વિશ્વમાં ૧ અબજ ને ૧૩ કરોડ લોકોને હાઇ બીપી છે
બે દાયકામાં બ્લડ પ્રેશરના દર્દીઓમાં ૫૯ કરોડ લોકોનો વધારો
૨૦ કરોડથી પણ વધુ દર્દીઓ માત્ર ભારતમાં જ છે.
લોહીનું ઉંચું દબાણ શરીરમાં અનેક સમસ્યાઓ ઉભી કરે છે ત્યારે દુનિયામાં ભાગદોડભરી જિંદગીમાં ૧ અબજને 13 કરોડ લોકો હાઇ બ્લડપ્રેશર ધરાવે છે. નવાઇની વાત તો એ છે કે છેલ્લા ચાર દાયકામાં બ્લડ પ્રેશરની તકલીફ ધરાવતા લોકોની સંખ્યામાં બમણો વધારો થયો છે.
કેટલાક ને તો પોતે બ્લડ પ્રેશરની બીમારી ધરાવે છે એ અંગે પણ ખ્યાલ હોતો નથી, જયારે મેડિકલ ચેક અપ કરાવે ત્યારે અચાનક જ ધ્યાનમાં આવતું હોય છે. એક સ્ટડીમાં રસપ્રદ તારણ એ નિકળ્યું કે મહિલાઓ કરતા પુરુષોમાં બ્લડપ્રેશરની બીમારી વધારે જોવા મળે છે. દુનિયામાં ૬૦ કરોડ પુરુષો અને ૫૨ કરોડ મહિલાઓને બ્લડ પ્રેશરની બીમારી છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા બે દાયકામાં બ્લડ પ્રેશરના દર્દીઓમાં ૫૯ કરોડ લોકોનો વધારો થયો છે. જેમાંથી પુખ્ત વયના ૨૫ કરોડ લોકો દક્ષિણ એશિયાના દેશોમાં રહે છે. જે દુનિયાના કુલ દર્દીઓના ૨૩ ટકા છે.
આ દર્દીઓમાં ૨૦ કરોડથી પણ વધુ દર્દીઓ માત્ર ભારતમાં જ છે. જયારે ૨૪ કરોડ લોકો પૂર્વ એશિયા અને ૨૨ કરોડ લોકો ચીનમાં વસવાટ કરે છે. જો કે હાઇ બીપીની બીમારી યુરોપ અને ઉત્તર અમેરિકાના દેશોમાં પ્રમાણમાં ઓછી જોવા મળે છે.
આજે પણ યુકે,કેનેડા અને સ્વીડન જેવા દેશોમાં બ્લડ પ્રેશરની બીમારીને ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે. લંડનની ઇમ્પીરીયલ કોલેજના પ્રોફેસર અને સંશોધકનું માનવું છે કે બ્લડ પ્રેશરની બીમારીને ગરીબી અને સંઘર્ષ સાથે પણ સંબંધ છે.
સોલ્ટનો વધુ ઉપયોગ, જાડાપણું, અનિયમિત કસરત અને લાઇફ સ્ટાઇલ પણ જવાબદાર છે. નાનપણમાં પોષકતત્વો ધરાવતો ખોરાક ન મળ્યો હોય તેવા કિસ્સામાં પણ બ્લડ પ્રેશરનું જોખમ વધારે રહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનું લક્ષ્યાંક ૨૦૨૫ સુધીમાં બ્લડપ્રેશરની બીમારીથી ધરાવતા દર્દીઓની સંખ્યામાં ૨૫ ટકા જેટલો ઘટાડો કરવાનો છે.