Get The App

તમે જે આઈસ્ક્રીમ ખાવ છો, એ ખરેખર આઈસ્ક્રીમ છે ખરો? શબ્દોની ભ્રામક જાળમાં ગ્રાહકોને પીરસાતા જૂઠાણા પર હવે લાગશે રોક

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
તમે જે આઈસ્ક્રીમ ખાવ છો, એ ખરેખર આઈસ્ક્રીમ છે ખરો? શબ્દોની ભ્રામક જાળમાં ગ્રાહકોને પીરસાતા જૂઠાણા પર હવે લાગશે રોક 1 - image

Fake ice cream: છેલ્લા થોડા સમયથી ભારતમાં સ્વાસ્થ્ય જાળવવા માટે શું ખાવું જોઈએ અને શું નહીં, એ બાબતે સમજ આવી છે ખરી. તો પણ હજુ સમાજનો મોટો વર્ગ તૈયાર પેકેટોમાં ખરેખર શું હોય છે એ જાણવાની દરકાર કર્યા વિના એને પેટમાં પધરાવતો રહે છે. પ્લાસ્ટિક, પેપર કે ટીનના આકર્ષક પેકેજિંગ પર ઘણીવાર એવી ભ્રામક માહિતી લખી હોય છે કે ‘વાંચીને ખાનારો’ વર્ગ પણ ગેરમાર્ગે દોરાઈ જાય. ઉદાહરણ તરીકે, આઈસ્ક્રીમ જેવી દેખાતી અને સ્વાદ આપતી હરેક ચીજ ખરેખર આઈસ્ક્રીમ હોય જ એવું જરૂરી નથી. ‘પ્યોર આઈસ્ક્રીમ’ ને બદલે તમે ‘ફ્રોઝન ડૅઝર્ટ’ ખાતા હો, એવું પણ બને. આ મુદ્દે ગ્રાહકોને થતાં અન્યાયને રોકવા માટે હવે FSSAI કડક નિયમો લાગુ કર્યા છે. વિષયમાં સહેજ ઊંડા ઉતરીને સમજીએ કે ખાદ્ય પદાર્થો બાબતે ગ્રાહકોને કઈ રીતે ગેરમાર્ગે દોરવામાં આવે છે.

આ પણ વાંચો: કેન્સરનો ખાત્મો કરનારા ત્રણ સુપર ફૂડ, જે રોગ પ્રતિકારક શક્તિ વધારીને ગંભીર રોગોનું જોખમ પણ ઘટાડે છે

ORS લેબલ ખોટા વપરાશને અટકાવતો FSSAIનો ચુકાદો 

‘ભારતીય ખાદ્ય સુરક્ષા મંડળ’ (FSSAI - Food Safety and Standards Authority of India) એ તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે, જે ખાદ્ય અને પીણા બનાવતી કંપનીઓને ‘વિશ્વ આરોગ્ય સંગઠન’ (WHO) ના નિર્ધારિત ધોરણો પૂરા ન કરતા હોય એવા ઉત્પાદનો પર 'ઓરલ રિહાઈડ્રેશન સૉલ્ટ' (ORS)નું લેબલ લગાવવાથી રોકે છે. આ આવકારદાયક નિર્ણય હૈદરાબાદના બાળરોગ ચિકિત્સક ડૉ. શિવરંજની સંતોષના આઠ વર્ષના સંઘર્ષને પરિણામે મળ્યો છે.

