Updated: May 17th, 2023
Image Source: Freepik
અમદાવાદ, તા. 17 મે 2023 બુધવાર
દર વર્ષે આજે એટલે કે 17 મે એ વર્લ્ડ હાઈપરટેન્શન ડે વિશ્વ સ્તરે મનાવવામાં આવે છે. આ દિવસ એટલા માટે મનાવવામાં આવે છે જેથી બ્લડ પ્રેશરને સમયસર માપી શકાય અને તેના નોર્મલ લેવલને જાણવાના મહત્વ પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવી શકે.
હાઈપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરથી મોટાભાગના લોકો ગ્રસ્ત છે. આને સમયસર કંટ્રોલ કરવામાં ના આવ્યુ તો આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની રિપોર્ટ અનુસાર હાઈપરટેન્શન માત્ર વૃદ્ધ વ્યક્તિઓમાં જ નથી હોતો પરંતુ તે 20થી 44 વર્ષના લગભગ 4 માંથી 1 વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હોય છે. છેલ્લા 30 વર્ષો દરમિયાન હાઈપરટેન્શનના મામલામાં લગભગ 97 ટકાનો વધારો થયો છે.
હાઈપરટેન્શનથી હૃદય પર ગંભીર અસર પડે છે
એક ડોક્ટરના જણાવ્યા અનુસાર હાઈપરટેન્શનના કારણે હૃદય પર ગંભીર અસર પડે છે. બ્લડ પંપ પર વધુ પ્રેશર આપવાના કારણે હૃદયની માંસપેશીઓ મોટી થવા લાગે છે અને બ્લડ શરીર સુધી એકદમ ધીમે-ધીમે પહોંચે છે. દરમિયાન દર્દીને ઓક્સિજનની ઉણપ થવા લાગે છે અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ ખૂબ વધી જાય છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે આપણે તણાવ રહિત જીવનશૈલીની સાથે બ્લડ પ્રેશર પર પણ નિયંત્રણ રાખવુ જરૂરી છે જેથી આપણે હાઈપરટેન્શનનો શિકાર ના થઈએ.
નિયમિત વ્યાયામ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો
હાઈપરટેન્શનની અસર આપણા હૃદય પર ખૂબ જ ઘાતક રૂપમાં થાય છે અને દરમિયાન આપણે ખૂબ સાવધાની રાખવાની જરૂર છે. આના લક્ષણોને ઓળખવા પણ ખૂબ જરૂરી છે જેમ કે માથાનો દુખાવો, માથુ ચકરાવુ, થાક અને સુસ્તી, હૃદયના ધબકારા વધવા, છાતીમાં દુખાવો, શ્વાસ ઝડપી થવો અને શ્વાસ લેવામાં તકલીફ પડવી, આંખોથી ધૂંધળુ દેખાવુ જે માનસિક તણાવ, અપૂરતી ઊંઘ અને અયોગ્ય ખાણી-પીણીના કારણે થાય છે. હાઈપરટેન્શનથી બચવા માટે ધ્રૂમ્રપાન અને દારૂના સેવનથી બચો, નિયમિત વ્યાયામ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. આ સાથે જ જો કોઈ પણ પ્રકારના હાઈપરટેન્શન સાથે જોડાયેલા ગંભીર લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.