હેરિટેજ મોન્યુમેન્ટ નજીક ત્રણ દરવાજા પાસે છ માળનું બિલ્ડિંગ તોડી પાડવા રહીશો દ્વારા પિટીશન
રહીશોએ પિટીશન કરી અમદાવાદ મ્યુનિ.તંત્રને સકંજામાં લીધુ
અમદાવાદ,શુક્રવાર,7 માર્ચ,2025
અમદાવાદના ત્રણ દરવાજા પાસે હેરિટેજ મોન્યુમેન્ટથી ૫૦ મીટર
દુરના અંતરે છ માળનું ગેરકાયદે બિલ્ડિંગ બાંધી દેવાતા સ્થાનિક રહીશોએ ગુજરાત
હાઈકોર્ટમાં આ ગેરકાયદે બાંધકામ તોડવા પિટીશન કરી છે. રહીશોએ કરેલી પિટીશનમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ સકંજામાં લીધુ છે.લીગલ કમિટીએ આ ગેરકાયદે
બાંધકામ તોડી પાડવા મધ્યઝોન એસ્ટેટ વિભાગને સુચના આપી છે.
ત્રણ દરવાજા પાસે આવેલા ફુલગલી મહોલ્લામાં છ માળનું
ગેરકાયદેસર બિલ્ડિંગ બનાવાતા સ્થાનિક રહીશોએ વર્ષ-૨૦૨૪માં ગેરકાયદે બાંધકામ તોડવા
હાઈકોર્ટમાં પિટીશન કરી છે.પિટીશનમાં ડેવલપર તારીક ગુલામ મનસૂરી ઉપરાંત હાફિઝ
મનસૂરી, ઈમરાન
મનસૂરીની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ વિભાગ સામે રહીશોએ હાઈકોર્ટ સમક્ષ
દાદ માંગી છે.આ બાંધકામને એસ્ટેટ વિભાગે વર્ષ-૨૦૧૮માં સીલ કર્યુ હતુ.ઉપરાંત ૨૫
જુન-૨૦૧૮ના રોજ આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.આ અગાઉ ડેવલપરો દ્વારા
કોર્ટમાં દાવો કરાયો હતો.જે પછીથી પરત ખેંચી લીધો હતો.લીગલ કમિટીએ બાંધકામ દુર
કરવા એસ્ટેટ વિભાગના અધિકારીઓને ગેરકાયદે બાંધકામ દુર કરવા સુચના આપી છે.