National Doctor's Day 2020 : જાણો, કેમ આજના દિવસે ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે?
- ડૉક્ટર્સના સમર્પણ પ્રત્યે સન્માન અને આભાર વ્યકત કરવા દર વર્ષે 1 જુલાઇના રોજ આ દિવસ મનાવવામાં આવે છે
નવી દિલ્હી, તા. 01 જુલાઇ 2020, બુધવાર
ડૉક્ટર્સ જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહેલા દર્દીઓને ન માત્ર સારવાર આપે છે, પરંતુ તેમને એક નવું જીવન પણ આપે છે. એટલા માટે તેમને ધરતી પર ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. તેઓ કેટલાય લોકોને નવું જીવન આપે છે. ડૉક્ટર્સના સમર્પણ અને ઇમાનદારી પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે દર વર્ષે 1 જુલાઇના રોજ નેશનલ ડૉક્ટર્સ ડે મનાવવામાં આવે છે. દેશના જાણિતા ડૉક્ટર બિધાન ચંદ્ર રોયને શ્રદ્ધાંજલિ અને સન્માન આપવા માટે તેમની જ્યંતી અને પુણ્યતિથિ પર ડોક્ટર્સ ડે મનાવવામાં આવે છે. તેમનો જન્મ 1 જુલાઇ 1882માં બિહારના પટના જિલ્લામાં થયો હતો.
કોલકતામાં મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડો. બિધાન ચંદ્ર રોયે એમઆરસીપી અને એફઆરસીએસની ડિગ્રી લંડનથી હાંસલ કરી હતી. વર્ષ 1911માં તેમણે ભારતમાં ડૉક્ટર તરીકે પોતાના જીવનની શરૂઆત કરી હતી. તેઓ કોલકતા મેડિકલ કોલેજમાં લેક્ચરર બન્યા. ત્યાંથી તેઓ કેમ્પલેબ મેડિકલ સ્કૂલ અને ત્યારબાદ કારમિકેલ મેડિકલ કોલેજ ગયા.
કોણ હતા ડો. બિધાન ચંદ્ર રોય?
ડો. બિધાનચંદ્ર રોયે તબીબી ક્ષેત્રે ઘણું મોટુ યોગદાન આપ્યું છે. તેમણે લંડનની પ્રતિષ્ઠિત સેન્ટ બાર્થોલોમ્યૂ હોસ્પિટલથી ડૉક્ટરનો અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સમયે તેમના ભારતીય હોવાને કારણે તેમને કોલેજમાં પ્રવેશ મળી શક્યો ન હતો. બિધાનચંદ્રે હાર ન માની અને લગભગ દોઢ મહિના સુધી ડીનને અરજી કરતા રહ્યા, છેવટે ડીને હાર માનીને તેમની 30મી અરજી સ્વીકારી લીધી. પોતાની કર્મનિષ્ઠાને કારણે બિધાનચંદ્ર રોયે સવા બે વર્ષમાં જ ડિગ્રી મેળવીને એક સાથે ફિજિશિયન અને સર્જનની રોયલ કોલજનું સભ્યપદ હાંસલ કર્યુ. આમ કરવું ઘણા ઓછો લોકો માટે શક્ય બને છે.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડોક્ટર રોયે ભારત આવીને તબીબી ક્ષેત્રે વિસ્તૃત કામ કર્યુ હતુ. ડૉક્ટર બિધાનચંદ્રનો જન્મ 1 જુલાઇ, 1882માં થયો હતો અને તેમનું અવસાન પણ 1 જુલાઇના દિવસે જ વર્ષ 1962માં થયું હતું. આ જ મહાન ફિઝિશિયન ડો. બિધાન ચંદ્ર રોય પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી પણ બન્યા હતા અને તેમને તેમના વિઝનરી નેતૃત્વ માટે પશ્ચિમ બંગાળ રાજ્યના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. વર્ષ 1961માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કેવી રીતે થઇ ડોક્ટર્સ ડેની શરૂઆત?
ભારતમાં આ દિવસની શરૂઆત 1991માં ભૂતપૂર્વ સરકાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 1 જુલાઇના રોજ નેશનલ ડૉક્ટર્સ ડે મનાવવામાં આવે છે. ભારતના મહાન ડૉક્ટર અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રીને સન્માન અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.
નેશનલ ડોક્ટર્સ ડેનું મહત્ત્વ
નેશનલ ડોક્ટર્સ ડે વધુ મહત્ત્વ ધરાવે છે. આ દિવસ મનાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે ડોક્ટર્સના યોગદાન માટે તેમનો આભાર વ્યક્ત કરવાનો છે. ભારતની મેડિકલ સુવિધાઓ સુધારવામાં ડોક્ટર્સની મહત્ત્વની ભૂમિકા રહી છે. આજે આપણો દેશ કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે સક્ષમ છે તો તેમાં દેશના ડૉક્ટર્સનું ખૂબ જ મોટું યોગદાન છે. ગત વર્ષે ડોક્ટર ડેની થીમ 'ડૉક્ટર્સ સામેની હિંસા પ્રત્યે શૂન્ય સહનશીલતા' રાખવામાં આવી હતી. કેન્દ્ર સરકારે વર્ષ 1991માં આ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી.