Get The App

ભારતીયોમાં વિટામિન B12, પ્રોટીન સહિત આ 5 પોષક તત્વોની સૌથી વધુ ઉણપ, ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
National Nutrition Week 2025


National Nutrition Week 2025: દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવે છે. આ સપ્તાહ મનાવવાનો હેતુ લોકોને પોષક તત્વોને આહારનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો અને આહારમાં પોષણ કઈ રીતે વધારી શકાય તે વિશે જણાવવાનો છે. ખોરાક ત્યારે જ સંતુલિત કહેવાય છે જ્યારે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હાજર હોય. જો શરીરને પૂરતું પોષણ ન મળે તો વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે. 

આ વખતે 'નેશનલ ન્યુટ્રિશન વીક'ની થીમ 'સારા જીવન માટે યોગ્ય આહાર ખાઓ' છે. આ સમગ્ર અઠવાડિયાનો હેતુ લોકોને સંતુલિત આહારનું મહત્ત્વ સમજાવવાનો અને બાળપણથી જ પોષણની ઉણપને રોકવાનો છે. આજે એ વિટામિન્સ વિશે જણાવીશું, જેની ઉણપથી ભારતીયો સૌથી વધુ પીડાય છે. આ સાથે જ, આ ઉણપને દૂર કરવાના કેટલાક સરળ ઉપાયો પણ જોઈએ.

1. આયર્નની ઉણપ

લોહી બનાવવા અને શરીરને એક્ટિવ રાખવા માટે આયર્ન ખૂબ જ જરૂરી છે. ભારતમાં, આયર્નની ઉણપ ખૂબ જ સામાન્ય છે, ખાસ કરીને મહિલાઓમાં. NFHS-4 દ્વારા થોડા વર્ષો પહેલાં કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે 53% મહિલાઓ અને 23% પુરુષો એનિમિયાથી પીડિત હતા.

જો તમારા શરીરમાં આયર્નની ઉણપ છે તો તમને નબળાઈ અને થાકનો અનુભવ થઈ શકે છે. તેની ઉણપ પૂરી કરવા માટે તમે તમારા આહારમાં કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી અને સુકા મેવાનો સમાવેશ કરી શકો છો.

2. વિટામિન B12ની ઉણપ

વિટામિન B12 રેડ બ્લડસેલના ઉત્પાદન, ઊર્જા અને નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે મુખ્યત્વે ડેરી ઉત્પાદનોમાંથી મળે છે. ભારતમાં 47% લોકોમાં તેની ઉણપ છે, જેનું એક મુખ્ય કારણ શાકાહાર છે. વિટામિન B12ની ઉણપથી થાક, નબળાઈ અને નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

3. પ્રોટીનની ઉણપ

પ્રોટીનને શરીરનો 'બિલ્ડિંગ બ્લોક' કહેવાય છે. આપણા શરીરને દરરોજ વજનના કિલોગ્રામ દીઠ 0.8 થી 1 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. પ્રોટીનની ઉણપથી થાક, નબળાઈ અને કાર્યક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. તેની ઉણપ પૂરી કરવા માટે ડેરી ઉત્પાદનો, કઠોળ, સુકા મેવા અને સોયા જેવી વસ્તુ ડાયટમાં સામેલ કરવી જોઈએ.

આ પણ વાંચો: જમ્યા બાદ ચાવી લો આ પાંદડું, પેટ રહેશે સ્વસ્થ અને વજન પણ ઘટશે

4. વિટામિન Dની ઉણપ

વિટામિન D કેલ્શિયમનું શોષણ, હાડકાંની મજબૂતી અને રોગપ્રતિકારક શક્તિ માટે અગત્યનું છે. ભારતમાં 70-90% લોકોમાં તેની ઉણપ જોવા મળે છે, જેનું મુખ્ય કારણ સૂર્યપ્રકાશનો ઓછો સંપર્ક છે. વિટામિન Dની ઉણપથી હાડકાં નબળાં પડે છે અને સાંધાનો દુખાવો થઈ શકે છે. તેની પૂર્તિ માટે ડેરી ઉત્પાદનોનું સેવન કરવું અને સવારના સૂર્યપ્રકાશમાં  રહેવું લાભદાયી છે.

5. ફોલેટની ઉણપ

ફોલેટ રેડ બ્લડસેલ અને DNAના ઉત્પાદન માટે અત્યંત મહત્ત્વનું છે, ખાસ કરીને બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે. એક સર્વે મુજબ ભારતમાં 40-60% બાળકો અને કિશોરો ફોલેટની ઉણપથી પીડાય છે. આ ઉણપને દૂર કરવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, ખાટા ફળો, રાજમા, કઠોળ જેવો ખોરાક ખાવા જોઈએ.

ભારતીયોમાં વિટામિન B12, પ્રોટીન સહિત આ 5 પોષક તત્વોની સૌથી વધુ ઉણપ, ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ 2 - image

Tags :