માસિક અંગેના તમામ પ્રશ્નોનું છે અહીં સમાધાન, આ વાતોનું રાખવું ખાસ ધ્યાન
નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર 2019, રવિવાર
વર્તમાન સમયમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પુરુષોની સાથે સમોવડી બની ચાલતી જોવા મળે છે. એક મહિલા તેના જીવનમાં દીકરી, બહેન, પત્ની, વહૂ વગેરે બની સંબંધો અને ઘરની જવાબદારીઓનું પણ વહન કરે છે. આજે સમાજમાં સ્ત્રીની બહાદુરી માટે તેના વખાણ પણ થાય છે. જો કે આધુનિક સમાજમાં સ્ત્રીને એક બાબતે આજે પણ સમસ્યાનો સામનો કરવો પડે છે.
આ બાબત છે માસિકની. દર મહિને થતા પીરિયડ્સને લઈ આજે પણ સમાજમાં સ્ત્રીઓ મુક્ત મને ચર્ચા કરી શકતી નથી. આ કારણે માસિક અંગે તેમના પ્રશ્નોનું સમાધાન પણ મળી શકતું નથી. અધુરી જાણકારીને કારણે મહિલાઓ ગંભીર બીમારીનો ભોગ પણ બને છે. તો ચાલો આજે તમને જણાવીએ માસિક અંગેની દરેક સમસ્યાના સમાધાન વિશે.
માસિકની સમસ્યા શું છે ?
માસિક ધર્મ દર મહિને આવે છે. માસિક આવવાની શરૂઆત સામાન્ય રીતે 12 વર્ષની ઉંમરથી થાય છે અને તે 40થી 45 વર્ષની વય સુધી રહે છે. આ ઉંમર દરમિયાન મહિલાઓને નિયમિત માસિક આવે છે. આ એક કુદરતી પ્રક્રિયા છે.
આ દરમિયાન મહિલાઓને કેટલીક સમસ્યાઓ પણ થાય છે. જ્યારે યુવતી બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે તેના શરીરના હોર્મોન બને છે જે શરીરને સ્વસ્થ રાખે છે. આ હોર્મોન તેમના શરીરને ગર્ભધારણ માટે પણ તૈયાર કરે છે.
લક્ષણ
મહિલાઓને દર મહિને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કેટલીક મહિલાઓને માસિક સમયે ઓછી સમસ્યા થાય છે વળી કેટલીક મહિલાઓને વધારે સમસ્યા થાય છે. માસિક આવે તે પહેલા કેટલાક લક્ષણો જોવા મળે છે.
જેમ કે મૂડ સ્વિંગ્સ થવા, મહિલાઓને પેટમાં, પીઠમાં, પેડુમાં દુખાવો થાય છે. વળી કેટલાકને ખીલ થાય છે, ભૂખ ઓછી લાગવી, થાક લાગવા જેવી તકલીફો થાય છે. માસિક ધર્મ પૂરો થાય તે તેમનું સ્વાસ્થ્ય નોર્મલ થઈ જાય છે.
મહિલાઓએ આ રીતે રહેવું સાવધાન
માસિક દરમિયાન મહિલાઓ જો સાવધાની ન રાખે તો તેમને ગંભીર બીમારી થઈ શકે છે. માસિક દરમિયાન સૌથી પહેલા તો સફાઈ અને હાઈજીનનું ધ્યાન રાખવું જરૂરી છે. સરકાર પણ તેના પર ખાસ કેંપેન ચલાવે છે. અલગ અલગ સંસ્થાઓ પણ મહિલાઓ માટે જાગૃતિ અભિયાન ચલાવે છે.
માસિક દરમિયાન મહિલાઓએ સેનેટરી નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ. તે ઉપરાંત કોટનનું સાફ કપડું જ ઉપયોગમાં લેવું. માસિકના શરૂઆતના બે દિવસ કસરત કરવી નહીં, માસિક સમયે કોફીનું સેવન કરી શકાય છે. મહિલાઓને પેટમાં દુખાવો રહેતો હોય તો પેનકિલર દવા લેવાના બદલે ગરમ પાણીથી શેક કરવો.
બાળકીઓને સમજણ આપો
10થી 11 વર્ષની ઉંમરમાં બાળકીઓને માસિક અંગે યોગ્ય જાણકારી આપવી. તેમને બરાબર રીતે સમજાવવું જેથી પહેલા માસિક સમયે તે ગભરાઈ ન જાય. શાળાએ જતી બાળકીઓને પણ બરાબર રીતે જાણકારી આપવી જેથી શાળાએ તેમને પહેલું માસિક આવે તો તેને શું કરવું તેની જાણકારી હોય. બાળકીઓને સ્વચ્છતા વિશે ખાસ સમજણ આપવું.