International Yoga Day 2019 : પીએમ મોદીએ લિંક્ડઈન પર શેર કર્યો ખાસ સંદેશ
નવી દિલ્હી, 20 જૂન 2019, ગુરુવાર
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ ભારત સહિત દુનિયાભરમાં ઉજવાય છે. આ તકે પીએમ મોદીએ સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ લિંક્ડઈન પર એક સંદેશ શેર કર્યો છે. આ સંદેશમાં પીએમએ યોગને પોતાના જીવનનો ભાગ બનાવવા કહ્યું છે. તેમણે યોગ દિવસ પર પોતાની ઓફિસના દરેક વ્યક્તિને આ આયોજનમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો છે. આ અગાઉ પીએમએ યોગાસનોની એક સીરીઝ ટ્વિટર પર શેર કરી હતી.
લિંક્ડઈન પર શેર પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, લોકો પાસેથી બે આગ્રહ રાખું છું, પહેલું કે યોગને પોતાના જીવનનો અભિન્ન ભાગ બનાવો અને બીજું કે યોગ દિવસના અવસર પર પોતાની ઓફિસની ટીમ સાથે આ અભ્યાસમાં ભાગ લઈ આ દિવસની ઉજવણીને સફળ બનાવો. પીએમ મોદીએ કહ્યું હતું કે યોગ કરવા સરળ અને સુવિધાજનક છે. યોગ માટે મોટા ઉપકરણો અને મેદાનની જરૂર નથી. તેના માટે નાની જગ્યા અને ચટાઈની જરૂર પડે છે અને ધગસની જરૂર હોય છે. યોગ ઓફિસના નાના બ્રેક દરમિયાન પણ કરી શકો છો. તમે ઈચ્છો તો દર કલાકે થોડા આસન કરી શકો છો.
પીએમ મોદીએ યોગથી થતા લાભનો ઉલ્લેખ પણ કર્યો છે. યોગથી માનસિક તાણ દૂર થાય છે, ભાગદોડ ભરેલી દિનચર્યા વચ્ચે યોગથી દિવસની શરૂઆત કરવી ઉત્તમ ગણાશે. ભારતમાં યોગની શરૂઆત હજારો વર્ષો પહેલા થઈ હતી અને તે દુનિયાભરમાં લોકપ્રિય છે. પાંચમા આંતરરાષ્ટ્રિય યોગ દિવસ પર વડાપ્રધાન રાંચીમાં યોજાયેલા યોગ દિવસના આયોજનમાં ભાગ લેશે.