શું તમે તો પાણી પીતા વખતે આ ભૂલો નથી કરતાં ને!
- પાણી આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે
નવી દિલ્હી, તા. 08 જુલાઇ 2020, બુધવાર
પાણી આપણા શરીરનું એક મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે, જે 60 ટકા પ્રવાહી પદાર્થના સ્વરૂપમાં આપણા શરીરમાં હોય છે. બધી મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની પ્રક્રિયાઓ માટે માનવીય શરીરમાં પાણીની જરૂર પડે છે. પાણી આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે, આ જ કારણ છે કે ડોક્ટર પણ પર્યાપ્ત પાણી પીવાની સલાહ આપે છે, પરંતુ પાણી પીતી વખતે આપણે અને આપણામાંથી મોટાભાગના લોકો એક જ પ્રકારની ભૂલો કરતા હોય છે. આ પાંચ ભૂલો કઇ છે તેના વિશે જાણો...
1. ઉભા રહીને પાણી ન પીવું જોઇએ
એક રિપોર્ટ અનુસાર, ઉભા રહીને પાણી ન પીવું જોઇએ, તેનાથી નુકશાન થાય છે જે વ્યક્તિ સ્પષ્ટ જોઇ શકતો નથી. આયુર્વેદ અનુસાર, જ્યારે તમે ઉભા રહીને પાણી પીઓ છો ત્યારે તમને પાણીમાંથી પોષક તત્ત્વ મળતા નથી કારણ કે ઉભા રહીને પાણી પીવાથી તેનું સર્ક્યુલેશન ઘટી જાય છે. ઉભા રહીને પાણી પીવું તમારા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઇ શકે છે.
2. ખૂબ જ ઝડપથી અને વધારે પ્રમાણમાં પાણી ન પીશો
પાણીને એકદમથી ગટગટાવી જવાથી તેનો હેતુ સિદ્ધ નથી થતો. ઝડપથી પાણી પીવાથી તેમાં રહેલી અશુદ્ધીઓ બહાર નિકળવાની જગ્યાએ કિડની અને મૂત્રાશયમાં જમા થઇ જાય છે. પરંતુ ધીમે-ધીમે પાણી પીવાથી અને નાના ઘૂંટડા પીવાથી તમારું પાચનતંત્ર મજબૂત થાય છે અને તમારી ચયાપચયની ક્રિયા સુધારવામાં મદદ મળે છે.
3. ભોજન ગ્રહણ કરવાના ઠીક પહેલા અથવા પછી પાણી ન પીશો
જ્યારે તમે જમવાના ઠીક પહેલા પાણી પી લો છો તો તમે સરખી રીતે જમી શકતા નથી. તેનાથી તમારું પેટ ભરેલુ હોય તેવો અનુભવ થવા લાગે છે. જો તમે સરખી રીતે જમશો નહીં તો તમારા શરીરને પર્યાપ્ત પોષણ મળી શકતું નથી. જો તમે જમ્યાના તુરંત બાદ પાણી પી લો છો તો તે તમારી પાચનક્રિયામાં અડચણ પેદા કરી શકે છે. જેનાથી કબજિયાત અને ઉબકા જેવી સમસ્યા પણ ઉદ્દભવી શકે છે.
4. ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી પીવું યોગ્ય નથી
મોટાભાગના લોકો પર્યાપ્ત પ્રમાણમાં પાણી નથી પીતા, પરંતુ કેટલા લોકો એવા છે જે પાણી પીતા રહે છે. જ્યારે પાણીની વાત આવે તો કેટલાક્લોકો અતિશય પાણી પી લે છે, પરંતુ આ પ્રકારે વધુ પડતુ પાણી પીવું પણ યોગ્ય નથી. કારણ કે વધુ પડતું પાણી પીવાથી સ્વાસ્થ્યને કોઇ લાભ પહોંચતું નથી. વધારે પાણી પીવાથી હાઇપોનેટ્રેમિયા થઇ શકે છે, જેને પાણીનો નશો પણ કહેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં શરીરમાં સોડિયમનું સ્તર ઘટી શકે છે જેનાથી મસ્તિષ્કમાં સોજો, કોમા અને આંચકી આવી શકે છે.
5. વર્કઆઉટ દરમિયાન આવી રીતે પાણી પીઓ
ઘણા બધા લોકોને વર્ક આઉટ દરમિયાન પાણી પીવાનું આવડતુ નથી. તેના કારણે માથાનો દુખાવો થઇ શકે છે. વર્કઆઉટ કરવાના અડધા કલાક પહેલા ઓછામાં ઓછું 250 મિલી પાણી પીવું જોઇએ. તમારે વર્કઆઉટ વચ્ચે પણ પાણી પીતા રહેવું જોઇએ.