રોજ યોગ કરવાથી થાય છે આટલા લાભ, જાણી લો અને તમે પણ કરો શરૂઆત
નવી દિલ્હી, 29 ફેબ્રુઆરી 2020, શનિવાર
આંતરરાષ્ટ્રીય યોગ સપ્તાહમાં ભાગ લેવા અને યોગના લાભ મેળવવા માટે વિશ્વભરના લોકો ભારત આવે છે. આ યોગ સપ્તાહમાં લોકોને યોગના વિવિધ આસન શીખવાડવામાં આવે છે. આપણા દેશમાં હજારો વર્ષોથી યોગ કરવામાં આવે છે. યોગ કરવાથી શરીરને અઢળક લાભ થાય છે. આ લાભમાંથી કેટલાક તો એવા છે જેના વિશે કોઈ જાણતું પણ નથી હોતું. આ તમને જણાવીએ કે યોગ કરવાના ફાયદા કયા કયા છે.
1. જ્યારે પણ વધારે તાણની અનુભૂતિ થાય છે ત્યારે મગજ એડ્રેનાલિન બહાર કાઢે છે. એડ્રેનાલિનના કારણે હૃદયની ધબકારા ખૂબ ઝડપથી થઈ જાય છે. જેના કારણે બ્લડ પ્રેશર વધે છે. સતત તાણમાં રહેવું હૃદયને લગતી સમસ્યાઓનું જોખમ વધારે છે. જે લોકો તાણમાં રહે છે તેમને અન્ય લોકો કરતાં હૃદયરોગ થવાની સંભાવના વધારે હોય છે. દરરોજ યોગ કરવાથી આ તાણ ઘટે છે.
2. યોગા ખાસ કરીને તાણ, હાઈ બ્લડ પ્રેશર, કોરોનરી એથરોસ્ક્લેરોસિસ, હાર્ટ એટેક, ડિસલિપિડેમિયા, ડાયાબિટીઝ, અસ્વસ્થતા, ડિપ્રેશન અને અન્ય રોગોથી પીડિત દર્દીઓના સ્વાસ્થ્યને સુધારે છે. નિયમિત રીતે યોગ કરવાથી શરીરના અનેક રોગોથી મુક્ત થાય છે. હૃદયરોગની સ્થિતિમાં હૃદયની સંભાળ સારી રીતે રાખવી હોય તો યોગ તેનો બેસ્ટ રસ્તો છે.
3. જ્યારે શરીરમાં લોહીના પ્રવાહની ગતિ ધીમી પડી જાય છે ત્યારે લો બ્લડ પ્રેશરની ફરિયાદ રહે છે. લો બ્લડ પ્રેશરને લીધે, લોહી મગજ સહિત શરીરના અવયવોને યોગ્ય રીતે મળતું નથી. આ પરિસ્થિતિને સુધારવામાં યોગ અસરકારક સાબિત થાય છે.
યોગ વિવિધ રીતે શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે એટલા માટે જ લોકો યોગ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી આંતરરાષ્ટ્રીય યોગ સપ્તાહનું આયોજન કરવામાં આવે. આ વર્ષે યોગને સમર્પિત આ સપ્તાહ 1થી 7 માર્ચ 2020 સુધી રહેશે.