મેલબોર્ન, ૩ ફેબુ્આરી,૨૦૨૦ સોમવાર
ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટનો ૮ મો ખિતાબ જીતીને નોવાક જોકોવિચે ટેનિસના મહાન ખેલાડીઓની હરોળમાં સ્થાન મેળવી લીધું છે.૨૦૦૮માં નોવાકે પ્રથમ વાર ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ જીત્યું હતું. ત્યાર પછી ૨૦૧૧ થી ૨૦૧૬ના ગાળા દરમિયાન ૨૪ સ્પર્ધામાંથી ૧૧ ગ્રેન્ડસ્લેમ જીતવામાં સફળતા મેળવી હતી. જયારે સાતમાં ફાઇનલ સુધીની સફર ખેડી હતી.

નોવાક જોકોવિચે પોતાની આ સફળતાનું શ્રેય યોગ,ધ્યાન અને શાકાહારને આપ્યું છે. યુધ્ધની અત્યંત કરપીણ સ્થિતિના સાક્ષી બનેલા સર્બિયાના બેલગ્રાદમાં જન્મેલા આ ટેનિસ સ્ટારે પાણી વગરના સ્વિમિંગ પૂલને ટેનિસનું મેદાન બનાવીને ટેનિસનો એકડો ઘૂંટયો હતો. પોતાની મહેનત અને પરીશ્રમથી ૧૪ કરોડ ડોલરની એવોર્ડ રકમ પ્રાપ્ત કરનારો આ ખેલાડી મહેલ જેવા વિશાળ ઘરમાં રહે છે. પોતાની કરિયરમાં અનેક ઉતાર ચડાવ જોઇ ચૂકેલા નોવાકમાં ઘણા અનુભવો પછી પરીપકવત્તા આવી છે.
૩૨ વર્ષના નોવાકે અત્યાર સુધી કુલ ૧૭ ગ્રેન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીત્યા છે. હવે આ ખેલાડીનું લક્ષ્ય હવે રોજર ફેડરર અને રફેલ નડાલના રેકોર્ડ પર છે જેમણે ક્રમશ ૨૦ અને ૧૯ ગ્રેન્ડસ્લેમ જીત્યા છે. નોવાક જોકોવિચેની દિનચર્યા પણ અનુસરણ કરવા જેવી છે. તે હંમેશા સૂર્યોદય પહેલા પોતાના પરીવાર સાથે ઉઠી જાય છે. સૂર્યોદય દેખાય કે તરત જ પરિવારના સભ્યોને ગળે મળે છે. સાથે ગીતો ગાય છે અને હળવા યોગ કરે છે. નવાઇની વાત તો એ છે કે બે બાળકોનો પિતા નોવાક જોકોવિચ સંપૂર્ણ શાકાહારી ભોજન લે છે. એટલું જ નહી એક ડોક્યુમેન્ટ્રીમાં નોવાક જોકોવિચના જણાવ્યા અનુસાર બીજા ખેલાડીઓને શાકાહાર લેવા માટે પણ પ્રેરણા આપે છે.

નોવાકે જયારે ૮ મી ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ જીતી ત્યારે કોઇ જ પાર્ટી કરી ન હતી. પાર્ટીના સ્થાને બોટોનિકલ ગાર્ડનમાં અંજીરના વૃક્ષ પર ચડીને વૃક્ષ પ્રેમ પ્રગટ કર્યો હતો. નોવાકને બ્રાઝિલી અંજીરના વૃક્ષ પર ચડવું ખૂબજ ગમે છે. દરેક ખેલાડીના જીવનમાં ખરાબ સમય આવતો હોય છે એવું નોવાક સાથે પણ બન્યું હતું. હાથ અને કોણીની ઇજ્જાથી લાંબા સમય સુધી પીડાતા રહયા હતા. ૨૦૧૭માં વિમ્બલડન સ્પર્ધા પછી ફોર્મમાં આવ્યા અને ત્યારથી લઇને અત્યાર સુધી ટેનિસ રમત ક્ષેત્રે અનેક સિધ્ધિઓ મેળવી છે. નોવાકે આધ્યાત્મિક આધ્યાત્મિક માર્ગે વળીને લાંબા સમય સુધી ધ્યાન સેશનમાં ભાગ લીધો છે. યોગ, ધ્યાનમાં રહેવાથી તે વધુ સહનશીલ અને સંતુષ્ટ બન્યો છે.


