21 જૂનએ યોગ દિવસ ઉજવવા પાછળ આ છે રસપ્રદ કારણ, જાણો 2019ની થીમ
નવી દિલ્હી, 20 જૂન 2019, ગુરુવાર
ભારતમાં યોગાભ્યાસની પરંપરા 5000 વર્ષ જૂની છે. યોગ શરીર અને આત્મા વચ્ચેનું સામંજસ્ય સાધવાનું વિજ્ઞાન છે. આ પ્રાચીન પદ્ધતિ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. યોગ સાથેના સંબંધની ઉજવણી કરવાની આમ તો કોઈ જરૂર નથી પરંતુ તેમ છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે આ દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેનું કારણ આજે તમને જણાવીએ.
21 જૂન અને યોગ દિવસ સાથે સંબંધ
વડાપ્રધાન મોદીએ વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે આ દિવસે ઉત્તરી ગોળાર્ધમાં દિવસનો સૌથી લાંબો દિવસ હોય છે. આ દિવસે સૂર્ય વહેલો ઉદય થાય છે અને મોડેથી અસ્ત થાય છે. આ ઉપરાંત ભારતમાં 21 જૂન ગ્રાષ્મકાલીન સંક્રાંતિનો દિવસ પણ હોય છે.
11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દુનિયાભરમાં ઉજવાય છે. વડાપ્રધાન મોદીએ સપ્ટેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતી વખતે યોગના મહત્વની ચર્ચા કરી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ
વર્ષ 2015. સદ્ભાવ અને શાંતિ
વર્ષ 2016. યુવાઓને જોડો
વર્ષ 2017. સ્વાસ્થ્ય માટે યોગ
વર્ષ 2018. શાંતિ માટે યોગ
વર્ષ 2019. પર્યાવરણ માટે યોગ