ઇરાન- ઇરાકમાં કોરોનાના પગલે શુક્રવારની નમાઝ રદ
આર્થિક જ નહી સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર કોરોનાની અસર
ઇરાનના કુલ ૩૧ પ્રાંતોમાં ફેલાયો છે કોરોના વાયરસ
તહેરાન,૬ માર્ચ,૨૦૨૦ શુક્રવાર
કોવિડ-૧૯ નામથી ઓળખાતો કોરાના વાયરસ જે ઝડપથી વિશ્વમાં પ્રસરી રહયો છે તે જોતા વિશ્વવ્યાપી મહામારી (પેનડેમિક) બનવાના તમામ લક્ષણો દેખાર રહયા છે. પ્રાપ્ત માહિતી મુજબ વિશ્વમાં કોરોના વાયરસથી પીડાતા લોકોની સંખ્યા ૧ લાખ સુધી પહોંચી છે. વિશ્વના ૨૦૦ જેટલા દેશોમાંથી ૮૦ એટલે કે અડધી દુનિયાના દેશોના દરવાજા પર કોરોનાએ દસ્તક દીધી છે. ૨૦૦૩માં એચ-૧ એન-૧ પણ ચીનમાંથી ફેલાયો હતો અને કોરોના પણ ચીનના વુહાન શહેરમાંથી ફેલાયો છે. વુહાનમાંથી શરુ થયેલો આ વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે.
ચીનમાં ૮૦૫૨૨ અને ચીનની બહાર ૨૦ હજાર જેટલા દર્દીઓ જોવા મળી રહયા છે. ૨૦૦૩માં એચ-૧ એન-૧ વાયરસનો પ્રકોપ દુનિયામાં ફેલાયો ત્યારે જે ભયનો માહોલ ફેલાયો હતો તેનાથી પણ વધારે ડર જોવા મળી રહયો છે. ચીનમાં એચ-૧ એન-૧થી ૧૦૦૦ લોકોના મોત થયા હતા જયારે કોવિડ-૧૯થી ૩૦૦૦ કરતા પણ વધુના મોત થયા છે. કોરાનાની અસર મેડિકલ અને આર્થિક જગત પર જ નહી સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો અને રોજબરોજના જીવન પર પણ પડી છે. ઇરાનના મોટા શહેરોમાં શુક્રવારની નમાઝને પણ રદ કરવામાં આવી છે. ઇરાકમાં કરબલા ખાતે શુક્રવારની નમાઝ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સંયૂકત આરબ અમિરાતમાં વાયરસના ખતરાને પારખીને નમાઝને ૧૦ મીનિટમાં આટોપી લેવામાં આવી હતી. માસ્ક, મોજા અને સર્જીકલ સાધનોની ડિમાંડ વધી ગઇ છે. સર્જીકલ માસ્ક આમ તો માઇક્રો વાયરસથી ખાસ રક્ષણ આપતા નથી પરંતુ તેમ છતાં તેની ડિમાન્ડ વધી ગઇ છે. ઓનલાઇન વેચાણ કરતી કંપનીઓ પાસે પણ માસ્કનો મર્યાદિત સ્ટોક રહયો છે. યૂરોપના કેટલાક દેશોમાં તો સ્ટાન્ડર્ડ મેડિકલ કિટ પણ સરળતાથી મળતી નથી.
ઇરાન સરકારે કોરોના વાયરસના નવા અપડેટ જાહેર કરતા જણાવ્યું છે કે દેશમાં ૪૭૫૭ લોકોને વાયરસ લાગુ પડયો છે અને ૧૨૪ લોકોના મોત થયા છે.ઇરાનમાં એક શહેરથી બીજા શહેરમાં અવર જવર કરતા લોકોને અટકાવવા માટે બળપ્રયોગ કરવાની પણ ચેતવણી આપી છે. ઇરાનના કુલ ૩૧ પ્રાંતોમાં કોરોના વાયરસના કેસ જોવા મળ્યા છે જે ચિંતાનો વિષય છે. ઇરાનના વિદેશમંત્રીના સલાહકાર હુસેનસેખોલેસલામનું કોરાના વાયરસથી મોત થયું છે. હુસેને ઇસ ૧૯૭૯માં અમેરિકી દૂતાવાસના અપહરણ કટોકટી દરમિયાન મહત્વનો ભાગ ભજવ્યો હતો.