હેપેટાઈટિસ A થી E સુધીના પ્રકારમાં સૌથી ખતરનાક છે C, જાણો વિગતો
નવી દિલ્હી, 10 જૂન 2019, સોમવાર
હેપેટાઈટિસ લિવર સાથે જોડાયેલો રોગ છે. જે વાયરલ ઈંફેકશનથી થાય છે. આ રોગ થવાથી લિવર પર સોજો આવે છે અને બળતરા થાય છે. આ રોગના પાંચ પ્રકાર છે જેમાં હેપેટાઈટિસ A, B, C, D, Eનો સમાવેશ થાય છે. તેમાં ટાઈપ બી તેમજ સી સૌથી ઘાતક છે. તેના કારણે લિવર સિરોસિસ અને કેન્સર થાય છે.
હેપેટાઈટિસમાં એથી માંડી ઈ સુધીના પ્રકારમાં હેપેટાઈટિસ B માટે ઓરલ દવાઓ મળે છે જ્યારે હેપેટાઈટિસ C માટે ઈંજેક્શન આપવામાં આવે છે. પરંતુ હવે હેપેટાઈટિસ C માટે પણ ઓરલ દવાઓ માર્કેટમાં મળી રહી છે. આ ઈંજેકશનની સરખામણી સસ્તી છે અને 90 ટકા સુધી અસરકારક હોય છે.
હેપેટાઈટિસ સી માટે અત્યાર સુધી ટેગ્લો ઈંટરફેરોન ઈંજેકશન આપવામાં આવતા. જો કે આ ઈંજેકશન લીધા પછી પણ હેપેટાઈટિસમાંથી દર્દીને સ્વસ્થ થતા 1 વર્ષનો સમય લાગે છે અને 100માંથી માત્ર 60 જેટલા દર્દીની જ તબીયત સુધરતી. પરંતુ જે દવાની શોધ થઈ છે તે દર્દીએ રોજ લેવાની હોય છે અને તેનાથી દર્દી 12 અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે.
હેપેટાઈટિસ A
દૂષિત ભોજન અને પાણી શરીરમાં જવાથી થાય છે. લિવર, હાથ, પગમાં સોજા, ભૂખ ન લાગવી, તાવ આવવો, ઉલટી થવી તેમજ સાંધામાં દુખાવો થાય છે.
હેપેટાઈટિસ B
વાયરસ સંક્રમિત રક્ત, થૂક, યૂરિનના માધ્યમથી ફેલાય છે. લિવર પર અસર થાય તો રોગીને ઉલટી, થાક, પેટમાં દુખાવો, ત્વચાનો રંગ પીળો થવો જેવા લક્ષણો દેખાય છે. આ બીમારી ગંભીર થાય તો લિવર સિરોસિસ તેમજ કેન્સર થઈ જાય છે.
હેપેટાઈટિસ C
હેપેટાઈટિસ સી સૌથી ખતરનાક વાયરસ છે. આ વાયરસ શરીર પર ટેટૂ કરાવવાથી, દૂષિત રક્ત શરીરમાં જવાથી, બીજાની શેવિંગ કીટનો ઉપયોગ કરવાથી થાય છે. આ બીમારીના લક્ષણો ગંભીર સ્થિતી સર્જાય ત્યારબાદ જ જોવા મળે છે.
હેપેટાઈટિસ D
હેપેટાઈટિસ ડી થવાથી દર્દીને ઉલટીઓ થાય છે તેમજ સામાન્ય તાવ રહે છે.
હેપેટાઈટિસ E
દૂષિત ખોરાકથી ફેલાય છે. જો કે ભારતમાં આ રોગના કેસ ઓછા જોવા મળે છે. આ બીમારીમાં દર્દીને થાક, વજન ઘટવું, ત્વચા પીળી થવી અને તાવ આવવા જેવી સમસ્યા થાય છે.
સ્વાસ્થ્ય પર રોગની અસર અને બચાવના ઉપાયો
શરીરમાં ઉપરોક્ત ફેરફાર જોવા મળે તો દર્દીના લિવર ફંકશનના ટેસ્ટ, પેટનું અલ્ટ્રાસાઉંડ તેમજ લિવરની બાયોપ્સી કરવામાં આવે છે. શરૂઆતના દિવસોમાં સાવધાની રાખી અને દવા કરવામાં આવે છે. આ ઉપરાંત જો રોગના લક્ષણ જોવા મળે તો ઘરની આસપાસ સફાઈ રાખવી. બાળકોને રસી અપાવવી, વ્યસન હોય તો તેને છોડી દેવું અને જેને રોગ હોય તેની વસ્તુઓનો ઉપયોગ ન કરવો.