ORS: એક જીવનરક્ષક ઉપાય, ખોરાક નહીં

WHO અને યુનિસેફના મતે, ‘ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન’ (ORS) એ મીઠું અને ગ્લુકોઝનું એક વિશેષ મિશ્રણ છે જેને સ્વચ્છ પાણીમાં ઓગાળવામાં આવે છે. તેનો ઉપયોગ ગંભીર અતિસાર, લૂ અથવા પ્રવાહીની ખોટને લીધે થતી કોઈપણ સ્થિતિને કારણે થતા નિર્જલીકરણ (ડિહાઈડ્રેશન)ના ઇલાજ માટે થાય છે. અત્યાર સુધી ભારતમાં ઘણા ફળ આધારિત પીણાં અને નોન-કાર્બોનેટેડ પીણાંના પેકેટ પર ખોટી રીતે ORS લખાતું હતું, તેથી FSSAI એ કોઈપણ ખાદ્ય ઉત્પાદનના નામ અથવા ટ્રેડમાર્કમાં ORS શબ્દોનો ઉપયોગ ‘ખાદ્ય સુરક્ષા અને માનક ઍક્ટ, 2006’ ના નિયમોનું ઉલ્લંઘન ગણીને એમ કરવું પ્રતિબંધિત કર્યું છે. ફક્ત ORS જ નહીં, ‘આઈસ્ક્રીમ’ અને ‘ફ્રૂટ જ્યુસ’ જેવા શબ્દોનો પણ ખાદ્ય પદાર્થો પર ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે. 

આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો ફરક સમજો

FSSAIએ ‘આઈસ્ક્રીમ’ અને ‘ફ્રોઝન ડેઝર્ટ’ માટે સ્પષ્ટ ધોરણો નક્કી કર્યા છે, જે નીચે મુજબ છે. 

  • FSSAI ના નિયમો મુજબ, દૂધ અથવા દૂધના ઉત્પાદનોમાંથી બનેલું હોય એને જ ‘આઈસ્ક્રીમ’ ગણવું. ‘આઈસ્ક્રીમ’માં દૂધની ચરબી હોવી આવશ્યક છે. 
  • વનસ્પતિ તેલ અને ચરબીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ચીજો ‘આઈસ્ક્રીમ’ નહીં, પણ ‘ફ્રોઝન ડેઝર્ટ’ અથવા ‘ફ્રોઝન કન્ફેક્શન’ તરીકે વર્ગીકૃત થવી જોઈએ. 
  • ઉપરોક્ત નિયમો લાગુ કરાયા હોવા છતાં ઉત્પાદકો ‘ફ્રોઝન ડેઝર્ટ’ પર ‘આઈસ્ક્રીમ’ લખીને એનું વેચાણ કર્યે રાખે છે અને ગ્રાહકોને એની ખબર પણ નથી પડતી, કેમ કે બંનેનો સ્વાદ લગભગ સમાન હોય છે. તેથી સંપૂર્ણપણે અલગ શ્રેણીના આવા ઉત્પાદનો પર હવેથી એ ‘આઈસ્ક્રીમ’ છે કે ‘ફ્રોઝન ડેઝર્ટ’ એ સ્પષ્ટ રીતે લખવાની જરૂરિયાત FSSAI એ લાદી છે, જેથી ગ્રાહકો તેમની જરૂરિયાતને આધારે યોગ્ય વસ્તુની પસંદગી કરી શકે. લેક્ટોઝ પચાવવાની તકલીફ ધરાવતા લોકોના સ્વાસ્થ્ય માટે પણ આવી સ્પષ્ટતા જરૂરી છે. 

‘ફળના રસ’ અને ‘ફળ-પીણાં’ વચ્ચે શું ફરક છે?

ફળના ઉત્પાદનોમાં ‘રસ’ અને ‘પીણું’ વચ્ચેનો તફાવત સમજવો પણ અતિ મહત્ત્વનો છે. 

  • જો કોઈ પેકેટ પર ‘ફળ રસ’ (Fruit Juice) લખેલું હોય, તો તેનો અર્થ છે કે ઉત્પાદનમાં 100% ફળનો રસ હોવો જોઈએ, ભલે તે સાંદ્ર રૂપમાં હોય કે પછી તાજા ગરમાંથી બનાવવામાં આવ્યો હોય. 
  • જ્યારે ‘ફળ પીણું’ (Fruit Drink) અથવા ફક્ત ‘પીણું’ (Beverage) જેવા લેબલ ધરાવતા ઉત્પાદનોમાં માત્ર 10% થી 20% જ ફળનો રસ હોઈ શકે છે અને બાકીના ભાગમાં ખાંડ, પાણી, સ્વાદ વધારનારા ઘટકો (ફ્લેવર એન્હાન્સર્સ) અને સંરક્ષક ઘટકો (પ્રીઝર્વેટિવ્ઝ) હોય છે. 
  • આમ, ‘ફળના રસ’ અને ‘ફળ-પીણાં’ વચ્ચે પોષણ મૂલ્યની દૃષ્ટિએ આકાશ-પાતાળનો તફાવત હોય છે. FSSAI ના લેબલિંગ ધોરણો ખાંડથી ભરપૂર પીણાંઓને ‘રસ’ તરીકે વેચાતા અટકાવે છે.

'ક્રીમ' શબ્દના દુરુપયોગમાં જોડણીનો નાનકડો ફરક રહેલો છે 

લેબલ પરની જોડણીનો નાનકડો ફરક પણ ઉત્પાદનના મૂળ સ્વરૂપમાં મોટો તફાવત દર્શાવી શકે છે, એનું સૌથી મોટું ઉદાહરણ છે ‘ક્રીમ’. 

- FSSAI ના નિયમો મુજબ, દૂધમાંથી બનતી ‘ક્રીમ’ (Cream)માં ઓછામાં ઓછા 25 ટકા દૂધની ચરબી હોવી જોઈએ, અને તે ગાય અથવા ભેંસના દૂધમાંથી જ મેળવેલી હોવી જોઈએ, વનસ્પતિ તેલમાંથી નહીં. તેમાં સ્ટાર્ચ અથવા કોઈ અન્ય બાહ્ય ઘટકો ન હોવા જોઈએ. 

- બીજી બાજુ, જે ઉત્પાદનોમાં બિન-ડેરી અને વનસ્પતિ તેલ આધારિત ચરબી વપરાય છે એને ‘ક્રીમ’ (Crème) કહેવાય છે. ઉચ્ચાર સરખો હોવા છતાં, બંનેની જોડણીમાં હલકો ફરક છે, જે ગ્રાહકના ધ્યાનમાં આવતો નથી, અને આવે તો પણ સામાન્યતઃ સમજાતો નથી. સાચું ક્રીમ ન હોવા છતાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા માટે Crème જેવો શબ્દ માર્કેટિંગ માટે વપરાય છે. ઉદાહરણ જોઈએ તો, ‘ક્રીમ બિસ્કિટ’માં સાચું ડેરી ક્રીમ (Cream) નથી હોતું, પણ વનસ્પતિ તેલ આધારિત ‘ક્રીમ’ (Crème) જ હોય છે. આવું ભ્રામક લેબલિંગ ગ્રાહકોને પણ ગૂંચવણમાં નાંખે છે અને ફૂડ પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સ નિયમોનું પણ ઉલ્લંઘન કરે છે.

આ પણ વાંચો: લિવરના સોજા અને નબળાઈની રામબાણ ઈલાજ છે 3 ટેવ, નિષ્ણાતોની જુઓ શું છે સલાહ!

સજાગ ગ્રાહક બનો, લેબલ ધ્યાનથી વાંચો

ખાદ્ય ઉત્પાદનોના નામકરણ અને ઘટકો માટે FSSAI દ્વારા નક્કી કરવામાં આવેલા આ સખત ધોરણોનો મુખ્ય હેતુ ગ્રાહકો માટે પારદર્શિતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ‘આઈસ્ક્રીમ,’ ‘રસ,’ ‘ક્રીમ,’ અથવા ‘ORS’ જેવા શબ્દો માત્ર માર્કેટિંગ માટેના શબ્દો નથી, પણ તે ઉત્પાદનની ગુણવત્તા સૂચવે છે. તેથી સજાગ ગ્રાહક તરીકે આપણે ખરીદી કરતી વખતે લેબલને ધ્યાનથી વાંચવું જોઈએ અને નજીવા તફાવતોને સમજવા જોઈએ, જેથી આપણે સ્વસ્થ પોષક તત્વો અને ફક્ત કેલરી ધરાવતા ઉત્પાદનોમાંથી યોગ્ય પસંદગી કરી શકીએ.