લિવરમાં ગડબડ થવાથી થાય છે કમળો, જાણો લક્ષણો અને બચવાના ઉપાય
અમદાવાદ, 16 જુલાઈ 2019, મંગળવાર
ભોજન પચાવવામાં મદદ કરતું લિવર શરીરનું મહત્વનું અંગ છે. શરીરમાં થતી રાસાયણિક ક્રિયાઓ તેમજ પરિવર્તનોમાં તેનું વિશેષ યોગદાન હોય છે. જો લિવર યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં અનેક ગંભીર સમસ્યા થઈ શકે છે. આ સમસ્યામાં કમળો સૌથી પ્રમુખ છે. ઉનાળા તેમજ ચોમાસા દરમિયાન થતી આ બીમારીથી લિવર પ્રભાવિત થાય છે. આ એક ગંભીર રોગ છે તેથી જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો દર્દીનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. આપણું લિવર બરાબર રીતે કામ કરે તેના માટે જરૂરી છે કે આપણે ભોજન બરાબર રીતે ચાવીને ખાવું જોઈએ.
આહાર તરીકે આપણે જે પણ ગ્રહણ કરીએ છીએ તેનું પાચન થઈ એક રસ તૈયાર થાય છે અને તેનાથી રક્ત બને છે. રક્ત બનાવવાનું કામ લિવર કરે છે. લિવરની અંદર પિત્તાશય હોય છે અહીંથી બે વાહિની નીકળે છે જેમાંથી એક અમાશયમાં જાય અને બીજી રક્ત બનાવે છે. કોઈ કારણોસર અમાશયમાં જતી વાહિની બંધ થઈ જાય તો પાચનક્રિયા દરમિયાન અમાશયમાં થતું પિત્ત રક્તમાં ભળી જાય છે અને રક્ત બનતું બંધ થઈ જાય છે. તેના કારણે રોગીનું શરીર ધીરે ધીરે પીળું પળવા લાગે છે. આ બીમારીને કમળો કહેવામાં આવે છે.
કમળાના લક્ષણ
દર્દીની આંખ, મૂત્ર, નખ પીળા થવા લાગે છે. રોગ વધી જાય તો પરસેવો પણ પીળો થઈ જાય છે. ભૂખ લાગતી નથી અને ઉલટી થાય છે. શરીરમાં નબળાઈ વધવા લાગે છે અને સૂતી વખતે પડખું ફરવામાં પણ સમસ્યા થાય છે.
કમળાના રોગી માટે ઘરગથ્થુ ઉપચાર
1. રાત્રે એક લીટર પાણીમાં 10થી 12 પ્લમ અને 10થી 12 આમલી પલાળી દો. સવારે તેને સારી રીતે મસળી અને પાણીને ગાળી લો, તેમાં સાકર ઉમેરી અને દર્દીને દિવસમાં ત્રણ વાર તે પીવડાવો.
2. વરીયાળી અને સફેદ જીરું સમાન માત્રામાં લઈ શેકી લો. તેમાં સાકર ઉમેરી અને રોગીને અડધી અડધી ચમચી દિવસમાં ત્રણવાર આપો.
3. કુમારી આસવ તેમજ અમૃતારિષ્ટ જમ્યા બાદ 2 ચમચી દર્દીને પીવડાવો.
4. દર્દીને પ્રોટીનયુક્ત આહાર ખવડાવો અને ભરપૂર પ્રમાણમાં પાણી આપો.
5. દર્દીને બાફેલો અને હળદર વિનાનો ખોરાક આપો.
6. વાસી ખોરાક ન આપવો અને પાણી ઉકાળીને પીવું.
7. દર્દીને ચીકણા પદાર્થ, ટામેટા, પાલખ, બીટ, દાળ જેવી વસ્તુઓ ન આપવી.