સમય પહેલા મેનોપોઝના કારણે મહિલાઓનેે વૃદ્ધાવસ્થામાં બિમારીઓનું જોખમ
અમદાવાદ,તા.22 જાન્યુઆરી 2020 બુધવાર
હાલમાં થયેલા એક સંશોધનમાં સાબિત થયું છે કે, જે મહિલાઓ સમય કરતા પહેલા મેનોપોઝ એટલે કે રજોનિવૃતિનો અનુભવ કરે છે તેમને ૬૦ વર્ષની ઉંમર બાદ સ્વાસ્થ્ય સંબંધી બિમારીઓનો વધારે સામનો કરવો પડે છે. યોગ્ય સમયે રજોનિવૃતિનો અનુભવ કરનાર મહિલાઓની સરખામણીમાં આવી મહિલાઓને વૃદ્ધાવસ્થામાં બિમારીનું જોખમ ત્રણ ગણું વધી જાય છે. હ્યુમન રિપ્રોડક્શનલ જર્નલમાં આ સંશોધન પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આ સંશોધન માટે કુલ ૫૧૦૭ મહિલાઓ પર અધ્યયન કરવામાં આવ્યું હતું. ૧૯૯૬ના વર્ષમાં આ મહિલાઓની ઉંમર ૪૫થી ૫૦ વર્ષ આસપાસ હતી. ત્યારબાદ ૨૦૧૬ સુધી આ મહિલાઓ પર અધ્યયન કરવામાં આવ્યું. જેમાં સંશોધકોએ જોયું કે જે મહિલાઓ ૫૦ વર્ષ પહેલા જ રજોનિવૃત થઇ જાય છે તેમને વધારે પડતી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે.
જેમાં ડાયાબિટીઝ, હાઇ બ્લડ પ્રેશર, હ્ય્દય રોગ, સ્ટ્રોક, શ્વાસ, ડિપ્રેશન વગેરેનો સમાવેશ થાય છે. સંશોધનમાં સામે આવ્યું કે જે મહિલાઓ સમય કરતા પહેલા રજો નિવૃત થઇ હતી તેવી ૭૧ ટકા મહિલાઓમાં આ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જોવા મળી હતી. આહાર, વ્યાયામ, વ્યસનથી બચવું વગેરે પર ધ્યાન આપવાથી મેનોપોઝને વહેલા આવતા અટકાવી શકાય છે.