સરગવો છે સૌથી પૌષ્ટિક આહાર, વિશ્વાસ ન હોય તો વાંચી લો તેના ફાયદા
અમદાવાદ, 2 ડિસેમ્બર 2018, રવિવાર
સરગવાની સિંગ જેને લોકો ખાવામાં પસંદ કરતા નથી તે અન્ય આહારની સરખામણીમાં સૌથી વધારે પૌષ્ટિક છે. તેમાં પણ બાળકોને તો સરગવાનું શાક ખાવાની વાત આવે તો તેમનું મોં પડી જાય છે. સરગવાની સિંગ સ્વાદિષ્ટ ભલે ન લાગે પરંતુ સ્વાસ્થ્ય માટે તો અમૃત સમાન છે. જી હાં કદાચ તમે જાણતા નહીં હોય પરંતુ વર્ષ 2008માં તેને પ્લાંટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે. સરગવાને દેશના અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તેનું બોટનિકલ નામ મોરિગા ઓલિફેરા છે.
સરગવાની સિંગ આપણા શરીરની પોષકતત્વોની જરૂરીયાતને પૂરી કરે છે. કેન્સર, ડાયાબિટીસ, એનીમિયા, એલર્જી, અસ્થમા, પેટનો દુખાવો, કબજિયાત જેવી અનેક બીમારી માટે આ શાક દવાનું કામ કરે છે. એટલું જ નહીં શરીરના કોઈ ભાગમાં સોજો હોય તો તેને દૂર કરવામાં પણ સરગવો ઉપયોગી સાબિત થાય છે. જો કોઈ વ્યક્તિ વધતા વજનથી પીડિત હોય તો તેણે પણ તેના ખોરાકમાં સરગવાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વધતા વજનની સમસ્યા પણ ફટાફટ દૂર થઈ જાય છે.
સરગવામાં કેળા કરતાં અનેક ગણુ વધારે પોટેશિયમ હોય છે, તેમાં ગાજર કરતાં વધારે વિટામીન એ, દૂધ કરતાં વધારે કેલ્શિયમ અને દહીં કરતા વધારે પ્રોટીન હોય છે. આ જાણકારી પરથી એટલું તો તમે જાણી જ લીધું હશે કે એક સરગવો આપણા શરીર માટે કેટલો ઉપયોગી સાબિત થાય તેમ છે.
આપણા શરીર માટે જરૂરી વિટામીન એ, બી, સી અને બી કોમ્લેક્સ તો સરગવામાં હોય જ છે. પરંતુ તેની સાથે તે એન્ટી ઓક્સીડેંટ, પ્રોટીન, કેલ્શિયમથી પણ ભરપૂર છે. તેનાથી પથરીની સમસ્યા પણ દૂર થઈ શકે છે. ખાસ વાત એ છે કે તેનાથી બ્લડ પ્રેશર કાબૂમાં રહે છે અને ત્વચા પણ સુંદર રહે છે.