાખ ૨૦ હજાર જેટલા પશુઓને આ પ્રકારનો ટીબી થાય છે.
પશુઓને થતો જીનેટિક ટીબી માણસને થયો છે તે મોટાભાગના કિસ્સાઓમાં જાણી શકાતું નથી.આ અંગે ડોકટરો અને પશુ ચિકિત્સકોનું માનવું છે કે આ જીનેટિક ટીબીનો રોગ માત્ર દૂધ દ્વારા જ નહી ટીબીવાળા પશુઓના સંસર્ગમાં રહેવાથી પણ થઇ શકે છે.એક સમયે પશુઓમાં થતા ટીબીના રોગને જોખમી ગણવામાં આવતો ન હતો પરંતુ નવા સંશોધનો મુજબ પશુઓ દ્વારા પણ માણસોને ખતરો વધી રહયો છે.
પશુઓને આ જીનેટિક ટીબી ગંદો કચરો અને ખોરાક થવાથી થાય છે.પશુઓ દ્વારા માણસને થતા ટીબીના રોગનો ઇલાજ સામાન્ય ટીબી કરતા અઘરો હોવાથી જીનેટિક ટીબીના દર્દીની ખાસ સારવાર કરવી જરુરી છે.આ જીનેટિક ટીબી એક વાર ફેફસામાં અસર કરે તે પછી શરીરના બીજા ભાગોમાં પણ અસર કરે છે. આથી ટીબી અને ફેફસા સંબંધી રોગોના આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે સંકળાયેલા તબીબોનું પણ માનવું છે કે પશુઓને થતો જીનેટિક ટીબી દૂધ કે અન્ય રીતે માણસોમાં ના ફેલાય તેના પર પણ ધ્યાન આપવાની જરુરીયાત છે.